
અમદાવાદ : સોમવારે નિફ્ટી ઇન્ડેક્સમાં 22353.15 નો ઓપન-લો રચાયો હતો. સોમવારે આખા ટ્રેડિંગ સેશન દરમ્યાન નિફ્ટી 22440 ની ઉપર રહી હતી. ત્યારે જ ઘણાં પારખું ટ્રેડર્સને જાણે કે અંદાજ આવી ગયો હતો કે બજાર આ સપ્તાહે કઇંક અલગ ચાલ બતાવવાના મૂડમાં છે. નિફ્ટી ફ્યુચરમાં પોણા બે કરોડથી વધુનું ઓપન ઇન્ટરેસ્ટ હતું. આગલા અઠવાડિયે નિફ્ટી ત્રણસો પોઈન્ટની સાંકડી રેન્જમાં રહી હતી. ઉપરાંત અગાઉ બે વખતે બુલ-રેલી જોવાઈ હતી, પરંતુ નિફ્ટી તેના મુખ્ય સપ્લાયના અવરોધને પાર કરવામાં સફળ રહી નહોતી. તેથી પ્રેશર હાવી થાય તેવો માહોલ હતો. પરંતુ, સોમવારે ઓપન-લો રચતાં બજાર કઇંક અલગ મૂડમાં હોવાનો ચિતાર દેખાતો હતો. ત્યારબાદ, સળંગ ચાર ટ્રેડિંગ સેશન નિફ્ટી સુધારા સાથે બંધ રહી.
વધવામાં અગ્રેસર કેપિટલ માર્કેટને લાગતાં શેર્સ રહ્યા અને નિફ્ટી કેપિટલ માર્કેટ લગભગ ચૌદ ટકા સુધર્યો. નિફ્ટી મિડ-સ્મોલ ફાઈનેનશ્યલ સર્વિસિસ અને ડિફેન્સ સાડા દસ ટકા સુધર્યા, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 50, સ્મોલકેપ 100, મિડ-સ્મોલ કેપ 150 મોમેન્ટમ 50 વિગેરે સાડા આઠ ટકા સુધર્યા. માઇક્રોકેપ 250 આઠ ટકા સુધર્યો. નિફ્ટી રિયલ્ટી 8 ટકા, મીડિયા 7.6 ટકા, CPSE (કેન્દ્ર સરકારના જાહેર સાહસો) 6.5% સુધર્યા. નિફ્ટી નેક્સ્ટ 50, એનર્જી, જાહેરક્ષેત્રની બેન્કો, નિફ્ટી પ્રાઈવેટ બેન્ક, બેન્કનિફ્ટી વિગેરે તમામ પાંચ ટકાથી વધુના સુધરે બંધ રહ્યા. આમ, વિતેલા અઠવાડિયે તેજીની આગેવાની બેન્કોએ લીધી અને તેને પરિણામે જાન્યુઆરી 2021 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો જોવા મળ્યો. બજારમાં વોલેટિલિટી (એટલે કે ભય)નું બેરોમિટર એવો નિફ્ટી VIX સવા પાંચ ટકા ઘટી 12.58 બંધ રહ્યો.
હાલના ઉછાળામાં તમામ સેક્ટર્સના શેરમાં ઉછાળા જોવા મળ્યા. છેલ્લા પાંચ માહિનામાં જોવા મળ્યું છે તેમ, દરેક ઉછાળે વધવામાં અને મોટાભાગના ઘટાડે ઘટવામાં ડિફેન્સ શેર્સ અગ્રેસર રહ્યા છે. વિતેલા અઠવાડિયે જ્યારે બજારમાં છેલ્લા ચાર વર્ષોનો સહુથી મોટો ઉછાળો જોવા મળ્યો ત્યારે ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સનો શેર ત્રીસ ટકા જેટલો ઉછળ્યો. મઝગાઓ ડોક એકવીસ ટકા સુધર્યો. ઝેન ટેકના શેરમાં સત્તર ટકાનો સુધારો જોવા મળ્યો. એસ્ટ્રા માઇક્રો સોળ ટકા વધ્યો. સાથે જ હિંદુસ્તાન એરોનોટિક્સ ચૌદ ટકા અને કોચીન શિપયાર્ડ તેર ટકા સુધર્યો. ડાયનામેટિક ટેકનૉલોજિ નવ ટકા સુધર્યો. ભારત ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્સ વિગેરે પાંચ-પાંચ ટકા સુધર્યા. નોંધવું રહ્યું કે આમાંના મોટાભાગના શેર્સમાં ટોચના ભાવોથી વીસ-ત્રીસ ટકાના કરેક્શન જોવા મળ્યા હતા.
