સોના-ચાંદીમાં અનુક્રમે 6 અને 9 ટકાની સાપ્તાહિક તેજી, ડોલર ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો
આગલા અઠવાડિયે 3038 ડોલર બંધ રહેલ યુ.એસ. સ્પોટ ગોલ્ડ શુક્રવારે ઓલટાઇમ-હાઇ 3237 ડોલર બંધ રહ્યું. આમ, વિતેલા અઠવાડિયે યુ.એસ. ગોલ્ડમાં સાડા છ ટકાનો સુધારો થયો. યુ.એસ. ટ્રેઝરી બોન્ડમાં ચીન દ્વારા થયેલ તથાકથીત વેચવાલીને પગલે યુ.એસ. ડોલરમાં ઘટાડો થયો. ડોલરની અન્ય કરન્સી સામેની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ ગયા સપ્તાહે 102.89 થી ત્રણ ટકા ઘટીને 99.78 રહ્યો. યુરો સાડા ત્રણ ટકા અને યેન સવા ટકા સુધરતાં ડોલરમાં ઘટાડો જોવાયો હતો. ડોલરના ઘટાડા ઉપરાંત સોનામાં નવેસરથી લેવાલી આવતી જોવા મળી અને તેને પગલે સપથિક ધોરણે છ ટકાથી વધુનો ઉછાળો જોવાયો. MCX પર 5 જૂનની એક્સપાયરીવાળો વાયદો સાડા છ ટકા સુધરી 93887 અને 5 મે એક્સપાયરીવાળો મિનિ વાયદો 93400 બંધ રહ્યો. ટેરિફને પગલે ઔદ્યોગિક વપરાશની ધાતુઓમાં આગલા અઠવાડિયે કરેક્શન જોવા મળ્યું હતું ત્યારે ચાંદી અને કોપર તેર ટકા ઘટ્યા હતા. તેની સામે ગત અઠવાડિયે યુ.એસ. કોપર ચાર્ટ ટકા અને MCX 30 એપ્રિલ એક્સપાયરી વાયદો સાડા ચાર ટકા સુધર્યા. યુ.એસ. સિલ્વરમાં લેવાલી આવતાં સવા નવ ટકાના સાપ્તાહિક સુધારા સાથે 32.26 ડોલર બંધ રહી. જ્યારે MCX 05 મે એસ્ક્પાયરી વાયદો 94300 અને 30 એપ્રિલ એક્સપાયરી મિનિ વાયદો 94302 બંધ રહ્યા.
વોલેટિલિટી ઇન્ડેક્સ નિફ્ટી VIX માં 43% નો ઉછાળો
વોલેટિલિટી દર્શાવતો નિફ્ટી VIX જે આગલા સપ્તાહે 13.76 હતો તે વિતેલા અઠવાડિયે 22.79 સુધી ઉછળી 20.11 બંધ રહ્યો છે. વોલેટિલિટી વધતાં કોલ-પુટના પ્રીમિયમમાં વધારો થાય છે. તે બજારમાં અનિશ્ચિતતાનું પ્રમાણ દર્શાવે છે.
ઇન્ડેક્સિસમાં હાઇ-લો વચ્ચે 5 થી 10 ટકાના તફાવત, બંધ ફ્લેટ; રિયલ્ટી, મેટલ, આઈ.ટી. ઘટવામાં અગ્રેસર, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, FMCG, PSE વધવામાં અગ્રેસર
બજારની રોલર કોસ્ટર રાઈડમાં રિયલ્ટી, મેટલ અને આઈ.ટી. શેર્સ સરવાળે ઘટાડે બંધ રહ્યા. નિફ્ટી રિયલ્ટી ચાર ટકા, મેટલ ત્રણ ટકા અને આઈ.ટી. સવા બે ટકાના ઘટાડે બંધ રહ્યા. બીજી તરફ કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ પોણા ચાર ટકા, FMCG સાડા ત્રણ ટકા અને કેન્દ્રિય જાહેર સાહસોનો ઇન્ડેક્સ CPSE અઢી ટકાના સુધારે બંધ રહ્યા. FMCG શેર્સમાં લાંબા સમય પછી સ્થિર લેવાલી આવતી જોવા મળી રહી છે. નેસ્લે, હિંદુસ્તાન યુનિલિવર જેવાં અગ્રણી શેર્સમાં લેવાલી જોવાઈ છે.

