મુંબઈઃશેરબજારમાં છેલ્લા બે મહિનાથી મંદીનો દોર છે અને ઈન્વેસ્ટરોની સંપતીમાં કરોડો-અબજો રૂપિયાનું ધોવાણ થયુ છે ત્યારે તેની અસર હવે પ્રાયમરી માર્કેટમાં પણ પડવાનું શરૂ થઈ ગયુ છે. આઈપીઓમાં રોકાણ કરવામાં મોટા ઈન્વેસ્ટરોનો રસ ઓછો થઈ જવાને પગલે હવે મુખ્યત્વે સંસ્થાકીય ઈન્વેસ્ટરોનાં સહારે જ ભરણા છલકવાનો આધાર રહ્યો છે.
પ્રાયમરી માર્કેટમાં આવેલા છેલ્લા 10 માંથી 8 આઈપીઓમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ રોકાણ ઘટાડી નાખ્યાનું બહાર આવ્યું છે.સ્વીગી, હુન્ડાઈ ઈન્ડીયા, નીવા બુવા હેલી, ગોદાવરી બાયો રીફાઈનરીમાં એચએનઆઈ કેટેગરીમાં પર્યાપ્ત રોકાણ થયુ નથી.
જયારે અન્ય ચાર આઈપીઓમાં તો એચએનઆઈ કેટેગરીમાં સીંગલ ડીજીટમાં પણ રોકાણ થયુ ન હતું. અગાઉના આઈપીઓમાં એચએનઆઈ કેટેગરીમાં નિર્ધારીત ફાળવણી કરતા સરેરાશ 116 ગણુ રોકાણ થતુ હતું.
નિવા બુપા હેલ્થ ઈુસ્યોરન્સના આઈપીઓમાં એચએનઆઈ કેટેગરીમાં 71 ટકા રોકાણ થયુ હતું. આઈપીઓ કુલ 1.9 ગણો ભરાયો હતો. સ્વીગીનાં 11327 કરોડનાં આઈપીઓમાં એચએનઆઈ કેટેગરીમાં રોકાણ માત્ર 41 ટકા હતું. સમગ્ર આઈપીઓમાં 3.59 ગણો છલકાયો હતો. એકમે સોલાર હોલ્ડીંગમાં એચએનઆઈ કેટેગરીમાં 1.02 ટકા રોકાણ થયુ હતું.
પ્રાયમરી માર્કેટનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે સેકન્ડરી માર્કેટની મંદી, ગ્રે માર્કેટ પ્રિમીયમમાં ઘટાડો તથા ફંડ મેળવવાનું મોંઘુ થતાં એચએનઆઈ રોકાણમાં ઓટ આવવા લાગી છે.આઈપીઓનાં ભરણાનો આધાર ગ્રે માર્કેટનાં પ્રિમીયમ પર જ હોય છે તે હવે તુટવા લાગ્યા છે. એટલે કાંઈ વળતર ન મળવાના સંજોગોમાં રોકાણકારો મોઢુ ફેરવી લે તે સ્વાભાવીક છે.
શેરબજારમાં સેન્સેકસ 27 સપ્ટેમ્બરે સર્વોચ્ચ ઉંચાઈએ પહોંચ્યો હતો અને ત્યારપછી અત્યાર સુધીમાં 11 ટકા નીચો આવી ગયો છે.હુન્ડાઈ ઈન્ડીયાનો આઈપીઓ 27870 કરોડનો હતો એચએનઆઈ કેટેગરીમાં માત્ર 60 ટકા જ ભરાયો છે. સેગીલીટીમાં 1.93 ગણો ભરાયો હતો.
શેરબજારનાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે સ્થાનિક તથા વૈશ્વિક કારણોથી શેરબજારમાં મંદી સર્જાતા પ્રાયમરી માર્કેટ ઠંડુ પડી રહ્યું છે. સંસ્થાકીય સિવાયનાં ઈન્વેસ્ટરો મોઢુ ફેરવવા લાગ્યા છે. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રનાં પરિણામો પ્રમાણમાં નબળા રહ્યાની પણ અસર છે.
સપ્ટેમ્બર મહિનામાં 13 આઈપીઓમાં મોટા ઈન્વેસ્ટરોએ સરેરાશ 180 ગણુ રોકાણ કર્યુ હતું. ઓગસ્ટમાં 10 આઈપીઓમાં સરેરાશ રોકાણ 128 ગણુ હતું. મનબા ફાઈનાન્સમાં રેકોર્ડબ્રેક 512 ગણુ તથા કેઆરએમ ચીટમાં 400 ગણુ હતું. બજાજ હાઊસીંગમાં પણ 44 ગણુ રોકાણ કર્યું હતું.