મુંબઈીઃ વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા. પરંતુ સપ્તાહના અંતે ટ્રમ્પની ચાઈના વિરોધી નીતિ અને ખાતાકીય ફાળવણીમાં કટ્ટરતા જોવા મળતાં ફરી એડવાન્ટેજ ઈન્ડિયા બનવાના વિદેશી બ્રોકિંગ હાઉસોએ સંકેત આપી પરિસ્થિતિને કાબૂ બહાર જતી અટકાવી છે.
હવે એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત બજારના નિષ્ણાંતો હજુ પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં ૬થી ૯ મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી સપ્તાહમાં તેજીના સંભવિત મોટા ફૂંફાળામાં લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં ટૂકડે ટૂકડે રોકાણની પસંદગી કરવી. હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે આગામી સપ્તાહમાં ૨૦, નવેમ્બર ૨૦૨૪ના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી હોવાથી બીએસઈ, એનએસઈ શેર બજારોમાં ટ્રેડીંગ બંધ રહેશે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૨૨૨ની ટેકાની સપાટીએ ૨૩૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૧૧૧ અને સેન્સેક્સ ૭૬૬૬૬ની ટેકાની સપાટીએ ૭૮૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૯૧૧૧ જોવાઈ શકે છે.