ગત સપ્તાહે બજારે ‘રોલર-કોસ્ટર’ની રાઈડ કરાવી. નિફ્ટી આંક આગલા શુક્રવારે જે 22904 બંધ રહ્યો હતો, તે સોમવારે પાંચ ટકાના ‘ગેપ-ડાઉન’ પર સીધો 21758 ખૂલ્યો. ત્યારે રોકાણકારોના જીવ રીતસર તાળવે ચોંટયા હતા. અચ્છે સે અચ્છા ટ્રેડર્સને તેમાં લોસ બુક કરવાનો આવ્યો. ઘણાં લોકોના છેલ્લા ચાર-પાંચ મહિનાના નફાના ઓળીયા સાફ થઈ ગયા. મ્યુચ્યુઅલ ફંડ્સ થકી રોકાણ કરનારા નાના રોકાણકારોને તે સમયે પોતાના છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન ધોવાઈ જતાં દેખાયા હતા. પરંતુ, ત્યારબાદ બજારે ત્યાંથી સુધારો દરશવવાનું શરૂ કર્યું. સોમવારે જ નીચા ભાવથી દોઢ ટકાથી વધુ સુધરી નિફ્ટી આંક 22161 બંધ રહ્યો. ત્યારબાદ મંગળવારે પોણા બે ટકાના સુધારા બાદ બુધવારે ફરી અડધો ટકો ઘટ્યો. બુધવારની રાત્રિએ એક અણધારી ઘટના બની. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું કે “હાલ બજારો સુંદર (બ્યુટીફુલ) છે અને અહી લેણ કરવું જોઈએ.” પછી ચાર કલાક પછી ટ્રુથ સોસયલ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે જાહેર કર્યું કે તેઓ ચીન સિવાયના દેશો પર લાદવામાં આવેલ ટેરિફ 90 દિવસ માટે મોકૂફ રાખે છે, જો કે 10% નું બેઝ ટેરિફ જે તેમણે તમામ આયાતો પર લાદયું છે તે યથાવત રહેશે. આ સમાચારને પગલે બજારોમાં તોફાની ઉછાળા આવ્યા. ગુરુવારના રોજ ભારતીય શેરબજાર મહાવીર જન્મ વાચન દિન નિમિત્તે બંધ હતું. પરંતુ ગિફ્ટ નિફ્ટી 700 પોઈન્ટનો ઉછાળો દર્શાવતી હતી. પરંતુ, ગુરુવારે જ ભારતીય સમય મુજબ મોડી સાંજ સુધીમાં સમાચારો આવવા માંડ્યા કે યુ.એસ.ના વિવિધ સેનેટર્સ, કોંગ્રેસમેન ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઇનસાઇડર ટ્રેડિંગ’ આચર્યું હોવાના આરોપ લગાવી રહ્યા છે. તેને પગલે વૈશ્વિક બજારોમાં જે મસમોટા ઉછાળા આવ્યા હતા તેમાં થોડાં કરેક્શન જોવાયા. આ દરમ્યાન ભારતીય બજાર બંધ હતું. શુક્રવારે આપણું બજાર ‘ગેપ-અપ’ ખૂલ્યું અને નિફ્ટી આંક આગલા બંધ કરતાં ત્રણસો પોઈન્ટ ઉપર ખૂલ્યો. ત્યારબાદ દિવસ દરમ્યાન ધીમો સુધારો જળવાયેલો રહ્યો અને લગભગ બે ટકાના સુધારા સાથે 22828 બંધ રહ્યો.
