Stock Today

શુક્રવારે એક મહત્વપૂર્ણ ન્યાયનિર્ણયમાં યુનાઈટેડ સ્ટેટ્સની ઉત્તર કેલિફોર્નિયા જિલ્લા અદાલતે ઈઝરાયેલ સ્થિત ટેકનોલોજી કંપની એન.એસ.ઓ. ગ્રૂપને વ્હોટસએપના 1400 જેટલા યુઝર્સની જાસૂસી કરવા માટે ‘જવાબદાર’ ઠેરવ્યા છે.

એન.એસ.ઓ. ગ્રૂપ ‘પેગાસૂસ’ નામનું જાસૂસી સોફ્ટવેર તેમનાં ગ્રાહકોને પૂરું પાડે છે. આ સોફ્ટવેર જેને ટાર્ગેટ કરવામાં આવેલ હોય તે યુઝરના મોબાઈલ કે કોંપ્યુટર જેવાં ડિવાઈસમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી, સતત તે યુઝરનો ડેટા ઇન્સ્ટોલ કરનારને પહોચાડતું રહે છે. ઓક્ટોબર 2019 માં ફેસબૂક, વ્હોટ્સએપ, ઇનસ્ટાગ્રામની માલિકકંપની મેટાએ કેલિફોર્નિયાની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો કે, એન.એસ.ઓ. ગ્રૂપ પોતાના પેગસૂસ સોફ્ટવેર મારફત વ્હોટ્સએપમાંના એક બગનો દુરુપયોગ કરી, વ્હોટ્સએપ ઈન્સ્ટોલેશન સર્વર મારફત વ્હોટ્સએપના ગ્રાહકોને મેસેજ મોકલી, તેમનાં ડિવાઈસિસમાં જાસૂસી સોફ્ટવેર ડાઉનલોડ કરવી દે છે. પછી આ સોફ્ટવેર તે યુઝરની તમામ વિગતો એન.એસ.ઓ. સર્વરને પહોંચાડે છે.

ફેસબૂક કંપની મેટાએ યુ.એસ.ના ફેડરલ (કેન્દ્રિય) કાયદા ધી કોમ્પ્યુટર ફ્રોડ એન્ડ એબ્યુઝ એક્ટ તેમજ કેલિફોર્નિયા રાજ્યના અધિનિયમ ધી કેલિફોર્નિયા કોમ્પ્યુટર ડેટા એક્સેસ એન્ડ ફ્રોડ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. આ બંને કાયદાઓ હેઠળ કોમ્પ્યુટર કે અન્ય સૂચના પ્રૌધ્યોગિકીના ઉપકરણોનો બીનઅધિકૃતરીતે ઉપયોગ કરવો ફોજદારી ગુન્હો બને છે.

મેટાએ આરોપ લગાવ્યો હતો કે, એપ્રિલ 2018 થી મે 2020 દરમ્યાન એન.એસ.ઓ. ગ્રુપે મેટાના સોર્સ-કોડનું રિવર્સ-એન્જીનિયરીંગ અને ડી-કંપાઈલિંગ કરી, ‘હેવન’, ‘ઇડન’ અને એરિસ’ નામના ‘ઇન્સ્ટોલેસન વેક્ટર’ કે જેને પોઈન્ટ ઓફ એન્ટ્રી (વ્હોટ્સએપ ઈન્સ્ટોલેશન સર્વર) કહે છે તે, તૈયાર કર્યા, જે તમામ ‘હમ્મિંગ બર્ડ’ નામના ખૂબ અધ્યતન ટેક્નોલોજીથી સજ્જ એક હેકિંગ માળખાનો ભાગ હતા, તેને મેટાના 1400 જેટલા ગ્રાહકોના ડિવાઇસમાં એન્ટર કર્યા છે.

આ હેકિંગ સોફ્ટવેર ગ્રાહકના ડિવાઇસમાં ગુપચુપ ઇન્સ્ટોલ થઈ જતું અને યુઝરથી તે સંતાયેલું રહેતું. એટ્લે કે યુઝર જાણી નહોતા શકતાં કે તેમના ડિવાઇસમાં જાસૂસી સોફ્ટવેર આવી ગયું છે. આ સોફ્ટવેર ગુપચુપ રીતે યુઝરની તમામ માહિતી વ્હોટ્સએપ મારફત વ્હોટ્સએપ ઈન્સ્ટોલેશન સર્વરને મોકલતું રહેતું. કેલિફોર્નિયાની નોર્થ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ ફિલ્લિસ હેમિલ્ટને તેમના ચુકાદામાં આ અવલોકનો કર્યા છે.

