બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગના કારણે 17 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીર ક્ષતવિક્ષત થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, 17 જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.