આઈ.ટી. શેર્સ બન્યા બે-ધારી કરવત:
આગલા અઠવાડિયે નેસ્ડેક 100 અઢાર ટકાથી વધુ તૂટ્યો હતો. 19300 વાળો નેસ્ડેક 15600 આવ્યો હતો. લગભગ પાંચમા ભાગની માર્કેટ કેપનો એક જ અઠવાડિયામાં સફાયો થયો હતો. તેની સામે વીતેલાં અઠવાડિયે વીસ ટકાનો ઉછાળો જોવાયો અને ફરી પાછો નેસ્ડેક 18900 પર આવી ગયો.
ચીન દ્વારા થઈ રહેલ યુ.એસ. ટ્રેઝરી બોન્ડમાં વેચવાલી
ટ્રેડ વોરને પગલે ચીને યુ.એસ.ના ટ્રેઝરી બોન્ડ્સમાં જબ્બર વેચવાલી કરી હતી. યુ.એસ.ના કુલ જેટલાં ટ્રેઝરી બોન્ડ્સ વિદેશોમાં છે તેમાનાં આઠ ટકાથી વધુ ચીન પાસે છે. ચીન અન્ય કેટલાક દેશો સાથે સાંઠગાંઠ કરી, પોતાના પર લાગેલ ટેરિફ અને નિકાસ નિયંત્રણોમાં છીંડા પાડતું રહ્યું છે. ચીનના ઉત્પાદનો ‘મેડ ઇન મલેશિયા’ કે ‘મેડ ઇન ઇંડોનેશિયા’, કમ્બોડિયા, બાંગલાદેશ ના માર્કા સાથે દુનિયાભરમાં ઠલવાતા રહ્યા છે. આથી ચીન આ દેશો મારફત પણ યુ.એસ. બોન્ડ્સનું હોલ્ડિંગ ધરાવે છે. તેથી ચીનના વાસ્તવિક હોલ્ડિંગનો અંદાજ લગાવવો સહુકોઈ માટે મુશ્કેલ છે. વર્ષ 2021 સુધી યુ.એસ. ટ્રેઝરી બોન્ડમાં ચીને ધરખમ લેવાલી કર્યે રાખી હતી. હવે જ્યારે યુ.એસ. તેની સામે ટેરિફ લાદી ટ્રેડ-વોર શરૂ કરી રહ્યું છે, ત્યારે ‘લાગ જોઈને’ ચીને બોન્ડમાં વેચવાલી શરૂ કરી છે. ચીન પછી યુ.એસ. ટ્રેઝરીનો સહુથી મોટો ખરીદદાર છે જાપાન. પરંતુ, હાલ જાપાન પોતાની કરન્સી સુધારવા તરફ ધ્યાન આપી રહ્યો છે. પરંતુ, યુ.એસ. ડોલર આપોઆપ ઘટી જતાં તેની ચિંતા વધી છે. પરિણામે હાલ જાપાન યુ.એસ. બોન્ડમાં લેવાલી કરવાથી આળગો રહ્યો છે. તેથી ચીને બોન્ડમાં પ્રેશર ઊભું કર્યું હતું. કહેવાય છે કે ચીનના આ પગલાં એ જ ટ્રમ્પને લલચાવી દીધા અને ટ્રમ્પ બોન્ડ માર્કેટમાં ખરીદદારો લાવવા માટે થઈને ટેરિફ મોકૂફ રાખવાની જાહેરાત કરવા આવ્યા.

‘ટ્રેડ-વોર’માં કોણ જીતી રહ્યું છે?
