વીતેલા સપ્તાહે બજારમાં સાર્વત્રિક તેજીનું પુનર્ગામન થયું છે. નિફ્ટી આંક સવા બે ટકા, બેન્કનિફ્ટી પોણા ત્રણ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી પી.એસ.યુ. બેંક પાંચ-પાંચ ટકા, નિફ્ટી ઓટો અઢી ટકા, નિફ્ટી ૫૦૦ પોણા ત્રણ ટકા, ઓઇલ એન્ડ ગેસ બે ટકા, સ્મોલકેપ ૧૦૦ સાડા ચાર ટકા, માઇક્રોકેપ ૨૫૦ સાડા ત્રણ ટકા …. એમ લગભગ તમામ ઇન્ડેક્સ પોઝિટીવ રહ્યા છે. FII એ કેશ સેગમેન્ટમાં રૂપિયા બાર હજાર કરોડની, તો F&O માં ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂપિયા પાંચ હજાર કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂપિયા એક લાખ તેંત્રીસ હજાર કરોડનું લેણ કર્યું છે. ઉલ્લેખ કરવો રહ્યો કે, ગતઅંકમાં જણાવ્યુ હતું કે, નિફ્ટી ફ્યુચરમાં જે એક કરોડ સત્તર લાખ આસપાસનું ઓપન ઇન્ટરેસ્ટ છે, તે જોતાં બજારમાં ઘટાડો થાય તેમ નથી. જો બજારને ઘટવું હોત, તો આ ઓપન ઇન્ટરેસ્ટ એક કરોડ પાંત્રીસ – ચાલીસ લાખે પહોંચ્યું હોત. સાથે જ વિતેલા અઠવાડિયે પુટ ઓપ્શન્સમાં સારું એવું અંડર-રાઇટિંગ થયું છે, જે પણ હાલ બજાર કોઈ મોટા ઘટાડાના મૂડમાં નહીં હોવાનો સંકેત આપે છે.
એચ.ઇ.જી., બોરોસીલ રીન્યુએબલ્સ જેવાં શેર્સ પચીસ ટકા જેટલાં, તો સ્વાન એનર્જી, ફિનોલેક્સ કેબલ્સ, કે.ઇ.સી. ઇન્ટરનેશનલ જેવાં શેર્સ પંદર ટકા જેટલાં ઉછળ્યા છે. તમામ ઇન્ડાઇસીસમાં નિફ્ટી કેપિટલ માર્કેટ સુધારામાં અગ્રેસર રહ્યો અને સાપ્તિહિક આંઠ ટકા થી વધુના સુધારા સાથે બંધ રહ્યો છે. વીતેલા સપ્તાહની નોંધપાત્ર (ગર્ભિત) બાબત એ રહી કે ટોચના અને પરંપરાગત ક્ષેત્રો કરતાં અદ્યતન અને પૂરક સેવાઓવાળી કંપનીઓના શેર્સ વધુ ઉછળ્યા છે. દાખલા તરીકે, ફાયનાન્શયલ સર્વિસ અને આઇ.ટી. ક્ષેત્રની કંપનીઓના શેર્સ કરતાં જે કંપનીઓમાં આ બંને બાબતોનો સન્મનવય જોવા મળે છે તેવી ફીનટેક કંપનીઓના શેર્સ વધુ ઉછળ્યા. પોલીસી બાજાર ૧૩ ટકા, સી.ડી.એસ.એલ. ૧૪ ટકા, MCX ૧૧ ટકા, BSE ૧૫ ટકા ઉછળ્યા, જ્યારે લગભગ તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (મ્યુચ્યુઅલ ફંડ સર્વિસીસ)ના શેર્સમાં સારો સુધારો નોંધાયો. તેવી જ રીતે પાવર શેર્સ કરતાં કેબલ શેર્સ વધુ સુધર્યા. ભારતના ફીનટેક ક્ષેત્ર બાબત નોંધવું રહ્યું કે, જૂન મહિનામાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશનના નોન-એક્ઝીક્યુટીવ ચેરમેન અને ઇન્ડીપેન્ડેન્ટ ડાયરેક્ટર શ્રી અજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ ભારતનું ફીનટેક ક્ષેત્ર ૧૧૦ બીલીયન યુ.એસ. ડોલરનું અંદાજી શકાય અને તે ૨૦૨૯ સુધીમાં ૪૦૦ બીલીયન યુ.એસ. ડોલરથી વધુનું થવાનો અંદાજ છે, જે વાર્ષિક ૩૧ ટકાનો વૃદ્ધિદર દર્શાવે. સરકારની ડીજીટલ સેવાઓને પ્રાધાન્ય આપવાની નીતિ અને ભારતીયોએ જે ઝડપથી ટેકનોલોજીને અપનાવી છે, તેને તેઓ આવા વૃદ્ધિદરનું કારણ માની રહ્યા છે.
