Stock Today

ધર્મની આરાધના કર્યા કરો તો દુઃખો અને દોષો ઘટતાં જાયઃપૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજ

પાલડી- પ્રીતમનગર સ્થિત શ્રી કુંથુનાથ જૈન સંઘના નૂતના આરાધના ભવનમાં પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું કે, ચોમાસી ચૌદશ આરાધનાનું અનુપમ પર્વ છે. આરાધનામાં આગળ વધવા અને વિરાધનાથી વિરામ પામવા માટે પર્વના મર્મને જાણવા જોઈએ. સત્કાર્ય વિના બક્ષિશ મળતી નથી અને અપરાધ વિના સજા મળતી નથી. પ્રભુની આજ્ઞાનું પાલન કરો તો ગિફ્ટમાં સદગતિ મળે અને આજ્ઞાનો ભંગ કરો તો દુર્ગતિ મળશે. સાગરનું એક મોજું જેમ બીજા મોજાને ઊભા કરે તેમ ચાતુર્માસમાં કરલી આરાધનામાંથી બીજી આરાધના કરવાનો ઉત્સાહ પેદા થાય છે. ઉમંગ, સાહસ અને હિંમત આરાધનાના ક્ષેત્ર વધતા જાય તે સાચી આરાધનાનું ફળ છે.

પાણીની ધાર સતત પત્થર ઉપર પડયા કરે તો પત્થરમાં પણ તિરાડ પડે છે તેમ નિરંતર, સદભાવ સહિત અને દીર્ઘકાળ સુધી ધર્મની આરાધના કર્યા કરો તો દુઃખો અને દોષો ઘટતાં જાય છે. આરાધનાનું રીઝલ્ટ એ છે કે દોષોનો ત્રાસ, દોષોનો હ્રાસ અને દોષોનો નાશ થતો જાય. દોષમુક્તિ માટે દોષોનું વિભાજન કરો. જે પાપ છોડવા માટે સંઘર્ષ ન કરવો પડે તે સહજસાઘ્ય કહેવાય. એ માટે થોડુંક સત્ત્વ ફોરવવું પડે. એ માટે મનને મારો, મનને મનાવો અને મનને ચડાવો. કોઈ તમને યાદ કરાવે અને તમે પાપથી પીછેહટ કરો તે સ્મૃતિ સાધ્ય છે. ક્યારેક પાપસ્થાનોમાં તમને જોઈને કોઈ તમને સ્મરણ કરાવે કે તમે અહિં ક્યાંથી ? ખાનદાની પણ પાપોથી અટકવે છે.

પાપ પ્રત્યે હૈયામાં કુણી લાગણી હશે તો પાપ છૂટશે નહી. જીવનમાં પરિવર્તન લાવવા માટે સુંદર વાતાવરણ, સારા સલાહકાર, સારી પ્રવૃત્તિ, સારો સંપર્ક અને સારું લક્ષ્ય હોવું જોઈએ. સા૨ા વાતાવરણથી સલાહ બળશે. મિત્ર ઓછા હશે તો ચાલશે પણ દુશ્મન એકેય ન હોવો જોઈએ. જીવન પરિવર્તન એ જ ચાતુર્માસ પરિવર્તન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top