ફ્રાંસમાં હાલની સરકાર પાસે જરૂરી સ્પષ્ટ બહુમતી નથી. તેવામાં બજેટ પર વિપક્ષોએ પેન્શનમાં વધારો કરવાની, વીજબિલ પર તેમજ પેટ્રોલ-ડીઝલ પર વેરો નહીં નાખવા દબાણ બનાવ્યું છે. બજેટ પસાર કરવા હવે સરકારે ‘ગિલોટીન’નો આશરો લેવો પડશે.

ગિલોટીન એટલે એવી પ્રક્રિયા જેમાં વોટિંગ ન થયેલ તમામ બિલ એક સાથે જ મંજૂર થયાનું માની લેવામાં આવે છે. બજેટ દરમ્યાન લગભગ તમામ દેશોમાં આ પ્રક્રિયા અનુસરવામાં આવતી હોય છે. બજેટની એક-એક આઈટમ પર વોટ લીધા કરતાં તમામ આઇટમોને એકસાથે મંજૂર થયેલ માની લેવામાં આવે છે.

વ્યવસાયે વકીલ એવા નેશનલ રેલી પાર્ટીના વડા સુશ્રી મેરીન લે પેન હાલ બર્નિયર સરકાર સામે સૌથી મોટો પડકાર ઊભો કરી રહ્યા છે. હાલ ફ્રાંસમાં દર પાંચ માંથી એક વ્યક્તિ સરકાર પાસેથી મહેનતાણું મેળવે છે. કુલ વર્કફોર્સના વીસ ટકા સરકારી વેતન પર છે. તેવામાં નેશનલ રેલી પાર્ટી બર્નિયર સરકાર પર પેન્શન તેમજ ભથ્થાંમાં વધારો કરવાનું, સ્વાસ્થય પાછળનો ખર્ચ વધારવાનું દબાણ ઊભું કરી રહી છે. બર્નિયર સરકાર પાસે નાણાં ઊભા કરવા પેટ્રોલ-ડીઝલ અને વીજળી પર વેરો લાદવા સિવાય વિકલ્પ નથી. તેવામાં મેરી લે પેન આમ કરવા બદલ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તવી પૂરી શક્યતા છે.
ફ્રાંસની સરકાર સંકટમાં મૂકાય તો તેની ગવર્નમેંટ સિક્યુરિટીઝનું રેટિંગ ઘટે. ગ્રીસ જેવી સ્થિતિ સર્જાય. આવી દહેશતના પગલે આજે યુરોપીયન બજારો નરમ રહેવાની શક્યતા છે.