ગુરુવારે પ્રથમ વખત બીટકોઇનનો ભાવ એક લાખ યુ.એસ. ડોલરને પાર નીકળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી નવેમ્બર મહિનામાં સિત્તેર હજાર ડોલરથી વધી ૯૫ હજાર ડોલર થયો હતો. ટ્રમ્પ સતત ‘ડિજીટલ એસેટ્સ’ની તરફેણ કરતા રહ્યા છે. છેલ્લે તેમણે યુ.એસ. સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ કમિશનમાં પોલ એટકિન્સની નિયુક્તિ કરવાની જાહેરાત કરી છે.
પોલ એટકિન્સ હંમેશા ક્રિપ્ટો પ્રત્યે નરમ વલણ રાખવાની હિમાયત કરતા રહ્યા હતા. અગાઉ તેઓ સીક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ કમિશનમાં નીચેના હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. અત્રે એ નોંધનીય છે કે, પોતાના ચુંટણીપ્રચાર દરમ્યાન ડોનાલ્ડ યુ.એસ.ને ‘આ ગ્રહનું ક્રિપ્ટો કેપિટલ’ બનાવવાની અને બીટકોઇનનો સૌથી મોટો ભંડાર ઊભો કરવાના વચનો આપતાં હતા. જ્યારે ટ્રમ્પે એટકિન્સની નિયુક્તિની જાહેરાત કરી, ત્યારે બીટકોઇન ખેલંદાઓને તેને જાણે કે વધાવી લીધી.
ક્રિપ્ટોનો ડેટા પૂરો પાડતી કોઇનગેકો મુજબ, આ વર્ષે ક્રિપ્ટોનું બજાર લગભગ બમણું થયું છે અને તે આશરે ૩.૮ ટ્રિલીયન ડોલર આસપાસ છે. સરખામણી ખાતર જોઇએ તો એપલની માર્કેટ કેપ ૩.૭ ટ્રિલીયન ડોલર છે.
એક ડિજીટલ એન્ક્રિપ્શન માત્રથી વોલ સ્ટ્રીટ સુધીની બીટકોઇનની સફર સારી એવી રોમાંચક રહી છે. ૨૦૦૮ માં બીટકોઇનની શરૂઆત થઇ હોવાનું મનાય છે. તેના સર્જકનું નામઠામ નથી. એમ જ ડિજીટલી એક એન્ક્રિપ્શન અસ્તિત્વમાં આવ્યું. કોઇ તેમાં પોતાનો આઇ.ડી. બનાવી લોગીન થઇ જાય અને પછી વર્ચ્યુઅલ માઇનિંગ શરૂ કરી છે. આખો કોઇન પૂરો થાય એટલે એને ડિજીટલી વટાવવાનો. પછી આગળ જતાં એવું શરૂ થયું કે આખો કોઇન ન હોય તો પણ દશાંશમાં તેને વટાવી શકાય.
સી.એફ.ડી. (કોન્ટ્રાક્ટ ફોર ડિફરન્સ) એટલે કે જે ભાવે પોઝીશન બનાવો અને જે ભાવે સરખી કરો તેનો માત્ર તફાવત જ મેળવો કે ચુકવો તે એવી વ્યવસ્થા છે, જ્યાં યુ.એસ., યુરોપ, ઓસ્ટ્રેલિયા, દુબઇ માં સોદા કરી શકાય છે. આ સોદા એક્ષચેન્જમાં જતા નથી. માત્ર સટ્ટો જ રમાય. આ જ સી.એફ.ડી.ઓની મોબાઇલ એપ્લીકેશન્સનો હાલ ડબ્બા બજારના ખેલાડીઓ ઉપયોગ કરી રહ્યા છે. યુ.એસ., યુરોપ, દુબઇ વિગેરેમાં આવી સી.એફ.ડી. કાયદેસરની છે. જ્યારથી બીટકોઇનના ભાવો આ સી.એફ.ડી.ઓએ આપવાના શરૂ કર્યા ત્યારથી બીટકોઇનમાં સટ્ટો જામતો ગયો હતો. છેલ્લે સિંગાપોર એક્ષચેન્જમાં તેનું લિસ્ટિંગ થયા બાદ તેમાં લોકોનો રસ વધ્યો હતો.