ન્યાયાલય એવા નિષ્કર્ષ પર પહોંચ્યું હતું કે, મેટાએ પોતાનો કેસ પૂરતા પ્રમાણમાં પૂરવાર કર્યો છે કે ઉપરોક્ત કાયદાઓનો ભંગ થયો છે. અદાલતે ઠેરવ્યા મુજબ તે એક કોમન સેન્સની વાત છે કે, એન.એસ.ઓ. ગ્રુપે રિવર્સ એન્જીનિયરીંગ કરવા સૌ પહેલા તેનાં સોફ્ટવેરનો એક્સેસ મેળવ્યો હોય. આ માટે તેઓ કોઈ યોગ્ય ખુલાસો કરી શકતાં નથી કે મેટા સાથેના કોઈપણ કરાર વિના તે આવું કેવી રીતે કરી શકે.

નોંધવું રહ્યું કે, આ મામલામાં વ્યક્તિગત યુઝર્સના પ્રાયવેસી રાઇટ્સ બાબત કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત એન.એસ.ઓ. ગ્રૂપ દ્વારા મેટાના ડેટાનો દુરુપયોગ થવાથી મેટાને થયેલ નુકશાની બાબતે નિર્ણય માર્ચ 2025 માં લેવામાં આવશે. હાલનો આ ચુકાદો પહેલો એવો ન્યાયનિર્ણય છે કે જેમાં એન.એસ.ઓ. ગ્રૂપને કોઈ અદાલતે તેનાં ‘સ્પાય સોફ્ટવેર’ માટે દોષી ઠરાવ્યું હોય.

શું છે પેગસૂસ?

ઈઝરાયેલની ખાનગી માલિકીની કંપની એન.એસ.ઓ. પેગાસૂસ સોફ્ટવેર સપ્લાય કરે છે. ઇઝરાઈલે પેગાસૂસને ‘વેપન’ એટલે કે હથિયારની કેટેગરીમાં રાખ્યું છે. (ઈઝરાયેલ તેનાં જાસૂસી સોફ્ટવેરથી શું કરી શકે છે, તે સમગ્ર વિશ્વએ તાજેતરમાં લેબનોનમાં થયેલ ‘પેજર બ્લાસ્ટ’ના કેસમાં જોયું છે. ઈરાન સમર્થિત હેઝબુલ્લા જૂથના યુઝર્સના પેજર ગણતરીની મિનિટોમાં બ્લાસ્ટ થયા હતા અને ઘણાં બધા યુઝર્સ ઘાયલ થયા હતા. હેઝબુલ્લા ગ્રુપે ઈઝરાયેલની જાસૂસીથી બચવા મોબાઈલનો ઉપયોગ બંધ કરી, પેજર્સ ખરીદ્યા હતા.) આ સોફ્ટવેર માત્ર ‘સરકારો’ ને જ વેચી શકાય છે. એટલે કે કોઈ ખાનગી વ્યક્તિ એન.એસ.ઓ. પાસે આ સોફ્ટવેર માંગે તો તેને તે મળી શકે નહિ. સરકારો પણ આ સોફ્ટવેરનો ઉપયોગ ‘આતંકવાદી પ્રવૃત્તિઓની રોક્થામ’ જેવા ગંભીર મામલે જ કરી શકે. સામાન્ય નાગરિકો પર તેનો પ્રયોગ થઈ શકે નહિ. એપ્રિલ 2019 થી મે 2020 દરમ્યાન આ સોફ્ટવેરનો ઉપયોગ પત્રકારો, એકટીવિસ્ટો, ઉદ્યોગકારો, વ્યવસાયિકો અને રાજકીય વ્યક્તિઓ સામે થયો હોવાનો આરોપ લગાવમાં આવ્યો હતો. જે ‘હથિયાર’ આંતકવાદીઓ સામે ઉપયોગ કરાતું હોય, તેનો ઉપયોગ યુ.એસ. કે તેના કોઈ રાજ્યની સરકાર કે આવી સરકારની કોઈ એંજન્સી ‘સામાન્ય નાગરિકો’ સામે કેવી રીતે કરી શકે, તે પ્રશ્નને લઈને યુ.એસ.માં રાજકીય વંટોળ ઊભો થવાની શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

નોંધવું રહ્યું કે આ દરમ્યાન યુ.એસ.માં ડોનાલ્ડ ટ્રંપની સરકાર હતી. ત્યારબાદ, નવેમ્બર 2020માં યોજાયેલ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને જો બાયડન રાષ્ટ્રપતિ બન્યા હતા. નોંધવું રહ્યું કે જાન્યુઆરી 1 થી ડોનાલ્ડ ટ્રંપ ફરી રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે.

