Stock Today

દેશના સૌથી ધનિક IAS, પગાર તરીકે 1 રૂપિયો લેતા

દેશના પ્રખ્યાત IAS ઓફિસર અમિત કટારિયા ફરી એક વખત ચર્ચામાં છે. જોકે, આ વખતે તેમનો કોઈ મોટો નિર્ણય કે કાર્યવાહી નથી પરંતુ કરોડો રૂપિયાની સંપત્તિ ચર્ચાનો વિષય બની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ દેશના સૌથી ધનિક IAS ઓફિસર છે. ખાસ વાત એ છે કે, કટારિયા અગાઉ એક રૂપિયો પગાર લેવાનો નિર્ણય પણ લઈ ચૂક્યા છે. 

મીડિયા અહેવાલ પ્રમાણે 8 કરોડ 90 લાખ રૂપિયાની સંપત્તિ વાળા કટારિયા દેશના સૌથી ધનિક IAS ઓફિસર છે. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહ્યા બાદ તેઓ તાજેતરમાં જ તેમના હોમ કેડર છત્તીસગઢ પરત ફર્યા છે. એક અહેવાલ પ્રમાણે સરકારી અધિકારી તરીકે કામ શરૂ કરવાના પ્રારંભિક તબક્કામાં કટારિયાએ માત્ર 1 રૂપિયાનો પગાર લેવાનો નિર્ણય કર્યો હતો. તેના આ પગલાની ખૂબ ચર્ચા થઈ હતી. 

અમિત કટારિયા છત્તીસગઢ કેડરના વર્ષ 2004ની બેન્ચના IAS ઓફિસર છે. તેમનો જન્મ ગુરુગ્રામમાં થયો હતો. તેમનો ઉછેર અહીં જ થયો છે. કટારિયાએ પોતાનું સ્કૂલનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી લીધું છે. ત્યારબાદ તેઓ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech માટે IIT દિલ્હી ગયા હતા. વર્ષ 2003માં તેણે યુપીએસસીની પરીક્ષામાં 18મો રેન્ક હાંસલ કર્યો હતો. તેઓ જિલ્લા કલેક્ટર, જોઈન્ટ સેક્રેટરી જેવા અનેક મહત્વના પદો પર રહી ચૂક્યા છે. કટારિયાની કરોડો રૂપિયાની સંપત્તિનું એકમાત્ર કારણ તેમનો પગાર નથી. મીડિયા અહેવાલ પ્રમાણે તેમના પરિવાર પાસે રિયલ એસ્ટેટ હોલ્ડિંગ છે. અહેવાલ છે કે, તેમના પરિવારનો દિલ્હી એનસીઆરમાં મોટો બિઝનેસ છે.

IAS અમિત કટારિયા બસ્તરના કલેક્ટર હતા ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. હકીકતમાં 2015માં PM નરેન્દ્ર મોદીની બસ્તરની મુલાકાત દરમિયાન તેમણે PM મોદી સાથે મુલાકાત કરતી વખતે કાળા ચશ્મા પહેર્યા હતા, જે સરકારી પ્રોટોકોલની વિરુદ્ધ છે. ત્યારબાદ અમિત કટારિયાને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યાર પછી તેમને બસ્તરમાંથી હટાવીને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top