બજારની આગામી ચાલ:
કરેક્શનનું કન્ફર્મેશન
ગત સપ્ટેમ્બરમાં નિફ્ટી આંક 26277 ના ઉચ્ચત્તમ સ્તરેથી ઘટવાનો શરૂ થયો હતો. બજારના કેટલાંક વિશેષજ્ઞો છેક જૂન 2024 થી બજાર વધારે પડતું ‘ગરમ’ થઈ ગયું હોવાની ચેતવણીઓ ઉચ્ચારી રહ્યા હતા. મિડકેપ શેર્સમાં પાછલા પાંચ વર્ષનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર (CAGR) ચાલીસ ટકાની પાર પહોંચ્યું હતું, જે બજારમાં વધુ પડતાં આશાવાદને પ્રતિબિંબિત કરતું હતું. ઓક્ટોબરમાં શરૂ થયેલ ઘટાડો નવેમ્બરમાં પણ આગળ ચાલ્યો હતો અને માત્ર બે મહિનામાં નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ હજાર પોઈન્ટ ઘટ્યો હતો. આ ઘટાડા બાદ જ્યારે પાછો સુધારો જોવા મળ્યો અને એ સુધારો જ્યારે લાંબુ ટક્યો નહીં અને બજાર ફરી ઘટ્યું, ત્યારે બજારે ‘ટોપ બન્યું હોવાનું કન્ફર્મેશન આપ્યું’ હોવાનું કહી શકાય. જ્યારે ઓછામાં ઓછું એક ‘લોઅર ટોપ’ બને પછી જ કહી શકાય કે અગાઉ જે બન્યું હતું તે ‘ટોપ’ (ટોચ) હતું.
ફોલિંગ ચેનલમાં જોવા મળેલ તેજીની ત્રણ ચાલ:
ટોચથી ત્રણ હજાર પોઈન્ટના ઘટાડા બાદ, નવેમ્બર મધ્યે થી શરૂ થયેલ ટૂંકાગાળાની તેજી 13 ડિસેમ્બર સુધી ચાલી અને લગભગ પખવાડિયું ચાલેલી આ રેલીમાં બજાર લગભગ સોલસો પોઈન્ટ વધ્યું હતું. ત્યારબાદ દોઢ મહિના ઘટાડો ચાલ્યો હતો અને નિફ્ટી આંક લગભગ હજાર પોઈન્ટ ઘટ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી વાયદાની શરૂઆતની નવ ટ્રેડિંગ સેશનની રેલી જોવાઈ, જેમાં ઇન્ડેક્સ નવસો પોઈન્ટ વધ્યો. ત્યારબાદ બરોબર એક મહિનો બજાર ઘટતું રહ્યું અને નિફ્ટી આંક ફરી નવસો પોઈન્ટ જેટલો ઘટ્યો. તા. 4 માર્ચના 21964 ના નિમ્નત્તમ ભાવે થી શરૂ થયેલ હાલની તેજીમાં ગયા શુક્રવારે 23405 નો ઉચ્ચત્તમ ભાવ જોવાયો છે. અહી સૌથી નોંધપાત્ર બાબત એ છે કે નિફ્ટી50 ની 200 દિવસની એક્સપોનેન્શ્યલ મૂવિંગ એવરેજ 23406 છે.