ગયા અંકમાં સ્ટોક ટુડેમાં જણાવવામાં આવ્યું હતું કે નિફ્ટી સ્પોટમાં ૨૪૫૦૦ આસપાસ સેલિંગ પ્રેશર જોવાઇ શકે અને તે મુજબ, ગુરુવારે જ્યારે નિફ્ટી સ્પોટ ૨૪૫૦૦ પાસે પહોંચ્યું, ત્યારે થોડીક વેચવાલી આવી હતી અને બજાર ખૂલ્યા ભાવ પાસે જ બંધ રહ્યું હતું. પરંતુ, શુક્રવારે બજારમાં સાર્વત્રીક લેવાલી જોવા મળી અને નિફ્ટી સ્પોટ ૨૪,૫૦૦ ના તેના મુખ્ય અવરોધને પાર કરી, તેની ઉપર સાપ્તાહિક બંધ આપવામાં સફળ રહ્યો છે. ગત અંકમાં સાથે એમ પણ જણાવ્યું હતું કે નિફ્ટી કરતાં સુધરવામાં બેન્ક નિફ્ટી અને નિફ્ટી આઇ.ટી. અગ્રેસર રહે. વીતેલા સપ્તાહમાં આ બંને ઇન્ડેક્સ નિફ્ટી કરતાં વધુ સુધારો દર્શાવવામાં સફળ રહ્યા. જ્યારે એફ.એમ.સી.જી. શેર્સમાં વેલ્યુ બાયિંગની તક હોવાનું જણાવ્યું હતું. પરંતુ, નિફ્ટી એફ.એમ.સી.જી. લગભગ કોઇ સુધારો દર્શાવી શક્યો નથી.
નોંધનીય છે કે, શુક્રવારે રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની દ્વિમાસિક બેઠક હતી. આ બેઠકમાં રિઝર્વ બેંકે વ્યાજદરો યથાવત રાખ્યા, પરંતુ કેશ રિઝર્વ રેશિયોમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયો ઘટતાં, બેંકો પાસે ધિરાણપાત્ર ભંડોળમાં રૂ.૧.૧૬ લાખ કરોડનો ઇજાફો થવાનો અંદાજ છે. બેંકો પાસે વધુ ધિરાણપાત્ર ભંડોળ ઉપલબ્ધ થતાં અર્થતંત્રમાં ‘સોફ્ટ લેન્ડિંગ’ (સસ્તું કે સરળ ધિરાણ) વધવાની આશાએ બજારોએ આગેકૂચ શરૂ કરી છે.
જો કે, શુક્રવારે બંધ થતાં સુધીમાં પાછળથી થોડુંક વેચાણ પણ જોવા મળ્યું હતું. રિઝર્વ બેન્કે મોંઘવારી દર ઊંચો રહેવાની શક્તા જણાવી હતી. તેમજ ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફીસિટમાં પણ વધારો થવાની શક્યતાને પગલે બજારમાં થોડીક વેચવાલી આવી હોવાનો નિષ્ણાંતોનો મત છે. અત્રે એ નોંધનીય છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી શક્તિકાંતા દાસના જણાવ્યા મુજબ રબી સિઝન સારી રહેવાના અને તેને પગલે મોંઘવારી દર પાછો નીચો આવવાની આશા છે.
