પુણેમાં કંપનીના કર્મચારીઓને ડ્રાઈવીંગ સિવાયનું કામ કરાવતા હતા અને પગાર પણ મળતો નહોતો એટલે ગુસ્સે ભરાયેલા જનાર્દન હમ્બાર્ડિકરે પોતે જ આગ લગાડીને બધાને મારી નાખવાની કોશિશ કરી હતી : આ ઘટનામાં ૧૦ જણ બચી ગયા, પણ ચાર જણ બહાર જ ન નીકળી શક્યા
પુણે નજીકના પિંપરી-ચિંચવડના હિંજવડીમાં બુધવારે સવારે વ્યોમા ગ્રાફિક્સ નામની કંપનીની માલિકીના ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગવાથી ઘરેથી ઑફિસ જવા નીકળેલા ચાર કર્મચારીઓએ સખત દાઝી જવાથી જીવ ગુમાવ્યા હોવાની હૃદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટનામાં અત્યંત ચોંકાવનારી માહિતી હવે સામે આવી છે. ટેમ્પો ટ્રાવેલરમાં આગ નહોતી લાગી, પણ ડ્રાઇવરે આગ લગાવીને મુસાફરી કરી રહેલા કંપનીના ૧૪ કર્મચારીઓને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હોવાનું જણાતાં પોલીસે ડ્રાઇવર જનાર્દન હમ્બાર્ડિકરની ગઈ કાલે ધરપકડ કરી હતી. ડ્રાઇવરે તમામ ૧૪ કર્મચારીઓને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ આગ લાગ્યા બાદ ૧૦ કર્મચારીઓ ટેમ્પો ટ્રાવેલરમાંથી બહાર નીકળવામાં સફળ થતાં તેમના જીવ બચી ગયા હતા.
પિંપરી-ચિંચવડ પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ગાયકવાડે ગઈ કાલે પત્રકારોને જણાવ્યું હતું કે ‘વ્યોમા ગ્રાફિક્સ કંપનીની માલિકીના ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર જનાર્દન હમ્બાર્ડિકરની અમે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. તેણે ગુનો કબૂલતાં કહ્યું છે કે કંપનીના કર્મચારીઓ મારી પાસેથી ડ્રાઇવિંગ ઉપરાંત મજૂરીકામ પણ કરાવતા હતા અને પગાર પણ નહોતા આપતા એટલું જ નહીં, પગારની માગણી કરે ત્યારે મને હડધૂત કરવામાં આવતો હતો. આથી ડ્રાઇવરે કંપનીમાંથી કેમિકલ ભરેલું કૅન અને આગ લગાવવા માટે કપડાનો ટુકડો ટેમ્પો ટ્રાવેલરની ડ્રાઇવરની સીટની નીચે મૂકી દીધો હતો. બુધવારે સવારે ૭.૩૦ વાગ્યે ડ્રાઇવર કંપનીના કર્મચારીઓને તેમના ઘરેથી પિક-અપ કરીને ઑફિસ જવા નીકળ્યો હતો. કંપનીથી થોડે દૂર તેઓ પહોંચ્યા ત્યારે માચીસથી ડ્રાઇવરે સીટની નીચે રાખેલા કેમિકલના કૅનને આગ લગાડી દીધી હતી. એ પછી આગથી કેમિકલ ભરેલું કૅન ફાટ્યું હતું. ડ્રાઇવરે ટેમ્પો ટ્રાવેલર ધીમો કર્યો હતો અને ચાલતા ટેમ્પોમાંથી ઊતરી ગયો હતો.