આગામી ચાલની બે શક્યતાઓ:
અહી આપેલ ગ્રાફમાં જોઈ શકાય છે તેમ, નિફ્ટી એક ફોલિંગ ચેનલમાં ચાલી રહી હતી. ગુરુવારે અને શુક્રવારે તેણે આ ચેનલમાંથી બ્રેક-આઉટ બતાવ્યુ છે. આ ફોલિંગ ચેનલની બહાર નીકળતાં, નિફ્ટીએ ઓછામાં ઓછું એટલું પ્રમાણ બતાવ્યુ છે કે વેચવાલી ઘટી છે અને બજારમાં લેવાલી આવી શકે તેવું વેલ્યૂએસન આવ્યું છે. આમ, અહી જે બે શક્યતાઓ ઉદભવી રહી છે તે જોઈએ.
(1) નિફ્ટી આ સુધારો જાળવી રાખે અને 23406 વાળી પેલી 200 EMA ની પાર નીકળી, 24000 તરફ આગેકૂચ કરે. આ શક્યતાને પીઠબળ આપતાં પરિબળો જોઈએ તો છેલ્લા મોંઘવારીના આંકડા અર્થતંત્રમાં સુધારો આવી રહ્યો હોવાનું દર્શાવી રહ્યા છે. સાથે જ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ સુધારો જોવા મળ્યો હતો. અર્થતંત્રના સુધારાને પ્રતિબિંબિત કરતું હોય તેમ, બજાર પણ સુધર્યું છે. બુલિશ વ્યૂ ધરાવતાં વિશેષજ્ઞોના મતે, નિફ્ટી 50 હાલ 23250 ની ઉપર બંધ રહી છે અને આ સ્તર ટકાવી રહી છે. હવે, આગામી સમયમાં 23500 ની ઉપર બંધ રહેતાં 24000 તરફ આગેકૂચ જોવા મળે. રિઝર્વ બેન્ક દ્વારા બજારમાં લિક્વિડિટી સુધારવા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આવાં જ એક પગલાં તરીકે રિઝર્વ બેન્ક ઓપન માર્કેટ ઓપરેશન મારફત બજારમાં નવી રૂપિયા પચાસ હજાર કરોડની લિક્વિડિટી ઉમેરવાં જઈ રહી છે. પરંતુ, બજાર હમેશાં ભવિષ્યની બાબતો પર નજર રાખી, આગામી સકારત્મ્ક કે નકારાત્મક પરિબળોને પહેલાં જ ગણતરીમાં લઈ લેતું હોય છે. તે ન્યાયે એમ કહી શકાય કે હાલની જે રેલી જોવા મળી છે, તે મોંઘવારી દર તેમજ વ્યાજદરોના ઘટાડાને આભારી છે. હવે, આગામી તેજી માટે બજારને નવાં ટ્રિગર્સ જોઈશે. જીઓપોલિટિકલ પરિબળો કે ટેરિફ સંબંધિત આંચકાઓ બાબતે કોઈક સકારત્મક સમાચાર જરૂરી છે.
