આશિષ નમ્બીસન : ભ્રાંથન આયુદ્ધમાક્કુમબોલ અકન્નુ નિલક્કુકા.. (વંઠેલાના હાથમાં હથિયાર હોય ત્યારે છેટાં રહો.) ટ્રંપના પદભાર સંભાળતાની સાથે જ એનાં નિર્ણયો ખલબલી મચાવી રહ્યા છે. પોતાને જાણે કે અન્યોથી કઈક વિશેષ આવડે છે અને પોતે ધરમૂળથી બધુ બદલી નાખવાં સક્ષમ છે એવી આત્મશ્લધામાં રાચતાં નેતાઓ કદીયે પ્રજાનું ભલું નથી કરતાં હોતા. ટ્રંપ પોતાને ગમે તેટલા હોંશિયાર સમજતા હોય, આખરે એમની નીતિઓ અમેરિકાને શત્રુઓ જ આપશે એવું દેખાઈ રહ્યું છે. તેમનાં હાલના પગલાંએ ભારત જેવા સક્ષમ મિત્રરાષ્ટ્રના લોકો પ્રત્યે નફરત દર્શાવી છે. પોતાના ચૂંટણીપ્રચાર દરમ્યાન જ ટ્રમ્પે ભારતીયોને ‘અમેરિકામાં ઘુસણખોરી કરનાર’ કહ્યા હતા. તેમનો સમગ્ર ચૂંટણીપ્રચાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતાં લોકો વિરુદ્ધ નફરત ફેલાવવા પર આધારિત હતો. પ્રજાને કોઈક એક આભાસી દુશ્મન બતાવી દો અને એ દુશ્મન સામે જાણે કે એ એકલાં જ લડવા સુસજ્જ હોવાનો ડોળ કરવો એ ચૂંટણીઓ જીતવાની વર્ષો જૂની સિસ્ટમ છે. છોડો એ વાત… તમે સહુ આ બાબતે મારાથી વધુ જાણકાર છો. આપણે તો વંઠેલાના હાથમાં હથિયાર જોઈએ એટલે છેટાં જ રહીએ. એમાંય એને પાનો ચઢાવનારા લાખો કરોડોમાં હોય ત્યાં તો બોલવું જ શું કામ! એ પાનો ચઢાવનારાઓનેય આખરે એ વંઠેલો જ નડવાનો. અને નડે જ! કુદરતનો નિયમ છે.
ગયા અઠવાડિયે અમુક કારણોસર મારી કૉલમ અહી છપાઈ નહોતી. પરંતુ મારો આર્ટીકલ સ્ટોક ટુડેની વેબસાઇટ stocktoday.live પર અંગ્રેજીમાં મૂકવામાં આવ્યો હતો. તેમાં જણાવ્યુ હતું કે, “ટ્રેડર્સે હવે વધુ સંવેદનશીલતાપૂર્વક કામ કરવાનું છે અને માત્ર બજેટથી દોરવાઈ નથી જવાનું. ઘટાડે લેવા અને ઉછાળે વેચવા પર ફોકસ રાખવાનું છે. હવે અહી સહજ પ્રશ્ન એ થાય કે શા માટે કોઈ એક તરફનો વ્યૂ ન રાખે. જવાબ સરળ છે. હાલ આપણે 23250 થી 23690 ના ‘નો ટ્રેડ ઝોન’માં છીએ, જ્યાં જાણે કે બુલ્સ અને બેર્સ વચ્ચે દ્વંદ ચાલી રહ્યું છે. 