મુંબઇ, PTI: નવેમ્બર માસમાં પ્રાયવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડોએ ૪૦૦ કરોડ યુ.એસ. ડોલરનું રોકાણ કર્યું, જે એક વર્ષ પહેલાં આ સમયગાળા દરમ્યાન થયેલ રોકાણ કરતાં ૧૫૬ ટકા વધુ છે. પરંતુ, આગલાં મહિનાની સરખામણીએ તે ૧૫ ટકા ઓછું છે.
બુધવારે જાહેર થયેલ અહેવાલ મુજબ નવેમ્બર મહિનામાં પ્રાયવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલમાં ૮૭ સોદાઓ થયા. વર્ષ ૨૦૨૩ માં નવેમ્બર માસમાં ૫૯ આવાં સોદા થયા હતા. આમ, આ વર્ષે ગયા વર્ષના નવેમ્બર માસની સરખામનીએ ૪૭ ટકા વધુ સોદા થયા છે. અર્નેસ્ટ એન્ડ યંગના એક અહેવાલમાં આ જાણકારી મળી છે.
વર્ષ ૨૦૨૪ ની શરૂઆત આશાસ્પદ હતી. પરંતુ, ત્યારબાદ વૈશ્વિક ઘર્ષણો, અમેરિકન રાષ્ટ્રપતિની ચુંટણી અને વૈશ્વિક સ્તરે વધી રહેલ મોંઘવારી દરને પગલે બજારો નરમ રહ્યા, સાથે જ વેચાણકાર અને ખરીદદારની અપેક્ષાઓમાં પણ મોટો તફાવત રહ્યો, જેને પગલે વ્યવહારોની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી રહી હોવાનું માનવામાં આવે છે.
ફક્ત પ્રાયવેટ ઇક્વિટી કે વેન્ચર કેપિટલમાં જ કામકાજ કરતાં હોય તેવાં ફંડ્સ દ્વારા નવેમ્બર માસમાં ૩૫૦ કરોડ ડોલરના વ્યવહારો થયા. ગત વર્ષે નવેમ્બરમાં આ વ્યવહારો ૮૭ કરોડ ડોલરના હતા. આમ, આવાં વ્યવહારોના મૂલ્યમાં પણ ૨૯૭ ટકાનો ધરખમ વધારો થયો. નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૪ માં આવાં ફંડ્સ દ્વારા થયેલ વ્યવહારોનું મૂલ્ય ૨૭૦ કરોડ હતું. આમ, માત્ર પ્રાયવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલમાં જ કામકાજ કરતાં ફંડ્સ દ્વારા થયેલ સોદા પાછલા મહિના કરતાં પણ વધુ રહેવા પામ્યા છે.
જ્યારે રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવેમ્બર ૨૦૨૪ માં ૫૬.૬૦ કરોડ ડોલરના સોદા થયા, જે આગલાં વર્ષના નવેમ્બરની સરખામણીએ વીસ ટકા ઓછા હતા.
નવેમ્બર માસમાં ૧૬૦ કરોડ ડોલરના સોદા એવાં રહ્યા કે જ્યાં સીધે-સીધો સમગ્ર કારોબાર જ ખરીદી લેવામાં આવ્યો. આવી ‘બાય-આઉટ ડીલ’ તમામ સેગમેન્ટકરતાં વધુ મૂલ્યની રહી. ત્યારબાદ બીજા ક્રમે સ્ટાર્ટ-અપ કંપનીઓ રહી, જ્યાં ૧૧૦ કરોડ ડોલરના સોદા થયા. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસમાં ૧૦૦ કરોડ ડોલર અને ફાયનાન્શયલ સર્વિસીસ એન્ડ ઇ-કોમર્સમાં ૭૨.૩ કરોડ ડોલરના સોદા થયા.
એ પણ નોંધનીય છે કે, નવેમ્બરમાં ૧૫ સોદાઓમાંથી રોકાણકારોએ એક્ઝિટ લીધી, જેનું મૂલ્ય ૩૭૦ કરોડ યુ.એસ. ડોલર હતું. નવેમ્બર ૨૦૨૩ માં આવી એક્ઝિટની સંખ્યા ૨૨ અને તેનું મૂલ્ય ૧૦૨ કરોડ ડોલર હતું.
તમામ આઠ ફંડો દ્વારા નવેમ્બર ૨૦૨૪ માં ૧૧૦ કરોડ ડોલરનું ફંડ એકઠું કરવામાં આવ્યું, જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં આ રકમ ૪૦.૧ કરોડ ડોલર હતી.