(2) બીજી શક્યતા એ છે કે નિફ્ટી બે-ત્રણ સેશન્સમાં ફરી નીચે તરફની ચાલ બતાવવા માંડે. આ શક્યતા માટે વેચવાલી અને તેમાં પણ FII દ્વારા થતી વેચવાલી પર નજર રાખવાની રહે. માર્ચ મહિનામાં F&O માં મોટી પોઝિશનો હતી. નિફ્ટી માર્ચ વાયદામાં ઓપન ઇન્ટરેસ્ટ પોણા બે કરોડ થી વધુ હતું. તે હાલની રેલીમાં ઘટતું જોવાયું છે. એનો અર્થ એ થયો કે હાલની રેલી દરમ્યાન નિફ્ટી ફ્યુચરમાં શોર્ટ કવર થયા છે, વેચાણો કપાયા છે. પરંતુ, જોઈએ એવાં વેચાણો કપાયા નથી. માર્ચ વાયદામાં અગર છ હજાર કોન્ટ્રાક્ટ કપાયા છે, તો એપ્રિલ વાયદામાં પાંચ હજાર કોન્ટ્રાક્ટ ઉમેરાયા છે. જે દર્શાવે છે કે વેચાણો રોલ-ઓવર થઈ રહ્યા છે. આ અઠવાડિયે માર્ચ સીરિઝની એક્સપાયરી છે. તેવામાં બુધવાર, ગુરુવાર અને શુક્રવારે નિફ્ટી એપ્રિલ વાયદામાં ઊભું થનાર ઓપન ઇન્ટરેસ્ટ પર નજર રાખવાની રહે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, મેક્સિકો અને અન્ય દેશો પર ટેરિફ લગાવવા માટે 2 એપ્રિલની ડેડ-લાઇન આપેલી છે. આ ડેડ-લાઇન પહેલાં કોઈક સમાચાર આવે છે કે કેમ તે જોવાનું રહે.
અવલોકનો આધારિત અનુમાન:
જ્યારે બજારને વધવું હોય છે, બે-ત્રણ કે પાંચ-દસ મહિના તેજી કરવી હોય છે, ત્યારે બજારના સુધારા હેડલાઈનો નથી બનાવતા. મુખ્ય ઇન્ડેક્સ ધીમી ગતિએ, ટકા – બે ટકાની તેજી કરતો રહે છે. અલગ-અલગ અઠવાડિયે એક-એક સેક્ટરમાં તેજી જોવાતી રહે છે. પરંતુ, જ્યારે રિટેલ રોકાણકારોમાં ‘રહી ગયા’ની ભાવના જગાડીને તેમને રોકાણ કરવા લલચાવવા હોય ત્યારે બજાર મોટાં ઉછાળા બતાવવા માંડે. અથવા તો જ્યારે બજાર સારું એવું ઘટી ગયું હોય અને રિટેલ રોકાણકારો પાસેથી માલ પડાવવો હોય ત્યારે બજાર મોટો ઘટાડો બતાવે. ‘ટોપ’ અને ‘બોટમ’ બંનેની એ લાક્ષણિકતા છે કે જ્યારે છેડો આવે ત્યારે દૈનિક, સાપ્તાહિક અને માસિક ચાલો મોટી બને. આથી જ્યારે ઇન્ડેક્સ પાછલા બે-ત્રણ વર્ષની સૌથી મોટી ચાલ બતાવે, ત્યારે માની લેવું કે કાઇક ‘પરિવર્તન’ થવા જઇ રહ્યું છે.
બજાર અને અથતંત્રની અરસપરસની નિર્ભરતા:
શેરબજાર અર્થતંત્રનું બેરોમીટર નથી:
શેરબજાર (મૂડી બજાર) અર્થતંત્રનું બેરોમિટર હોવાનું માનવામાં આવે છે. પરંતુ, આ ખ્યાલ અધૂરો છે. એવું બની શકે કે અર્થતંત્ર સતત વધતું રહે અને શેરબજાર ન પણ વધે. ઉદાહરણ તરીકે ચીન. ચીનનું અર્થતંત્ર છેલ્લાં અઢી દશકમાં પાંચ ગણું થયું. પણ તેનું શેરબજાર જોઈએ, શાંઘાઇ કોંપોઝિટ ઇન્ડેક્સ જોઈએ તો એ માંડ દોઢ ગણો થયો છે. ચીનની માર્કેટ કેપિટલાઇઝેશન જરૂર વધી, બેફામ વધી, પણ ઇન્ડેક્સનું પર્ફોર્મન્સ લગભગ રેન્જ-બાઉન્ડ રહ્યું. કેમકે, ચીનમાં સતત નવી કંપનીઓ ઊભી થતી રહી. આ કંપનીઓ મેન્યૂફેક્ચરિંગ, ટેકનૉલોજિ ક્ષેત્રે સતત નવાં આયામો હાંસલ કરતી રહી, સાથે જ પોતાના રોકાણકારોને નિયમિત ડિવિડંડ રૂપે વળતર આપતી રહી. તેનાં પરિણામે શેર્સના ભાવ બેફામ વધ્યા