23250 ટેકા તરીકે અને 23700 અવરોધ તરીકે કામ કરી રહ્યા છે. જેનો ટ્રિગર પોઈન્ટ 23700 ની ઉપર કે 23250 ની નીચેના બંધ બાદ આવે. ત્યાં સુધી તેજી માટે 23350 સુધીના ઘટાડે 23200 ના સ્ટોપલોસથી લેણ કરી શકાય, જ્યાં 23700 પહેલા નફો ગાંઠે કરી લેવો. વેચાણ તરફી વેપાર માટે 23700 ની નજીક પોઝિશન બનાવવી, જેમાં 23870 નો સ્ટોપલોસ રાખવો અને 23400 આસપાસ નફો બૂક કરી લેવો. બજારના ટેક્નિક્લ્સ સંપૂર્ણપણે બેરીશમાંથી બુલિશમાં ફેરવાયા નથી. તેથી ધ્યાનપૂર્વક અને સંબંધિત લેવલની નજીક વેપાર ગોઠવવો. વ્યૂ બુલિશ થવા માટે નિફ્ટી૫૦એ 24000 ની ઉપર કે ઓછામાં ઓછું 23850 ની ઉપર સળંગ બે વાર બંધ આપવો પડે.” આખરે બજારમાં શું થયું? જેનું અનુમાન કર્યું હતું નિફ્ટી 50 એ બરાબર એવું જ વર્તન કર્યું. તા. 3 ફેબ્રુઆરી સોમવારના રોજ નિફ્ટીએ 23,222 નો લો બનાવ્યો અને આમ તેણે પેલા 23,200 ના સપોર્ટને માન આપ્યું. ત્યાંથી બજારે તેજી તરફી ચાલ પકડી અને 23807 નો હાઇ બનાવ્યો. નોંધવું રહ્યું કે આવાં સુધારા દરમ્યાન તેણે 23850 નો અવરોધ પાર કર્યો નથી. બજારે ફરી પાછી સુસ્તી બતાવી અને 23442 સુધી ઘટ્યું. બંને બાજુ સોદા કરી નફો મળતો હોય, એનાથી સારી સ્થિતિ કોઈપણ ટ્રેડર માટે હોઇ શકે ખરી? ચાલો, હવે આપણે ગ્લોબલ પરિબળોની ચર્ચા કરીએ.
યુ.એસ. ફેડના નીતિ-નિરધારકોના મતે ટ્રંપની ટેરિફ નીતિઓ અમેરિકાના અર્થતંત્ર પર ભારણ લાવવામાં અને મોંઘવારી વધવામાં કારણભૂત બની શકે છે. રાષ્ટ્રપતિ તરીકેનો કારભાર સંભાળતા વખતે ટ્રમ્પે દક્ષિણ સરહદ પર કટોકટી જાહેર કરી છે. હાલમાં તેમણે આ બોર્ડર ઇશ્યૂ અને ક્રાઇમ એન્ફોર્સમેન્ટના મામલાઓમાં સહયોગની સામે મેક્સિકો અને કેનેડા પ્રત્યેની તેમની ટેરિફ નીતિ 30 દિવસ માટે મોકૂફ રાખી છે. સામે ટેરિફના જોખમોને પગલે ડિસેમ્બર માહિનામાં યુ.એસ.ની આયાતોમાં ધરખમ વધારો થયો, જેના કારણે યુ.એસ.ની ટ્રેડ ડેફિસિટ વધી છે. ગમે ત્યારે ઊંચી ટેરિફ લાગી શકે છે તેવા ભયને કારણે યુ.એસ.માં માલસામાન આયાત કરનારાઓ હાલ મોટાપાયે આયાતો કરી રહ્યા છે. તેમાં આવતા મહિને મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાગવા જઇ રહી છે. હાલ યુ.એસ.ની ટ્રેડ ડેફિસિટ ઐતિહાસિક સ્તરે વધી રહી છે. માર્ચ 2022 પછી તે સર્વાધિક રહી છે અને માર્ચ 2025 પછીનો એક મહિનામાં જોવા મળ્યો હોય તેવો સૌથી મોટો વધારો થયો છે. બીજી તરફ યુ.