આશિષ નમ્બીસન:
ગયા અઠવાડિયે લખ્યું હતું કે નિફ્ટી 50 નો દૈનિક ચાર્ટ દર્શાવે છે કે, જ્યાં સુધી 23,700 ટકેલું છે, તેજી તરફી આશા અકબંધ છે અને આ લેવલ પર 23,500 ના ચુસ્ત સ્ટોપલોસ સાથે 24000/24200 ના ટાર્ગેટ માટે લોંગ પોઝિશન લેવાનું જોખમ લઈ શકાય. તેનાથી વિપરીત, 24000/24200 આસપાસ બેયર્સ બજારમાં પોતાની હાજરી નોધાવવા દરેક ઉછાળે પરત આવતાં જોવા મળી શકે અને અહી ટ્રેડર્સ 24350ના સ્ટોપલોસ, કે જે લગભગ 150 પોઈન્ટનો સ્ટોપલોસ બને છે તેની, સાથે વેચાણની પોઝિશન બનાવી શકે. આખરે થયું શું? નિફ્ટી આંક ઉપરોક્ત 23400 ના ટેકા તરફ સરક્યો અને 23460 નો લો બનાવ્યો અને ત્યારપછી આપણું તેજીવાળું 24200 નું લક્ષ્ય હાંસલ કરતા 24226.70 નો હાઇ બનાવ્યો, જે જ્યાં આપણે સૂચવ્યું હતું કે વેચવાલી હાવી થતી જોવા મળી શકે, જે લેવલ આખરે 23976 સુધીના ઘટાડામાં પરિણમ્યું. આમ આખા અઠવાડીયા દરમ્યાન પહેલા 23460 સુધીનો ઘટાડો, ત્યારબાદ 24226 સુધીનો ઉછાળો અને આખરે ફરી પાછો 23976 સુધીનો ઘટાડો – આવી બેતરફી ચાલ જોવા મળી. તો હવે આ અઠવાડિયે શું અપેક્ષા રાખી શકાય?
આ પ્રશ્નનો જવાબ મેળવવા આંતરરાષ્ટ્રીય બજારો તરફ નજર કરવી ઘટે. યુ.એસ. ફેડરલ રિઝર્વ વર્ષ 2025 માં વ્યાજદરો ઘટાડવાની ગતિ ધીમી કરવા જઇ રહ્યું હોવાને પગલે, ડોલર સતત સુધારતો જોવાઈ રહ્યો છે. આપણે એ પણ જોયું કે તમામ એશિયન કરન્સીમાં ચાઇનીઝ યુયાન સૌથી નરમ રહ્યો છે અને 2023 પછીના તેના સૌથી નીચલા સ્તરે આવી ડોલર સામે 7.3 થયો છે. ફાયનેન્શ્યલ ટાઈમ્સ મુજબ પીપલ્સ બેન્ક ઓફ ચાઈના વર્ષ 2025 માં વ્યાજદરોમાં હજુ ઘટાડો કરે તેમ છે. જો ચીનની મધ્યસ્થ બેન્કે આ પગલું લીધું તો ચાઈનાની કરન્સી 2007 પછીના તેના સૌથી નીચલા સ્તરો સુધી પહોંચી શકે તેમ છે. અન્ય વૈશ્વિક સમાચાર સંસ્થાઓ પણ અહેવાલ આપી ચૂકી છે કે ચીનના સત્તામંડળોએ 3 ટ્રિલિયન યુઆનની કિમતના સ્પેશ્યલ ટ્રેઝરી બોન્ડ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે. રિયલ એસ્ટેટમાં ફૂગવા જેવી સ્થિતિ, સ્થાનિક સરકારોનું અધધ જાહેર દેવું અને નબળી પડી રહેલ માંગને કારણે દુનિયાનું બીજું સૌથી મોટું અર્થતંત્ર એવું ચીન અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનના અર્થતંત્રનું સૌથી સબળ પાસું તેની ધરખમ નિકાસો રહ્યું છે. પરંતુ હવે તેમાં પણ યુ.એસ. દ્વારા ઊંચી આયાત ડ્યુટી લાદવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
બીજી તરફ ડોલર ઇંડેક્સ તેના 2 વર્ષના સર્વોચ્ચ સ્તરે, 109 પહોંચ્યો છે. વિતેલા અઠવાડિયે યુ.એસ. જોબ ડેટા અર્થતંત્રમાં સુધારો દર્શાવે છે, જેના કારણે યુ.એસ. ફેડરલ રિઝર્વ પાસે વ્યાજદરો હળવા કરવા માટે હવે જાણે કે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહેશે.