નથી અને ઇન્ડેક્સ એક રેન્જમાં જ જોવાતો રહ્યો છે અને છતાંય રોકાણકારોને સારું વળતર મળતું રહ્યું છે. ચીનના બજારમાં ઘણી બધી સમસ્યાઓ પણ છે. જ્યારે બજાર એકાએક ઘટવા માંડે ત્યારે જે શેર્સ સૌથી વધુ ઘટતાં હોય તેનું ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંના બજારમાં ભારતીય બજારની જેમ તમામ પ્લેયર્સની ભૂમિકા સુનિશ્ચિત કરવામાં આવી નથી. ભારતીય બજાર તેની સરખામણીએ ઘણું પરિપક્વ બન્યું છે. અહી માર્કેટ મેકર્સ સહિત બ્રોકર્સ, સબ-બ્રોકર્સ, મર્ચન્ટ બેન્કર્સ વિગેરેની ભૂમિકા ખૂબ સુસ્પષ્ટ કરવામાં આવી છે, તેનાં નિયમો, નિયમનો ઘડવામાં આવ્યા છે.
ચીનની સામે યુ.એસ.નું બજાર જોઈએ તો તે વિશ્વમાં સૌથી વધુ પરિપક્વ બજાર છે. જ્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્ય પતનના આરે હતું, મરાઠા યુગની શરૂઆત થઈ હતી, ત્યારે શિકાગો મરકેન્ટાઇલ બોર્ડની સ્થાપના થઈ હતી અને યુ.એસ.ના મોટા અનાજ ઉત્પાદકો પોતાના ઉત્પાદનો વાયદામાં ‘હેજ’ કરતાં હતા. ત્રણસો-ચારસો વર્ષની મજલ કાપી ત્યાંના બજારો ખૂબ પરિપક્વ બની ગયા છે. બે વિશ્વયુદ્ધો, અનેક મધ્યસ્થ બેન્કોના ઉઠમણાં, કાઇંક દેશોનું પતન – આ બધુ ત્યાંના બજારે જોયું છે, સહન કર્યું છે. ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ 30 ની તર્જ પરથી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેકસ બન્યો જે એશિયાનો સૌથી પહેલો ઇન્ડેક્સ હતો. યુ.એસ. માર્કેટમાં તમામ પ્લેયર્સની ભૂમિકા ચુસ્ત નિયમોથી નિયમિત થયેલ છે. તેમાં ચૂક થતાં આકરાં દંડ અને સજાની જોગવાઇઓ છે. તેથી યુ.એસ.નું મૂડીબજાર તેનાં અર્થતંત્રનું સાચું બેરોમીટર છે.
સરકારની પ્રાથમિકતા અર્થતંત્રને ધબકતું રાખવાની, મૂડી બજાર તેનાં પછીના ક્રમે:

ચીનનું મૂડીબજાર તેનો બોલતો પૂરાવો છે કે, અર્થતંત્રનું કદ વધતું રહે અને છતાં ઇન્ડેક્સ એક નિશ્ચિત મર્યાદામાં રહી શકે. સરકારો જે પગલાં લેતી હોય તે અર્થતંત્ર લક્ષી હોય, જરૂરી નથી કે તે બજાર લક્ષી હોય. હા, એ વાત સાચી કે અર્થતંત્રમાં સુધારો આવે એવાં પગલાં લે ત્યારે બજારો સુધરે છે. પરંતુ જરૂરી નથી કે અર્થતંત્રમાં સુધારાલક્ષી દરેક પગલું બજારના સુધારામાં પરિણમે. સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ મારફત અર્થતંત્રને વધુને વધુ ગતિશીલ કરતી રહે, આર્થિક મોરચે વિકાસનું સાતત્ય જલવાયેલું રહે અને છતાં શેરબજારના ઇન્ડેક્સ સુસ્ત પડ્યાં રહે તેવું પણ બની શકે. આવાં સમયે નવી કંપનીઓ ઊભી થાય, વેલ્થ-સર્જન ચાલુ રહે, પણ ઇન્ડેક્સમાં વૃદ્ધિ જોવા ન મળે. આવાં સુધારાને હોરિઝોન્ટલ ગ્રોથ કે ક્ષૈતીજ વૃદ્ધિ કહી શકાય. જ્યારે સરકારના પગલાં અર્થતંત્રલક્ષી હોય, અને નહિ કે શેરબજારલક્ષી, તેવામાં શેરબજારમાં ઘટાડો થાય ત્યારે સરકાર પાસેથી કશુંક મેળવવાની અપેક્ષા રાખવી એ સમગ્ર ખ્યાલ જ ભૂલ ભરેલો છે.
