નવી દિલ્હી
દિકરીઓને તેમના માતા-પિતા પાસેથી શિક્ષણ સંબંધીત ખર્ચ માંગવાનો પુરેપુરો અધિકાર છે.જો જરૂરી હોય તો, માતા પિતાને તેમની પુત્રીના શિક્ષણ માટે જરૂરી ભંડોળ પુરૂ પાડવા માટે કાયદેસર રીતે ફરજ પાડી શકાય છે તેમ સુપ્રિમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું.
કોર્ટે આ 26 વર્ષથી અલગ રહેતા દંપતીના આ કેસમાં આદેશ આપ્યો હતો.આ દંપતીની પુત્રી આયર્લેન્ડમાં અભ્યાસ કરી રહી હતી પિતા દ્વારા માતાને આપવામાં આવેલા ભરણપોષણ ભથ્થામાં પુત્રીના શિક્ષણ માટે રૂા.43 લાખનો સમાવેશ થતો હતો.જે પુત્રીએ પોતાના આત્મ સન્માનનો હવાલો આપીને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
ન્યાયાધીશ સુર્યકાંત અને ન્યાયાધીશ ઉજજવલ ભુઈયાની બેન્ચે કહ્યું હતું કે પુત્રીને આ પૈસા રાખવાનો અધિકાર છે. તેને આ પૈસા તેના માતા કે પિતાને પરત કરવાની જરૂર નથી તે ઈચ્છે તે રીતે ખર્ચ કરી શકે છે. 28 નવેમ્બર, 2024 ના રોજ દંપતી વચ્ચે સમાધાન થયુ હતું. જેના પર પુત્રીએ પણ સહી કરી હતી.
આ સમાધાન હેઠળ પતિએ તેની પત્નિ અને પુત્રીને કુલ 73 લાખ રૂપિયા આપવા સંમતિ આપી હતી. તેમાંથી 43 લાખ રૂપિયા દિકરીના શિક્ષણ માટે હતા. બાકીના પત્નિ માટે હતા.કોર્ટે કહ્યું કે પત્નિને તેના હિસ્સાનાં 30 લાખ રૂપિયા મળી ગયા છે અને બન્ને પક્ષો છેલ્લા 26 વર્ષથી અલગ રહે છે. તેથી એવુ કોઈ કારણ નથી કે બન્નેને પરસ્પર સંમતીથી છુટાછેડા ન આપવા જોઈએ.
બેન્ચે કહ્યું કે, પુત્રીએ પોતાનું ગૌરવ જાળવવા માટે પૈસા લેવાનો ઈન્કાર કર્યો હતો.તેણે તેના પિતાને પૈસા પાછા આપવા કહ્યું હતું.પરંતુ પિતાએ પણ ના પાડી હતી. પિતાએ કોઈ કારણ વગર પૈસા આપ્યા છે. જે દર્શાવે છે કે તેઓ આર્થિક રીતે મજબુત છે અને પુત્રીના શિક્ષણ માટે નાણાકીય સહાય કરવા સક્ષમ છે.
કોર્ટે આદેશ આપ્યો કે, આ સમાધાન મુજબ પતિ-પત્નિ એકબીજા સામે કોઈ કેસ દાખલ કરશે નહીં અને જો કોઈ કેસ કોઈપણ ફોરમ સમક્ષ પેન્ડીંગ હશે તો તે તેનો સમાધાન દ્વારા ઉકેલ લાવવામાં આવશે.