નવી દિલ્હી: 2025ના પ્રારંભે જ યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે આગામી દિવસોમાં દેશના રાજકારણ અને શાસન વ્યવસ્થામાં મોટા ફેરફાર લાવશે. 2024માં લોકસભા ચૂંટણીમાં ભાજપને ખુદની બહુમતી મળી નહી અને બે સાથી પક્ષોના ટેકાથી સરકારનું ગઠન કર્યા બાદ બે ટર્મની મોદી સરકાર હવે નબળી પડી છે.
તેવી જે છાપ સર્જાઈ હતી અને તે પછી વિપક્ષો પણ આક્રમક બન્યા હતા તે પરીસ્થિતિ દિલ્હીના વિજય બાદ ભાજપે પુરેપુરી બદલી નાખી છે અને આગામી દિવસોમાં તેના પડઘા જોવા મળશે. દિલ્હીમાં હવે ભાજપ પુરી તાકાતથી સતા પર આવ્યુ છે અને તેથી આ પક્ષનો વિશ્વાસ વધી ગયો છે.
એકમાત્ર ઝારખંડમાં ભાજપ-એનડીએને જે પરાજય મળ્યો તે બાદ કરતા પહેલા ઝારખંડ અને બાદમાં મહારાષ્ટ્રની ચુંટણીઓ પુરી બહુમતીથી જીતી પછી તેના નવા રાજકીય સમીકરણો પણ જોવા મળશે અને મોદી સરકાર પણ હવે જે રીતે દિલ્હી ચુંટણીના પરિણામોએ કેન્દ્રીય બજેટને દેશની જનતાની મંજુરીની મહોર તરીકે જોવામાં આવશે.
રૂા.12 લાખ સુધીની આવકવેરા મુક્તિ એ મોદી સરકારનો જીતનો મંત્ર બની ગયો છે. તેના આધારે સરકારની સ્વીકાર્યતા વધી છે તે નિશ્ચિત છે અને હવે દિલ્હીના ભૂકંપની આફટર ઈફેકટ પણ આમ આદમી પાર્ટી અનુભવશે. ખાસ કરીને અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા અને સત્યેન્દ્ર જૈનની વ્યક્તિગત મુશ્કેલીઓ વધશે. દિલ્હીમાં જે રીતે જ પરિણામો સાથે સચીવાલય ‘સીલ’ કરાયું અને તપાસ ફાઈલો હવે ભાજપ શાસનની સરકાર કબ્જે કરીને કેજરીવાલ અને તેની ટીમ સામે ખાસ તપાસ ટીમ (સીટ) મારફત નવા કેસ દાખલ થાય તેવી શકયતા છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે તેના પર હવે દબાણ વધશે. દિલ્હીની ચુંટણીના પરાજય માટે જે રીતે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર ઠીકરૂ ફોડવા પ્રયાસ કરે છે તે પછી બન્ને પક્ષો વચ્ચે તો તનાવ વધી ગયા છે અને 2027માંજ આ રાજયમાં ફરી ધારાસભા ચૂંટણી છે. ભાજપ હવે 2029ની લોકસભા ચુંટણી પુર્વે જનારા રાજયોમાં કેન્દ્રીત થશે તો ભાજપનું ધ્યાન હવે પશ્ચિમ બંગાળ પર પણ હશે જયાં કેજરીવાલ કરતા પણ વધુ મજબૂત ગણતા મમતા બેનરજી સતામાં છે અને લોકસભા ચૂંટણીમાં પણ પ.બંગાળમાં ભાજપને મોટી પછડાટ સહન કરવી પડી હતી.
તેથી પક્ષ માટે પ.બંગાળ એ ડબલ ટ્રબલ બની રહ્યું છે તો ખાસ કરીને અગાઉ તૃણમુલ કોંગ્રેસમાંથી જે નેતાઓની ‘આયાત’ કરીને મમતા બેનરજીનો દબદબો તોડવાના પ્રયાસ થયા હતા તે નિષ્ફળ નિવડયા છે તેથી ભાજપે હવે તેની જ તાકાત આ રાજયમાં કામે લગાડવી પડશે તે નિશ્ચિત છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપની શિવસેના શિંદે તથા અજીત પવાર એનસીપીના ટેકાથી સરકાર છે જે ભાજપ માટે સ્વીકાર્ય સ્થિતિ નથી પણ લોકસભાનું ગણીત જોતા આ બન્નેનો સાથ હાલ જરૂરી છે.
તેથી હાલ આ રાજયમાં ખાસ કરીને શિંદે જે રીતે વધુ મજબૂત થવા પ્રયાસ કરે છે તેને રોકીને ભાજપ ખુદને મજબૂત કરવા પ્રયાસ કરશે. ખાસ કરીને મુંબઈ મહાપાલિકા સહિતની ચુંટણીઓમાં ભાજપ કેવો વ્યુહ અપનાવે છે તેના પર નજર છે. અહી પણ વિશાળ મિડલ કલાસ મતદારો એ ભાજપ માટે મત આપે તે નિશ્ચિત કરાશે.
દિલ્હીની વાત ફરી લઈએ તો આમ આદમી પાર્ટી પાસે 22 ધારાસભ્યો છે પણ નેતૃત્વ નથી અથવા હવે કેજરીવાલ-સીસોદીયાનો ‘પાવર’ ઘટયો છે. પક્ષને સાંભળવો તે જ કેજરીવાલ માટે મોટો પડકાર બની રહેશે. જો કે ભાજપ તેની વ્યુહ રચના મુજબ હવે ‘આપ’ને તોડવા પ્રયાસ નહી કરે ખુદ તે જાતે જ તૂટે તેની રાહ જોશે તે નિશ્ચિત છે.
હવે આ વર્ષના મધ્ય બાદ બિહારની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે અને દિલ્હી ચુંટણીમાં વિજય એ મહત્વની ભૂમિકા ભજવશે. ભાજપ હવે દેશમાં નવો કોમનમેન-મીડલ કલાસ મતદાર શોધી લીધો છે અને તેથી ચૂંટણીમાં તેના પર સૌથી વધુ ફોકસ હશે.
જેમકે વિપક્ષના એ પ્રચારનો પણ ફુગ્ગો ફોડી નાખશે કે તે દેશના બે ચાર ઉદ્યોગપતિઓની સરકાર છે. બિહારમાં ભાજપ જે રીતે કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરી છે તે પણ મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ અનેક નવા રાજકીય શાસન સંબંધી નિર્ણયો જોવા મળશે.