‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ મુજબ નવેમ્બર માહિનામાં ઓઇલ એન્ડ ગેસ, આર્ટિફિસીયલ ઇંટેલિજન્સ અને મશીન લર્નિંગ, એફ.એમ.સી.જી. જેવા ક્ષેત્રોમાં વ્હાઇટ કોલર હાયરિંગ આગલા વર્ષના નવેમ્બરની સરખામણીએ વધતાં નવેમ્બર માસમાં આ સેગમેન્ટની નોકરીઓ બે ટકા વધી છે.
વ્હાઇટ કોલર હાયરિંગ દર્શાવતો સૂચકાંક ‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ નવેમ્બર માસમાં 2430 પોઈન્ટ રહ્યો જે આગલા વર્ષની સરખામણીએ 2 ટકાનો સુધારો દર્શાવે છે. બીનઆઈ.ટી. ક્ષેત્રો જેવાં કે ઓઇલ એન્ડ ગેસમાં 16 ટકા, ફાર્મા અને બાયોટેક 7 ટકા, એફ.એમ.સી.જી. 7 ટકા, રિયલ એસ્ટેટ 10 ટકા જેટલો સુધારો દર્શાવે છે અને તેના પગલે ઉપલા સ્તરની નોકરીઓ વધી હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે આગલા વર્ષની સરખામણીએ આઈટી સેક્ટરની નોકરીઓ ફ્લેટ રહી હતી. નોધનીય છે કે છેલ્લા બે વર્ષમાં યુ.એસ.ની આઈ.ટી. કંપનીઓના શેર્સનો સૂચકાંક નેસ્ડેક બમણો થયો છે. ગતવર્ષે આઈ.ટી.ની નોકરીઓમાં સુધારો જોવા મળ્યો હતો.
જો કે, આ અહેવાલ મુજબ મશીન લર્નિંગ ક્ષેત્રમાં વ્હાઇટ કોલર હાયરિંગ ગયા નવેમ્બરની સરખામણીએ વીસ ટકા વધ્યું છે. અન્ય ક્ષેત્રોમાં તહેવારની સિઝન દરમ્યાન ખાસ સુધારો જોવા મળ્યો નથી.
‘નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ’ naukri.com પર મૂકાયેલ નવી નોકરીઓ અને નોકરીદાતાઓ દ્વારા કરાયેલ ઉમેદવારોની શોધના ડેટાના આધારે ભારતમાં જે તે મહિના દરમ્યાન નોકરીઓની સ્થિતિ કેવી રહી તેની માહિતી પૂરી પાડે છે.
ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ અહેવાલ મુજબ રાજસ્થાને અન્ય રાજ્યોની સરખામણીએ સારું પ્રદર્શન કર્યું છે. વ્હાઇટ કોલર નોકરીઓ જયપુરમાં 14 ટકા, ઉદયપુરમાં 24 ટકા અને કોટમાં 15 ટકા વધી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓની નોકરીઓમાં જયપુર સહુથી આગળ રહ્યું છે. પૂર્વી કાંઠે ભુવનેશ્વરનું પ્રદર્શન સારું રહ્યું અને ત્યાં નોકરીઓ આગલા વર્ષની સરખામણીએ 21 ટકા વધી છે.
Naukri.com ના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી પવન ગોયલે જણાવ્યુ છે કે, “તહેવારોની સિઝનને કારણે મોટેભાગે નવેમ્બર માસમાં નોકરીએ રાખવાની કામગીરી ધીમી રહેતી હોય છે અને 2 ટકાનો વધારો તેનો પૂરાવો છે. જો કે, ઓક્ટોબર અને નવેમ્બર માસનો ડેટા સાથે ધ્યાને લઈએ તો તે સંતોષજનક દેખાવ કહેવાય. બહુધા આઈ.ટી. સિવાયના ક્ષેત્રોમાં નવોદિતોની નિયુક્તિઓ યુવા-કૌશલ માટે એક સારું પાસું કહી શકાય.”