બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે છ કરોડ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે. સાથેસાથે ભુપેન્દ્રસિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજીસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપીને માહિતી મંગાવી છે. આ ઉપરાંત, અન્ય ૧૦૦થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગેની વિગતો આપી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડ રૂપિયા મહાકૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમ વિવિધ મુદ્દાઓ અલગ તારવીને અલગ અલગ ટીમ બનાવી છે. પોલીસની ૧૦થી વધુ કર્મચારીઓની ટીમ ભુપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ ઓફિસમાં નોકરી કરતા યુવક અને યુવતીઓના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે. ભુપેન્દ્રસિંહે રોકાણકારોને છેતરીને મેળવેલા કરોડો રૂપિયા પૈકીના મોટાભાગની રકમ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં રોકાણ કર્યાની વિગતો પણ સીઆઇડી ક્રાઇમને મળી છે. ભુપેન્દ્રસિંહે આ માટે કેટલાંક નિષ્ણાંતોની મદદ લઇને આ નાણાંનું રોકાણ કર્યાની આશંકા છે. આ સંદર્ભમાં પોલીસને તેની નજીકના કેટલાંક લોકોની વિગતો મળી છે. જે અંગે સીઆઇડી ક્રાઇમની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બીઝેડ ગુ્રપના નામે ભુપેન્દ્રસિંહ ઝાલાએ અબજો રૂપિયાની મિલકતો ખરીદી હોવાની વિગતો તપાસવા માટે પોલીસે ૩૩ જેટલા જિલ્લાઓની રજીસ્ટ્રાર ઓફિસમાં તપાસ આરંભી છે. તબક્કાવાર ખુલતી માહિતીને આધારે પોલીસ દ્વારા આ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્રસિંહે મોડાસાના લીંભોઇ ગામમાં ત્રણ કરોડ રૂપિયાનું ફાર્મહાઉસ બનાવ્યું હતું. આ ઉપરાંત, પોલીસને મોડાસાના સાંકરિયા ગામમાં ભુપેન્દ્રસિંહે ૧૩૪૮૫ ચોરસ મીટર જમીન તેના નામે ખરીદી હતી. આ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.