ગ્લોબલ માર્કેટ પર નજર કરીએ તો, વીતેલા અઠવાડિયે ડાઉ જોન્સ અડધા ટકા જેટલો ઘટ્યો, તો યુરોપીયન બજારો તેમજ હોંગકોંગમાં અડધા ટકાથી ઓછાનો સુધારો જોવા મળ્યો. તેની સામે જાપાનનો નિક્કેઇ અઢી ટકાથી વધુ અને ચીનનો એસ.એસ.ઇ. કોમ્પોઝીટ સવા બે ટકાથી વધુ સુધર્યા. યુ.એસ.માં બજારો સરવાળે સ્થિર રહેવા છતાં, ટેકનોલોજી શેર્સનો ઇન્ડેક્સ નેસ્ડેક ત્રણ ટકાથી વધુ સુધર્યો. નેસ્ડેકનો ઉછાળો બહુધા એમેઝોનના શેરમાં વીતેલા અઠવાડિયામાં જોવા મળેલ બાર ટકાથી વધુના ધરખમ ઉછાળાને આભારી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી એમેઝોનનો શેર બાવીસ ટકા જેટલો ઉછળ્યો છે. ટ્રમ્પની જીત પછી, એપલ, માઇક્રોસોફ્ટ, આઇ.બી.એમ. જેવાં શેર્સમાં દસ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ફેસબુક, ગુગલમાં સાધારણ સુધારો જોવા મળ્યો છે. ટૂંકમાં, યુ.એસ.માં પણ પરંપરાગત ક્ષેત્રો કરતાં ટેકનોલોજીના શેર્સમાં વધારે સુધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાત્રે યુ.એસ. જોબ ડેટા પણ સુધરીને આવ્યો છે. નિષ્ણાંતો જ્યાં નવી બે લાખ નોકરીઓની અપેક્ષા રાખતાં હતા, તેની સામે બે લાખ સત્તાવીસ હજાર જેટલી નવી જોબ નોંધાઇ છે. જે પાછલાં મહિનાઓની સરેરાશ એક લાખ સિત્તેર હજારથી ઘણી સારી છે. પરિણામે, યુ.એસ. બજારમાં પણ હવે સાર્વત્રીક તેજી જોવાઇ શકે તેવી આશા નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
બજારના નિષ્ણાંતોના મતે, નિફ્ટી સ્પોટે હાલ તેનો મુખ્ય અવરોધ એવી ૨૪૫૦૦ ની સપાટી પાર કરીને સાપ્તાહિક બંધ આપ્યો છે, તે સારી લેવાલી આવી હોવાનું દર્શાવે છે. જો કે, હજુ નિફ્ટીએ બે ટ્રેડિંગ સેશન્સ આ સપાટીની ઉપર બંધ રહેવું જરૂરી છે. આ અવરોધ પાર થયા બાદ, હવે નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ મોટી બની છે અને ઉપરમાં ૨૫૪૦૦ સુધીની રેન્જ ધ્યાને રાખવાની થાય છે. જ્યારે નીચે ૨૪૧૫૦ મહત્વનો ટેકો કહી શકાય. આ સપ્તાહે બજારમાં આવતાં કોઇપણ ઘટાડા દરમ્યાન ફીનટેક શેર્સ, રિયાલ્ટી શેર્સ, આઇ.ટી. કંપનીઓ વિગેરેમાં લેણની સારી તક બની રહી છે. આ ઉપરાંત લાંબાગાળાના રોકાણ માટે હાલ એફ.એમ.સી.જી.માં તક કહી શકાય. વિશ્વ વિખ્યાત રોકાણકાર વોરેન બફેટના શબ્દોમાં કહીએ તો સારી કંપનીના શેર્સ લેવાની ઉત્તમ તક ત્યારે જ હોય છે જ્યારે તેમાં પ્રતિકૂળ સામાચાર હોય! હાલ વિકાસશીલ દેશોમાં એફ.એમ.સી.જી. કંપનીઓનો સેલ્સ-ગ્રોથ ધીમો પડી રહ્યો છે. પરંતુ, નોંધનીય છે કે, વૃદ્ધિ ધીમી પડી રહી છે, વેચાણ ઘટી નથી રહ્યું. તે સમીકરણે લાંબાગાળાના રોકાણ માટે ક્વોલિટી શેર્સમાં ખરીદી કરી શકાય.
ટાટા ઈન્વેસ્ટમેન્ટ આવો જ ક્વોલિટી શેર કહી શકાય. આમ તો જો કે, તે 95 ના પ્રાઇસ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યો છે, પરંતુ તેની બૂક વેલ્યૂ જોતાં તે અન્ય નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓથી સારો એવો સસ્તો છે. આ કંપનીએ પોતાની શરૂઆતના પહેલાં વર્ષ સિવાય તમામ વર્ષે ડિવિડંડ આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીની આવકો રૂપિયા 143 કરોડ થી વધી 383 કરોડ થઈ છે. તેનો ચોખ્ખો નફો આ સ્મયગાળામાં રૂ. 95 કરોડ થી વધીને 320 કરોડ થયો છે. ટાટા એસેટ મેનેજમેંટ (મ્ફ્યુચ્યુયલ ફંડ)માં તે 32 ટકા હિસ્સો ધરાવે છે અને બાકીનો હિસ્સો આ જ કંપનીને પેરેંટ કંપની ટાટા એન્ડ સન્સ પાસે છે. બે વર્ષમાં આ કંપનીનો ભાવ રૂ. 2150 થી 6900 પહોંચ્યો છે. પરંતુ, બજારમાં જે લેવાલી ચાલી રહી છે અને આ ક્ષેત્રના અન્ય શેર્સના ભાવની સરખામણીએ આ શેર રોકાણ માટેનો એક સારો વિકલ્પ કહી શકાય.