નવી દીલ્હી (PTI): લોન-બૂક-વિસ્તૃતિકરણ કવાયતના ભાગરૂપે પંજાબ એન્ડ સિંધ બેન્ક પ્રથમવાર ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ થી રૂપિયા ત્રણ હજાર કરોડ ઊભા કરવા જઇ રહી છે. પંજાબ એન્ડ સિંધ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સ્વરૂપ કુમાર સાહાએ જણાવ્યુ છે કે, “અમને ટુકડે-ટુકડે રૂપિયા પાંચ હજાર કરોડ ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડથી ઊભા કરવાની મંજૂરી મળી ગઈ છે. તેમાથી પ્રથમ ટુકડામાં બેન્કે રૂપિયા ત્રણ હજાર કરોડ ઊભા કરવાનું પ્રસ્તાવિત કર્યું છે.”
શ્રી સાહાએ જણાવ્યુ હતું કે, આ મહિનાના ત્રીજા અઠવાડીયા આસપાસના સમયગાળામાં આ ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ છે. તેમાં બેઝ-ઇશ્યૂ-સાઇઝ રૂપિયા પાંચસો કરોડની અને ગ્રીન-શુ-ઓપ્શન રૂપિયા પચ્ચીસ સો કરોડ રહેશે. રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ આ બોન્ડની મુદ્દત 10 વર્ષ રહેશે અને સ્થાનિક રેટિંગ એજન્સીઓએ તેને ‘AA’ દરજ્જો આપ્યો છે. આ સિક્યુરિટીઝ-બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ રહેશે.
બેન્ક આ ભંડોળનો ઉપયોગ ત્યારપછીના ત્રિમાસિકમાં કરશે. ચાલુ નાણાંવર્ષમાં બેન્ક 13-14 ટકાના ધિરાણ-વૃદ્ધિનો લક્ષ્યાંક રાખી રહી છે. હાલ, ઘણી બેન્કોએ આ વિકલ્પ મારફત ભંડોળ ઊભું કર્યું છે, અને રોકાણકારોએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો છે.
બેન્કો પોતાની મૂડીના વિસ્તૃતિકરણ માટે મોટેભાગે AT1 અને ટિયર-2 બોન્ડનો આશરો લેતી હોય છે. તેની સરખામણીએ તેમને ઇન્ફ્રા. બોન્ડનો વિલ્કપ વધુ સારો જણાઈ રહ્યો છે.
સપ્ટેમ્બર 2024 માં પૂરા થયેલ ત્રિમાસિકમાં પંજાબ એન્ડ સિંધ બેન્કે રૂપિયા 240 કરોડનો નેટ પ્રોફિટ રિપોર્ટ કર્યો છે, જે 26 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે જ તેના માંડવાળ ધિરાણમાં પણ ઘટાડો થયો છે. નોંધનીય છે કે, આગલા વર્ષે આ ત્રિમાસિકમાં બેન્કે રૂપિયા 189 કરોડનો ચોખ્ખો નફો કમાયો હતો.
આગલા વર્ષની આ ત્રિમાસિકની રૂ. 2674 કરોડની કુલ આવકો સામે બેન્કની કુલ આવકો વધીને રૂ. 3098 કરોડ થઈ હતી અને અગાઉની રૂ2406 કરોડની કુલ વ્યાજ આવકો સામે બેન્કની વ્યાજઆવકો વધીને રૂ.2739 કરોડ થઈ હતી. બેન્કની કુલ NPA અગાઉ જે 6.23 ટકા હતી તે ઘટીને 4.21 ટકા થઈ હતી. નેટ NPA 1.88 ટકા થી ઘટીને 1.46 ટકા થઈ હતી.