હયાત તળાવો ઊંડા કરવા-ચેકડેમ ડીસીલ્ટીંગ-નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો રાજ્ય સરકારના ૬ જેટલા વિભાગો દ્વારા લોક ભાગીદારી પ્રેરિત કરીને કરવામાં આવશે
સુજલામ સુફલામ જળ અભિયાનથી સાત વર્ષમાં ૧ લાખ ૭ હજારથી વધુ કામો દ્વારા જળસંગ્રહ ક્ષમતામાં ૧ લાખ ૧૯ હજાર લાખ ઘન ફૂટ વધારો થયો છે.
* ૧૯૯.૬૦ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.
* ગુજરાતના આ અભિયાનને બે સ્કોચ એવોર્ડ મળ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ આહવાનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ એવા ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
વરસાદી પાણી જ્યાં પડે, જેટલું પડે તેનો સંગ્રહ અને સંચય કરવાનું વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને જે આહવાન કર્યું છે તેને ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવાના નિર્ધાર સાથે આ અભિયાન તા. ૪ એપ્રિલથી તા. ૩૧ મે ૨૦૨૫ સુધી રાજ્યભરમાં યોજાવાનું છે.
આ કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના કામો વેગવાન બનાવવામાં આવશે.
આ હેતુસર, રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારીથી જળસંચયના કામો હાથ ધરશે.
આવા કામોમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયો/નદીનું ડીસીલ્ટીંગ, હયાત નુકશાન પામેલ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત/જાળવણી/સાફ સફાઇ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળા, ટેરેસ/વનતળાવ, પીવાના પાણીના સ્ત્રોત/ટાંકી/સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઇ, તળાવોના વેસ્ટ વિયરના રીપેરીંગ, નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી-ઝાંખરા દૂર કરવા વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના દવાડા ગામે શ્રીફળ વધેરીને જે.સી.બી. દ્વારા ખોદકામ પ્રારંભ દ્વારા આ ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’ના રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી હતી.
આ શુભારંભ વેળાએ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ શ્રી હરીભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા સચિવ શ્રી પી.સી. વ્યાસ અને જળ સંપત્તિ વિભાગના તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાંનો સંચય અને સંગ્રહ કરવા સાથે પર્યાવરણ જાળવણી માટે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા ગ્રીન કવર વધારવા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં અને સ્વચ્છ ભારત માટે સૌને સક્રિય સહયોગ આપવા આ અવસરે અનુરોધ કર્યો હતો.
તેમણે ‘કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’થી તળાવ, ચેકડેમ ઊંડા કરવા અને નદીઓની સાફ-સફાઈથી વધુને વધુ પાણીનો સંગ્રહ કરીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડાપ્રધાનશ્રીનો ‘કેચ ધ રેઈન’ અભિગમ ઉપકારક નિવડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન અન્વયે ૨૦૧૮ થી ૨૦૨૪ના સાત વર્ષ દરમિયાન જે ૧,૦૭,૬૦૮ કામો હાથ ધરવામાં આવેલા છે તેમાં તળાવો ઊંડા કરવાના, નવા તળાવોના ૩૬,૯૭૯, ચેકડેમ ડીસીલ્ટિંગના ૨૪,૦૮૬ તથા ૬૬,૨૧૩ કિલોમીટર લંબાઇમાં નહેરોની અને કાંસની સાફ-સફાઈના કામો થયા છે.
આ બધા કામોના પરિણામે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ ૧,૧૯,૧૪૪ લાખ ઘન ફૂટ જેટલો વધારો થયો છે અને ૧૯૯.૬૦ લાખ માનવદિન રોજગારી ઉભી થઈ છે.
સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે અને આ અભિયાનને ૨૦૨૦માં પ્લેટિનમ તથા ૨૦૨૧માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.