અમદાવાદ એરપોર્ટ પર રવિવારે મોડી રાત્રે થાઇ એરવેઝની બેંગકોકની ફ્લાઈટ લેન્ડ થઈ હતી. પરંતુ પેસેન્જરના લગેજ ન આવતા ભારે હોબાળો થયો હતો. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે, પેસેન્જરો અને એરલાઈનનો સ્ટાફ સામ સામે આવી ગયા હતાય
બેંગકોકથી અમદાવાદથી ફ્લાઈટમાં 170 પેસેન્જર સવાર હતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરો ઉતરીને લગેજ લેવા માટે કન્વેયર બેલ્ટ પાસે પહોંચ્યા હતા પરંતુ 170 લગેજ આવ્યા ન હતી. આમ પેસેન્જરોએ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીને પૂછપરછ કરતા તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. લગેજ ન આવતા મોટી સંખ્યામાં પેસેન્જરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા. કેટલાકની બેગમાં કીમતી સમાન હોવાથી ખોવાઈ જશે તેનો જવાબદાર કોણ? તે મુદ્દે એરલાઇન સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. એરલાઈને મિસિંગ લગેજનું ફોર્મ ભરાવીને તેમને ઘરે પહોંચાડવાની બાહેધારી આપી હતી.
થાઇ એરવેઝની અમદાવાદથી બેંગકોકની ફ્લાઈટ આગળ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ઓનવર્ડ કનેક્શનની સુવિધા આપે છે. રિટર્નમાં પણ આ ફ્લાઈટ ફુલ હોવાને કારણે પેસેન્જરોના લગેજ વધુ હોય છે જેથી છેલ્લા કેટલાય દિવસથી 60થી 70 બેગો રહી જતી હોય છે. એરલાઇન રહી ગયેલી બેગો બીજા દિવસની ફ્લાઈટમાં મોકલે છે. આ સેક્ટર પર નાનું વિમાન ઓપરેટ થતું હોવાથી પેસેન્જરોની બેગોનો ભરાવો થઈ જાય છે.