બજારની મોસમી ચાલ:
રોકાણના અન્ય તમામ વિકલ્પોની સરખામણીએ મૂડીબજારની ચાલ વધારે પડતી એક ચક્રિય ગતિમાં ચાલતી રહે છે. તેજી પછી મંદી, મંદી પછી તેજી એમ મોસમ બદલાતી રહે. ગત અંકમાં સ્ટોક ટુડેના કટાર લેખક શ્રી વિરાજ શાહે પાછલાં પચીસ વર્ષોની તેજી-મંદીની ચક્રીય ચાલનો ચિતાર આપ્યો હતો. તે વિગતો અહી ફરી દર્શાવી છે.

અહી કોષ્ટકમાં દર્શાવેલ સમયગાળાનું અલગ-અલગ અર્થઘટન થઈ શકે. એપ્રિલ 2003 થી નવેમ્બર 2003 ના આઠ મહિનામાં નિફ્ટી 98% વધી હતી. ત્યારબાદ પાંચ મહિનામાં 21% નું કરેક્શન આવ્યું હતું. તેના પછી 23 મહિનાની તેજી આવી, જેમાં નિફ્ટી 140% વધી. ત્યારબાદ બે મહિનાનું એક કરેક્શન જોવાયું. જો આવાં બે-પાંચ મહિનાના કરેક્શન સમયગાળાને બે બુલ-રનની અંદર સમાવી લઈએ, તો એવું અર્થઘટન કરી શકાય કે, એપ્રિલ 2003 થી નવેમ્બર 2007 ના કુલ 56 મહિનાનો, એટલે કે પોણા પાંચ વર્ષનો મોટો બુલ-રન જોવાયો હતો. અલબત્ત, આ દરમ્યાન બજપેયીના નેતૃત્વમાં NDAની હાર થતાં એકવીસમી સદીની પહેલી સેલર સર્કિટ જોવાં મળી હતી. પછી મે 2006 માં મિડકેપ, ખાસકરીને ઇન્ડોનેક્સ્ટ સીરિઝમાં સપાટાબંધ કડાકો વિગેરે જોવા મળ્યા હતા. સરવાળે, આ સમયગાળામાં નિફ્ટી 950 થી વધીને 6138 આવી હતી. જે કુલ સાડા પાંચસો ટકાનો વધારો દર્શાવે છે. અર્થાત, આ પોણા પાંચ વર્ષમાં નિફ્ટી સાડા પાંચ ગણી થઈ હતી. ત્યારબાદના 13 મહિનામાં 55% ના કરેક્શન, આ કરેક્શનના તળિયેથી શરૂ થયેલ સુધારો કે જેમાં 19 મહિના દરમ્યાન તળિયેથી 118% નો સુધારો જોવાયો હતો તે સમયગાળો, અને ત્યારબાદ જુલાઇ 2013 સુધી ચાલેલ 35 માહિનામાં 9% ના કરેક્શનને એક જ કરેક્શનનો સમયગાળો માની લઈએ, તો ડિસેમ્બર 2007 થી જુલાઇ 2013 ના કુલ 67 મહિના ચાલેલ કરેક્શનમાં નિફ્ટી 6138 થી છેક 2252 સુધી ઘટી, 6100 સુધીના ઉછાળા બતાવી, જુલાઇ 2013 ના અંતમાં 5752 હતી. આમ, 67 માહિનામાં નિફ્ટી સરવાળે સવા છ ટકા ઘટાડે રહી હતી. આમ, જો હાલની તેજીને જુલાઇ 2013માં શરૂ થયેલ તેજીનો એક જ સમયગાળો માની લઈએ, તો કુલ 133 મહિનામાં નિફ્ટી 5750 થી વધીને 26250 થઈ, જે સાડા ત્રણસો ટકાનો વધારો દર્શાવે છે.