ભારતના બજારો તરફ પરત આવીએ તો, શુક્રવારે FIIએ બજારમાં કેશ સેગમેન્ટમાં રૂ.4227 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે, જ્યારે DIIએ રૂ.821 કરોડની ચોખ્ખી લેવાલી કરી છે. તેની 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે કોંસોલિડેટ થયા પછી નિફ્ટી સ્પોટ 400 પોઈન્ટ વધી 24226 સુધી વધવામાં સફળ રહ્યું હતું. સારા એવા સમય પછી આવી બજારમાં આવી તેજીમય રેલી જોવા મળી, જે હકીકતે એક સારું લક્ષણ છે. પરંતુ, સો મણનો સવાલ એ છે કે, શું આ ‘ડેડ-કેટ બાઉન્સ’ હતો કે કેમ? આ બાબતે એટલું જ કહી શકાય કે, આવું અનુમાન લગાવવું અત્યારે ઘણું વહેલું છે. નિફ્ટી એક બોટમ બનાવવા તરફ આગળ ધપી રહી હતી. પરંતુ 24200 આસપાસથી જે રીતે વેચવાલી પાછી હાવી થઈ છે, તે સૂચવે છે કે, ઉપરમાં 24200 પર એક સારો એવો અવરોધ બની રહ્યો છે અને જ્યાંથી નિફ્ટી ફરી પાછી 24000 ની નીચે ગોથું લગાવે છે.
શુક્રવારે બજારમાં સારું એવું કોલ રાઇટિંગ પણ થયું છે. 24200 ની સ્ટ્રાઈક પર 75 લાખનું નવું ઓપન ઇન્ટરેસ્ટ સર્જાયું છે. જ્યારે 23800/23700 સ્ટ્રાઇક્સ પર 76 લાખનું નવું ઓપન ઇન્ટરેસ્ટ સર્જાયું છે. નિફ્ટી આંક હાર બોટમ અને હાયર ટોપ બનાવતુ આગળ ધપતું હતું, જે સારી તેજીની નિશાની હતી. પરંતુ, શુક્રવારે 24200 થી જે ઘટાડો આવ્યો, તે સૂચવે છે કે હજુ પણ બજાર થોડુક કોંસોલિડેટ થાય.
નિષ્કર્ષ: ટ્રેડર્સે જ્યાંથી તેજી તરફી પોઝિશનો બનતી જોવા મળે તે 23900 ના લેવલ પર નજર રાખવાની રહે. 23400/ 23200 ની સ્ટોપલોસ રેન્જ સાથે 23700 ના ટેકા પાસે તેજીની પોઝિશનો બનતી જોવાય, જેમાં ઉપર 24300 આસપાસ અવરોધ યથાવત છે. 24000 ની નીચે શોર્ટ સેલિંગ ટાળવું અને 23900-23700 ના સપોર્ટ ઝોનમાં તેજીની પોઝિશનો 23200 ના સ્ટોપલોસ થી બનાવવાની બને છે. આમ, સરવાળે જે ચિત્ર ઉપસે છે, તે મુજબ ઉપર 24200-24300 નો અવરોધ છે, જ્યારે નીચેમાં 23400-23200 ની રેન્જનો સારો એવો ટેકો છે. ટેકનિકલ પેરમીટર્સ પર જોઈએ તો નિફ્ટી અને બેન્કનિફ્ટી તેની 200 દિવસની ચલિત સરેરાશની ઉપર ટકેલાં હોઈ, હજુ પણ બજાર તેજી તરફી માનવનું રહે. છતાય, જ્યાં સુધી નિફ્ટી સ્પોટ 24200 ની ઉપરનો બંધ ન આપે ત્યાં સુધી ઉપરમાં નફો ગાંઠે કરતાં રહેવું હિતાવહ છે. જ્યારે મંદીના વેપારમાં જ્યાં સુધી 23400-200 વાળી ટેકાની રેન્જ તૂટે નહીં, ત્યાં સુધી ઘટાડે નફો બૂક કરતાં રહેવું ઠીક રહે. બને ત્યાં સુધી, જે તે ટેકા કે અવરોધના લેવલની નિકટમ વેપાર ગોઠવવો હિતાવહ રહે અને ગમે તે ભાવોએ પોઝિશનો બનાવવાનું ટાળવું રહ્યું.
