અમેરિકન પ્રમુખે આખી દુનિયામાં સામસામી ટેરિફ લાદવાનું જાહેર કર્યું એને પગલે સમગ્ર ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઊંડા પ્રત્યાઘાત પડયા છે. ગુરુવારે આ લખાઈ રહ્યું છે એ સમયે માર્કેટ કેપિટલાઇઝેશન 5.15 ટકા ઘટીને 2.6 ટ્રિલ્યન ડોલર થઈ ગયું છે.
જ્યારે બિટકોઇનમાં પણ એટલો જ ઘટાડો થઈને ભાવ 81,281 ડોલર થઈ ગયો છે. ઇથેરિયમમાં 7ટકાનો ઘટાડો થતાં ભાવ 1758 ડોલર થયો છે. એક્સઆરપીમાં 7.81 ટકા, બીએનબીમાં 4.22, સોલાનામાં 12.23, ડોઝકોઈનમાં 10.15, ટ્રોનમાં 1.83, કાર્ડાનોમાં 10,50 ટકા અને અવાલાંશમાં 8.16 ટકા ઘટાડો નોંધાયો છે.
કોઇનપેનલ ખાતેના ઓટોમેશન ક્ષેત્રના નિષ્ણાત કિરિલ ક્રેટોવે કહ્યું હતું કે, ક્રિપ્ટો માર્કેટમાં હાલ સ્પષ્ટ પ્રતિક્રિયા આવી નથી. ક્રિપ્ટોના ભાવમાં ગરબડ થવાની શક્યતા રહેલી છે. આથી ઘણા રોકાણકારો ટેરિફની બાબતે સ્પષ્ટતા થાય ત્યાં સુધી બજારથી દૂર રહેવાનું પસંદ કરશે એવો મારો મત છે.
નોંધનીય છે કે 10થી 50 ટકા સુધીની ટેરિફને કારણે વેપારયુદ્ધ થવાની શક્યતા વધી ગઈ છે. વૈશ્ર્વિક સપ્લાય ચેઇન પર એની પ્રતિકૂળ અસર થશે. અમેરિકામાં ઇક્વિટી માર્કેટમાં પણ ઘટાડો થયો છે.