અહી કોષ્ટકમાં દર્શાવેલ સમયગાળાનો અભ્યાસ કરીએ તો જણાય છે કે;
(1) ભારતીય બજારમાં સળંગ તેજીનો સમયગાળો 60 મહિનાથી ઓછો રહ્યો છે.
(2) કરેક્શનનો સમયગાળો 2, 5 કે 35 મહિનાનો હોઇ શકે છે.
(3) જો કરેક્શન દરમ્યાન થયેલ ઘટાડાની ટકાવારી મોટી હોય, તો તેની રિકવરી ઝડપી હોય છે. એટલે કે કરેક્શનની ઊંડાઈ વધુ હોય ત્યારે લંબાઈ ઓછી હોય છે અને લંબાઈ વધુ હોય ત્યારે ઊંડાઈ ઓછી હોય છે.
(4) રિકવરી બાદ બજાર થોડો સમય સાઈડ-વે રહી શકે છે. આવી સાઈડ-વે ચાલને કરેક્શનનું એક્સટેન્શન કહી શકાય.
મુખ્ય શેર્સની ચાલ :
HDFC BANK:

આ શેરમાં ‘ટુ-વ્હાઇટ સોલ્જર્સ’ પેટર્ન બની છે. 1747 ના સ્ટોપલોસ થી 1810 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય. અન્ય પ્રમુખ શેર્સની સરખામણીએ આ શેર 200 દિવસની એવરેજની ઉપર ઝડપથી આવી ગયો અને છેલ્લા દોઢ મહિનાથી તે તેની ઉપર ટકેલો છે. વિતેલા અઠવાડિયે બેંકિંગ શેર્સ તેજીની આગેવાની લેતાં જોવાયા છે. તેવામાં આ શેરમાં તેજી આગળ વધતી જોવા મળી શકે છે.
NTPC:

સારું એવું રાઉંડિંગ બોટમ બનાવી આ શેર આગળ વધી રહ્યો છે. શુક્રવારે આ શેર તેની 200 દિવસની એક્સપો. મૂવિંગ એવરેજની ઉપર બંધ રહ્યો છે. આ ઉપરાંત શુક્રવારે ઓપન-લો ફોર્મેશન પણ જોવા મળ્યું. 338 ના સ્ટોપલોસથી 347 આસપાસ આ શેરમાં તેજીની પોઝિશન બનાવી શકાય.
મઝગાઓ ડોક:

છેલ્લા છ મહિનાના કરેક્શન દરમ્યાન આ શેર અન્ય ઘણાંબધા શેર્સની જેમ સપાટાબંધ તૂટી નથી ગયો. તેની ચાલ મુખ્યત્વે સાઈડ-વે પ્રકારની જોવા મળી. તેની ચાલ મુખ્યત્વે 200 દિવસની એવરેજની ઉપર ટકેલી રહી. 2591 પર બંધ રહેલ આ શેરમાં સ્ટોપલોસ થોડોક મોટો રાખવાનો આવે છે. રૂ. 2510 ના સ્ટોપલોસથી આ શેરમાં તેજીની પોઝિશન બનાવી શકાય. રૂ.2700 ની ઉપર બંધ આવતાં તેમાં તેજી વધુ મજબૂત થતી જોવા મળે.