ટ્રમ્પના ફાર્મ હાઉસ ‘મારા લાગો’માં થતી મહેફિલોમાં તેમની સાથે રહેનાર બ્યુરોકરેટ્સ અને ઉદ્યોગજગતની હસ્તીઓ પાસે અગ્રિમ જાણકારી આવતી હોવાના આરોપ લાગી રહ્યા છે. કયા દેશ પર શું ‘ટેરિફ’ લાદવામાં આવી રહ્યું છે અને કયા ઉત્પાદન-આયાત પર કેવી અસર થશે, તેનાં આધારે તેઓ પોતાની રણનીતિ બનાવી રહ્યા હોવાની ચર્ચા છે. બજારની હાલની રોલર કોસ્ટર રાઈડમાં યુ.એસ.ના બિલિયોનર્સે ધરખમ નફો કમાયો હોવાના આરોપ લાગી રહ્યા છે. તેની સામે રિટાયરમેન્ટના આરે ઉભેલા અમેરિકનો પેન્શન ફંડ્સમાંના પોતાના રોકાણો સાફ થતાં જોઈ રહ્યા છે. કાંઈક પેન્શનર્સ પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે કે, “અમને ના શીખવાડો કે બજારમાં વધારા ઘટાડા આવતાં રહે અને ચિંતા નહીં કરવાની!” ગયા અઠવાડિયે યુ.એસ.ના વિવિધ શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં ભારે દેખાવો થયા. જેમણે ટ્રમ્પને વોટ આપ્યો હતો એવાં સમર્થકો પણ ટ્રમ્પ અને તેમનાં ઉદ્યોગપતિ મિત્રોના વિરોધમાં સડકો પર ઉતર્યા. બીજી તરફ, ટ્રમ્પ પોતાનું જક્કી વલણ જાળવી રહ્યા છે અને નમતું જોખવા તૈયાર નથી. ટ્રમ્પ પોતાને દેશના અર્થશાસ્ત્રીઓથી પણ વધુ ‘સ્માર્ટ’ માને છે. તેમને લાગે છે કે તેઓ જે કરી રહ્યા છે તે કરવાં ખૂબ મોટી જિગર જોઈએ અને તેઓ ‘એકમાત્ર જીગરવાળા રાષ્ટ્રપતિ’ છે.
‘ટેરિફ મોકૂફી’વાળા નિવેદન પહેલાં ટ્રમ્પે મંચ પરથી પત્રકારોને સંબોધતાં જણાવ્યુ હતું કે, “કાંઈક દેશોના વડાઓ મારી *** ચૂમી રહ્યા છે. મને કરગરે છે કે હું તમે કહેશો એમ કરીશ, પ્લીસ અમારા પર ટેરિફ ના લાદો.”

ટ્રમ્પની રણનીતિ:
યુ.એસ. ડોલર વૈશ્વિક કરન્સી હોઈ ઘણાં બધા દેશો પોતાના ‘અનામત ભંડોળ’માં મોટાપાયે ડોલર રાખી મૂકે છે. તેને પગલે ડોલરની માંગ સતત જળવાયેલી રહે છે અને ડોલર અન્ય કરન્સી સામે ‘મજબૂત’ રહે છે. ડોલર અન્ય કરન્સી સામે મજબૂત રહેતાં અમેરિકન ઉત્પાદકો પોતાનો માલ અન્ય દેશોમાં વેચવાં કરતાં યુ.એસ.માં જ વેચે છે અને તેથી નિકાસો ઓછી રહે છે. તેને પગલે યુ.એસ.ને સતત નવાં ડોલર ઇશ્યૂ કરવા પડે છે અને આવાં ડોલર ઇશ્યૂ કરવા બોન્ડ ઇશ્યૂ કરવા પડે છે. તેથી યુ.એસ.ના જાહેર દેવાંમાં સતત વધારો થતો રહે છે. આવી જ રીતે યુ.એસ.નું વિદેશી દેવું હાલ 33 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું છે. તેને પગલે યુ.એસ. પોતાના સંરક્ષણ બજેટથી વધુ રકમ વ્યાજ પાછળ ખર્ચે છે. આ ચક્ર તોડવા માટે કેટલાક આક્રમક પગલાં લેવા.
(1) ડોલરને નરમ રાખવો, જેથી અન્ય દેશો તેનું ભંડારણ ન કરે.
(2) અન્ય દેશો ડોલર ભેગાં ન કરે પણ વિદેશ વ્યાપાર તો ‘ડોલર’માં જ થવો જોઈએ. તે માટે પોતાની રક્ષાશક્તિને કામે લગાડવી અને સહુને યુ.એસ.ની તાકાતનો ભય બતાવવો.