ભોગ બનેલ વ્હોટ્સએપના 1400 માંથી 300 જેટલા ગ્રાહકો ભારતીયો

ભોગ બનેલ 300 ભારતીય યુઝર્સમાં ભારત સરકારના બે મંત્રીઓ, ત્રણ વિપક્ષી નેતાઓ અને એક બંધારણીય હોદ્દો ધરાવતાં અધિકારી, ઉપરાંત કેટલાક પત્રકારો અને ઉદ્યોગકારો નો સમાવેશ થાય છે.

નોંધવું રહ્યું કે એન.એસ.ઓ. સતત કહેતું રહ્યું છે કે, તે પોતાના સોફ્ટવેર માત્ર સરકારો કે તેમની એજન્સીઓને જ વેચે છે અને એકવાર સોફ્ટવેર વેચ્યા પછી તેની પોતાની ભૂમિકા ‘લઘુત્તમ’ રહેતી હોય છે. પરંતુ, મેટાએ અમેરિકાની અદાલતમાં રજૂ કરેલ દસ્તાવેજો, આ મામલામાં ઇશ્યૂ થયેલ સબપીના અને તેમાં મળેલ જવાબોથી પૂરવાર થયું છે કે, પેગાસૂસ સોફ્ટવેર ખરીદનાર ગ્રાહકની ભૂમિકા ‘સીમિત’ હતી, જ્યારે એન.એસ.ઓ. મુખ્ય ભૂમિકામાં હતું.

નોંધવું રહ્યું કે 2021 માં ભારતના કેટલાક રાજકીય નેતાઓ, પત્રકારોને તેમનાં એપલ ડિવાઇસ પર મેસેજ આવ્યો હતો કે તેમનાં ડિવાઇસ પર સરકારી એજન્સી પ્રયોજિત સર્વેલન્સ રાખવામા આવી રહ્યું છે. આ મુદ્દાને કેટલાક સાંસદોએ ઉઠાવ્યા બાદ, એપલે મેસેજમાં સુધારો કર્યો હતો કે, તેમનાં ડિવાઇસ પર સર્વેલન્સ રાખવામા આવી રહ્યું છે. આમ, સુધારેલા મેસેજમાં ‘સરકારી એજન્સી (સ્ટેટ એક્ટર)’ શબ્દો કમી કરવામાં આવ્યા હતા.

પેગાસૂસ જાસૂસી મામલે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં પણ રાજકીય ઘમસાણ થયું હતું. 2021 માં મમતા બેનર્જી સરકારે પેગાસૂસથી જાસૂસીના મામલે તપાસ કરવા એક ઇંક્વાયરી કમિશન બનાવ્યું હતું. જો કે, સર્વોચ્ચ ન્યાયાલયમાં આ મામલે કાર્યવાહી શરૂ થતાં તપાસ પંચની કામગીરી રોકવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશમાં પેગાસૂસ મામલો વાય.એસ.આર.સી.પી. અને ટી.ડી.પી. વચ્ચે ઘમાસાણનું કારણ બન્યો હતો. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એવા નિવેદન પછી કે તેમની સરકારને પણ એન.એસ.ઓ.એ જાસૂસી સોફ્ટવેર વેચવાનો પ્રસ્તાવ કર્યો હતો, 2022 માં આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભાએ અગાઉની ટી.ડી.પી. સરકારે પેગાસૂસનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ કરવા પંચની રચના કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. 2024 માં રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ટી.ડી.પી. ની જીત થતાં ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી તપાસ કરવા જણાવ્યુ હતું કે તેમની સામે જગન મોહન રેડ્ડી સરકાર દ્વારા પેગાસૂસનો ઉપયોગ થયો છે કે કેમ.

ચંદ્રાબાબુ નાયડુના પુત્ર લોકેશે જણાવ્યુ હતું કે તેમને બે વાર ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને તેમને બે વાર પોતાના ડિવાઇસ પર આવા મેસેજ મળ્યા હતા.

ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા થઈ હતી તપાસ

વિપક્ષી નેતાઓ અને પત્રકારોના આરોપો બાદ સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ આ મામલે કેટલીક યાચિકાઓ દાખલ થઈ હતી. આ મામલે તપાસ કરવા સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયમૂર્તિ આર.વી. રવિન્દ્રનની અધ્યક્ષતામાં એક ટેકનિકલ કમિટીની રચના કરી હતી. આ કમિટીના અહેવાલ બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એન.વી. રમણા, ન્યાયમૂર્તિ સૂર્ય કાન્ત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે ઠેરવ્યું હતું કે, કેટલાંક ડિવાઇસિસમાં માલવેર જણાયા હોવા છ્તાં તે સ્પષ્ટ નથી કે તે પેગાસૂસ છે.