એસ. માં નોકરીઓમાં વૃદ્ધિ ઘટી છે અને જોબ ડેટા અપેક્ષાથી નીચો આવ્યો છે. નોન-ફાર્મ પે-રોલ કે જે ડિસેમ્બરમાં 3,07,000 આવ્યો હતો તે જાન્યુઆરીમાં 1,43,000 આવ્યો છે. બેરોજગારી આંક આગલા મહિનાના 4.1% સામે થોડોક સુધરી 4% થયો છે. લેબર માર્કેટમાં સુધારો જોવાઈ રહ્યો છે. પરંતુ તેમાં અચાનક કોઈક આંચકો આવે તેમ નથી લાગતું. તેમ છતાં ઓછામાં ઓછું જૂન મહિના સુધી યુ.એસ. ફેડરલ વ્યાજદરોમાં કોઈ બદલાવ લાવે તેમ જણાતું નથી. ફેબ્રુઆરીમાં યુ.એસ. કન્ઝ્યૂમર સેન્ટિમેન્ટ એકાએક સાત મહિનાના તળિયે પહોંચ્યો છે અને લોકોને જાણે કે એમ લાગી રહ્યું છે કે ટ્રંપના ટેરિફની નકારાત્મક અસરો થવાની જ છે અને તેથી તેઓ વધુ ખરીદી કરી રહ્યા છે. તેના પગલે મોંઘવારી દરમાં વધારો થઈ રહ્યો છે. ગયા મહિને હાઉસહોલ્ડ ઇન્ફલેસન કે જે 3.3% હતું તે વધીને 4.3% થયું છે. આવતા પાંચ વર્ષ દરમ્યાન ઇન્ફલેસન 3.3% રહેવાનો અંદાજ રાખવામા આવી રહ્યો છે, જે જૂન 2008 પછી સર્વાધિક છે.
બીજી તરફ ચીનમાં સેવાઓના આંકડા અપેક્ષાથી નીચા આવ્યા અને સાઇસીન સર્વિસ PMI 52.3 ની અપેક્ષા સામે 51 જોવાયો. સેવાઓમાં આ નરમી મુખ્યત્વે નવા ધંધાઓમાં ધીમી વૃદ્ધિને કારણે છે. વર્ષના અંતેની તહેવારોની મોસમમાં કામકાજો ધીમા રહ્યા અને ત્યારબાદ જે સુધારા જોવાયા છે તે ફેબ્રુઆરીના ડેટામાં જોવા મળશે. ચીનના ચંદ્ર કેલેન્ડર મુજબના નવા વર્ષના તહેવારની રજાઓ દરમ્યાન જે સુધારો જોવા મળ્યો છે તે ફેબ્રુઆરીના આંકડામાં જોવા મળશે. તે જ પ્રમાણે ઉત્પાદન ક્ષેત્રમાં પણ અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ જોવા મળી છે. જે ચીનના અર્થતંત્રમાં સાર્વત્રિક નરમીનો સંકેત આપી રહ્યું છે. સાથે જ ચીને જાહેર કરેલ મસમોટું સ્ટીમ્યુલસ ક્ષણજીવી નિકળ્યું હોવાનું પણ ફલિત થઈ રહ્યું છે. હવે જ્યારે ટ્રંપ સરકાર વધારાની 10% ટેરિફ લાદવા જઇ રહી છે, ત્યારે ચીનના ઉદ્યોગ જગતને સરકાર પાસેથી વધુ સ્ટીમ્યુલસની અપેક્ષા છે. ચીને પણ યુ.એસ.ને તેની ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે. ચીને યુ.એસ. થી આયાત થતાં માલસામાન પર ટેરિફ લાદયું છે. કોલસા અને લિકવીફાઇડ નેચરલ ગેસ પર 15% આયાત ડ્યૂટી અને ક્રૂડ ઓઇલ, એગ્રી ઇક્વિપમેંટ અને ઓટોમોબિલ પર વધારાની 15% ડ્યૂટી લાદી છે. આ ઉપરાંત દુર્લભ ધાતુ ખનીજો કે જેમાં ચીન વિશ્વનો પ્રથમ ક્રમાંકિત ઉત્પાદક છે તેની યુ.એસ.માં નિકાસ કરવા પર અંકુશ લગાવ્યો છે.
