સેન્સેક્સ 80333 ઉપર બંધ થતાં 81111 જોવાશે
મુંબઈઃ ગત સપ્તાહ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે. અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે. અહીંથી ગત અઠવાડિયે જ કહ્યું હતું કે, શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો ખાનાખરાબીનો નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ ઘરભેગો કરવો સલાહભર્યું છે.
ગત સપ્તાહના અંતિમ દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ છે. જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. હાલ તુરત નવી ખરીદીની ઉતાવળ કરવી નહીં. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૭૭૭ની ટેકાની સપાટીએ ૨૪૪૪૪ ઉપર બંધ થતાં ૨૪૬૬૬ અને સેન્સેક્સ ૭૮૩૩૩ની ટેકાની સપાટીએ ૮૦૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૧૧૧૧ જોવાઈ શકે છે.