આ સપ્તાહે ધ્યાને રાખવા લાયક સેક્ટર્સ:
નિફ્ટી ઓટો કે જે હાલ 23961 આસપાસ છે, તેમાં 24195 ઉપરની ચાલ 24500-24800 સુધીની તેજી બતાવી શકે, જ્યારે 23700-23300 ની રેન્જ આ ઇંડેક્સ માટે મહત્વનો ટેકો છે.
નિફ્ટી FMCG કે જે હાલ 57850 છે, તેમાં 57250 નો ટેકો છે અને ઉપરમાં 58500 સુધીની તેજી જોવાઈ શકે છે.
નિફ્ટી ફાર્મા કે જે 23244 છે, તેમાં નીચે 23000 – 22800 નો મજબૂત ટેકો છે.
જ્યારે કોમોડિટી વિષે ગયા અઠવાડિયે આ કૉલમમાં ક્રૂડ ઓઇલમાં તેજીની પોઝિશન બનાવવાની ભલામણ કરી હતી અને અપેક્ષિત ટાર્ગેટ 6300 હાસલ થઈ ગયું છે. વીતેલ સપ્તાહે ક્રૂડ વાયદામાં 6355 નો હાઇ બન્યો છે.
ધ્યાને રાખવા જેવાં શેર્સ:
અશોક લેલન: 231 ના ઘટાડે અથવા 238 પાર થયા પછી 229/226 ના સ્ટોપલોસ થી લેણ કરી શકાય.
મેરિકો: 660 આસપાસ 630 ના સ્ટોપલોસથી 685/710 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
મારુતિ: 11907 આસપાસ 11500 ના સ્ટોપલોસથી 12400-12900 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
ITC: 484 આસપાસ 477 ના સ્ટોપલોસથી 500 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
ઈપકા લેબ: 1736 આસપાસ 1660ના સ્ટોપલોસથી 1850-1950 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
HUL: 2403 આસપાસ 2350 ના સ્ટોપલોસથી 2530-2540 ના ટાર્ગેટ માટે લેણ કરી શકાય.
કોમોડિટી માર્કેટ:
નેચરલ ગેસમાં આપણું અગાઉનું 342 નું ટાર્ગેટ પૂરું થઈ ગયું છે. વિતેલા અઠવાડિયે સોમવારે નેચરલ ગેસમાં ધરખમ ચાલ જોવાઈ અને દિવસ દરમ્યાન 23 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ તેમાં સપાટાબંધ ઘટાડો નોંધાયો છે. 355 નો હાઇ બનાવ્યા પછી નેચરલ ગેસ વાયદો 287 સુધી ઘટ્યો છે. આમ, તો જો કે 26 જાન્યુઆરીની એક્સપાયરીવાળા વાયદામાં તમામ ઈંડિકેટર્સ નબળાં બની ગયા હોવા છતાય એક તેજીનો સોદો લેવાનું બને છે અને 287 આસપાસ 280 ના ચુસ્ત સ્ટોપલોસથી તેજીની પોઝિશન લઈ શકાય. આ વાયદો આ અઠવાડિયે ફરી પાછો 318-320 સ્પર્શ કરવા જઇ શકે.
સોનું હાલ 76000 – 77500 ની રેંજમાં કોંસોલિડેટ થતું જોવાયું છે. 77000 આસપાસ 76750 ના સ્ટોપલોસથી તેજીની પોઝિશન બનાવી શકાય.
ચાંદી તેના 86500 ના ટેકા પાસે મચક નથી આપતી અને એવું જણાય છે કે આ ધાતુમાં બોટમ રચાઇ ગયું છે. 89000 આસપાસ, 87300 ના સ્ટોપલોસથી 91000 – 93000 ના ટાર્ગેટ માટે ચાંદીમાં લેણની પોઝિશન બનાવી શકાય.
ક્રૂડઓઇલ 6350 ઉપર સાપ્તાહિક બંધ રહ્યું છે. તેથી કહી શકાય કે તે બ્રેક-આઉટ આપવાની તૈયારીમાં છે. જો સોમવારે તે 6350 ઉપર ટકી ગયું, તો તેમાં 6500 સુધીની તેજી જોવા મળે.