ભારતીય બજાર પર પાછા ફરીએ અને મુખ્ય ઇંડેક્સિસના ચાર્ટનું સ્વાસ્થય ચકાસીએ તો આપણું 22,700 નું લેવલ નજર સમક્ષ આવે છે. આપણે ચાર અઠવાડીયાથી 22,700 ના લેવલની વાત કરી રહ્યા હતા. નિફ્ટીએ બરોબર 22,786 પર ટેકો લીધો અને ત્યાંથી લગભગ 1000 પોઈન્ટની તેજી થઈ છે. બીજું કે ક્લોસિંગ બેસિસ પર નિફ્ટી 23450 ની ઉપર રહી હોઈ, ચાર્ટ સુધારો દર્શાવે છે. ટેકનિકલ ઈંડિકેટર્સ ધીમેધીમે બેરીશથી બુલિશ થઈ રહ્યા છે. તો પછી હવે આપણે શી અપેક્ષા રાખી શકીએ એ સો મણના સવાલનો જવાબ શોધવા મથામણ કરીએ.
ચાર્ટ પેટર્ન બેરીશથી બુલિશ થઈ રહી છે. ભલે સંપૂર્ણપણે આમ ન થયું હોય, પણ અંશતઃ તો થઈ રહી છે. એવું જણાય છે કે વહેલાં મોડા નિફ્ટી 23850 વાળો અવરોધ પાર કરી લેશે. તેમ છતાં ટ્રેડર્સે સલામતીભર્યો વ્યૂ અનુસરવો ઠીક રહે. 23950 – 24050 ની રેન્જની ઉપર બંધ આવ્યા પછી લેણ કરી શકાય. અન્યથા શ્રેષ્ટ વિકલ્પ એ રહે કે 23450 આસપાસ 23,200 ના સ્ટોપલોસ થી લેણ કરવું. વાચકોએ તે નોધવું રહ્યું કે આ લેવલ ગયા અઠવાડિયે જણાવ્યુ હતું અને આખું અઠવાડિયું બજાર આ લેવલને માન આપતું રહ્યું. આમ તો જો કે આવું કહેવું થોડુક વહેલું છે, પણ તમે બી ક્યાં પારકા છો.. જો નિફ્ટી 23950 પાર કરી લે છે, તો 24800 અને 24900 સુધીના ટાર્ગેટ ખૂલે છે. બેન્કનિફ્ટી માટે 50650 માનો કે છેલ્લો અવરોધ છે. બેન્કનિફ્ટીમાં 50250 ના સ્ટોપલોસથી 51600 ના સાપ્તાહિક ટાર્ગેટ માટે લેણ કરી શકાય. નિફ્ટીની સરખામણીએ બેન્કનિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાઈ રહી છે. બીજું કે વ્યાજદરોમાં પાંચ વર્ષ બાદ થયેલ હાલના ઘટાડામાં બેંકિંગ શેર્સને સુધરવાનો સારો અવકાશ છે. તેમાં PSU કરતાં પ્રાઈવેટ બેન્કો વધારે સુધરે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.
તેજી માટે ધ્યાને લેવાં લાયક:
કોટક બેન્ક, JSW સ્ટીલ, એક્સિસ બેન્ક, વિપ્રો, સિપ્લા, લ્યુપિન, KPIT ટેક, ઇન્ડસઇન્ડ બેન્ક.
વાયદામાં 92400 ના સ્ટોપલોસ થી 93700 ના ઘટાડે ચાંદીમાં લેણ કરી શકાય.
![](https://stocktoday.live/wp-content/uploads/2025/02/private_banks_1-1024x576.jpg)