કોવિડ પછી દુનિયાભરમાં વધેલી સટ્ટાખોરીમાં ક્રિપ્ટોમાં લોકોનો રસ વધ્યો. પણ, ૨૦૨૨ માં એફ.ટી.એક્સ નામના ક્રિપ્ટો એક્ષચેન્જના કૌભાંડ બાદ તેમાં ઓટ આવી હતી. એફ.ટી.એક્સ નામના એક્ષચેન્જે રોકાણકારોના પૈસા બારોબાર બીજે ટ્રાન્સફર કરી લીધા હતા. ભારતમાં સતત ક્રિપ્ટોના નામે છેતરપીંડિઓ જોવાતી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર સતત ક્રિપ્ટો સામે લોકોને સાવચેતી રાખવાનું જણાવતી રહી છે. રિઝર્વ બેંકે વખતોવખત પરિપત્રો જાહેર કરી લોકોને ક્રિપ્ટોના સંભવિત જોખમો સામે જાગૃત રહેવા જણાવ્યું છે. પ્રખ્યાત ઇન્વેસ્ટર વોરન બફેટ ક્રિપ્ટો પ્રત્યે સતત અણગમો ધરાવતા રહ્યા છે. પરંતુ, તેમની કંપની બર્કશાયલ હેથવે એક કંપની નામે ‘નુ હોલ્ડિંગ’ થકી ક્રિપ્ટોમાં રોકાણ કરતી હોવાના સમાચારો પણ છપાયા છે.
ભારત સહિત અનેક વિકાસશીલ દેશો રોકાણકારોની તથાકથિત ‘ડિજીટલ એસેટ્સ’ પાછળની ઘેલછાથી ચિંતિત છે. જ્યારે ચલણી નાણાંનું સ્થાન અન્ય કોઇ ઇન્સ્ટ્રુમેન્ટ કે ખત લઇ લે, જે કોઇના અંકુશમાં ન હોય, જેમાં ગમે તેવો સટ્ટો ચાલતો હોય, ત્યારે જે તે દેશની સંપ્રભુતા સામે જોખમ ઊભું થાય છે. અત્રે એ પણ નોંધનીય છે કે યુ.એસ.ની કેટલીક કંપનીઓ હવે પોતાના ક્રિપ્ટો બહાર પાડવા લાગી છે. જો આ ટ્રેન્ડ જોર પકડે, તો એવું બને કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના મોટાં વ્યવહારો, મર્જર -એક્વિઝીશન વિગેરે આવી ડિજિટલ એસેટમાં પતાવી દે જેનાથી તેમને કરવેરા ભરવા ન પડે.
સ્ટોક ટુડે પર પોતાની કોલમ લખતાં ટેકનિકલ એનાલિસ્ટ આશિષ નમ્બીસને જણાવ્યું છે કે, “માત્ર ભાવોની વધઘટ જોઇ કોઇપણ સટ્ટાખોરીમાં કૂદી ન પડવું. હંમેશા તેના ‘અંડરલાઇંગ’ જુઓ. આપ, શેરમાં રોકાણ કરો છો, તો જુઓ કે તે નામની નીચેની કંપની શું કરે છે, તેનો નફો કેવો છે, તેની કામગીરી કેવી છે. કોમોડિટી વાયદામાં તેની અંડરલાઇંગ કોઇ કોમોડિટી હોય છે, જેનું ઉત્પાદન, વિતરણ થતું હોય છે. તે જ પ્રમાણે કરન્સી વાયદામાં જે તે દેશની કરન્સીનો બીજા દેશની કરન્સીની સાપેક્ષમાં ભાવ હોય છે. આવા દેશો પોતે પોતાના ચલણી નાણાંનું નિયમન કરતા હોય છે. આ બધી તકલીફ એટલે જ શરૂ થઇ કેમકે, શરૂઆતથી જ આપણે તેને ક્રિપ્ટો ‘કરન્સી’ કહેતા આવ્યા છીએ. કરન્સી શબ્દ જ એવો છે કે જેમાં લોકો દોરવાઇ જાય.”
અત્રે એ નોંધનીય છે કે, હાલ વિવિધ ગ્લોબલ ફંડસ મારફત થતાં રોકાણોમાં ડિજીટલ એસેટ્સનો હિસ્સો આશરે ત્રણ ટકા જેટલો થયો છે, જે હકીકતમાં ભારે મોટો હિસ્સો કહી શકાય. બીજી તરફ ઘણી બહુરાષ્્રીય બેંકો હવે ડિજીટલ વોલેટ ઉપલબ્ધ કરાવી રહી છે જેમાં ક્રિપ્ટો રાખી શકાય. ત્યારે દુનિયાભરની સરકારો માટે આ તથાકથિત ‘ડિજીટલ એસેટ્સ’ શિરદર્દ બનવાનો છે.