(3) સંરક્ષણ ઉપકરણોના વેપારમાં પ્રભુત્વ જાળવી રાખવું અને ઉપકરણોમાં ‘સેલ્ફ કિલ બટન’ રાખવું. તેથી જો ખરીદદાર દેશ યુ.એસ.ની વાત ન માને તો ટ્રમ્પ પેલું સેલ્ફ કિલ બટન દબાવીને જે તે દેશે ખરીદેલ હથિયાર ત્યાં જ ‘બ્લાસ્ટ’ કરી શકે.
(4) યુ.એસ.માં આવતાં માલ પર ટેરિફ લાદી તેમાંથી જ યુ.એસ.નો સઘળો ખર્ચ કાઢવો અને અમેરિકનોને ‘કર-મુક્ત’ જીવન આપવું.
(5) ‘વિશ્વ કલ્યાણ’ પાછળનો નાહક ખર્ચ બંધ કરવો અને ગ્રીન એનર્જી, ગ્લોબલ વોર્મિંગ વિગેરે બાબતે કોઈ ચિંતા ન કરવી.
ચીનનો પ્રતિભાવ:
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પહેલી ટર્મમાં ચીન પર ટેરિફ લાદયું હતું. ત્યારથી ચીને પોતાનાં ઉત્પાદનોના ‘ઉદગમ સ્થાન’ (ડેસ્ટિનેસન ઓફ ઓરિજિન) સાથે છેડછાડ કરવા માંડી હતી. તેણે ‘પ્રોક્ષી નિકાસ’ (પરોક્ષ નિકાસ)ની વ્યુહરચના અપનાવી. ઉદાહરણ તરીકે, આઇફોનના લગભગ તમામ સ્પેરપાર્ટ્સ ચીન બનાવે અને તે વિયેતનામમાં મોકલી આપે. વિયેતનામ પોતાનાં ત્યાં આ બધાં ભાગો એસેમ્બલ કરે અને ‘મેડ ઇન વિયેટનામ’નું સ્ટિકર લગાવી તે ફોન યુ.એસ.માં નિકાસ કરે. આ વેપારમાં દેખીતી રીતે યુ.એસ.માં નિકાસ વિયેટનામ કરી રહ્યું હોય, પણ તેનું આખરી લાભાર્થી ચીન હોય.
ગત સપ્ટેમ્બર માસમાં જ તે સમયે આવી રહેલ ચૂંટણીમાં ટ્રમ્પની જીતવાની આશા પ્રબળ બનતાં જ ચીને ટ્રેડ-વોરની તૈયારીઓ આરંભી દીધી હતી. હાલ જે કાઇ થઈ રહ્યું છે, તે માટે ચીન અગાઉથી સજ્જ થઈને બેઠું છે. યુ.એસ.નું વૈશ્વિક પ્રભુત્વ તેનો હથિયારોનો કારોબાર અને ટેક્નોલોજીને આભારી છે. આ બંને ક્ષેત્રો માટે યુ.એસ.ને દુર્લભ ધાતુઓની જરૂરિયાત રહે છે. મોબાઈલ ફોન, LED સ્ક્રીન થી લઈને રડાર, મિસાઇલ, બુલેટ, સેમી કંડક્ટર્સ બનાવવા વપરાતી ‘રેર અર્થ મિનરલ્સ’ કહેવાતી ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમોની, ગ્રેફાઇટ જેવાં ખનીજો યુ.એસ.માં નિકાસ કરવા સામે ચીને પ્રતિબંધ લાદયો છે. હાલ આ ખનીજોના વૈશ્વિક ઉત્પાદનમાં ચીન સિત્તેર ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ દુર્લભ ખનીજોની સંપૂર્ણ ગ્લોબલ સપ્લાય ચેન ચીનના હાથમાં છે. યુ.એસ.નું નાક દબાવવા ચીને આ ખનીજોની નિકાસ બંધ કરી.
બીજી તરફ ટ્રમ્પની ડોલર ‘નબળો’ કરવાની રણનીતિ સામે ચીન પોતાની કરન્સી ઓર નબળી કરી રહ્યું છે. તેથી નબળાં ડોલર છતાં અમેરિકા જે ‘લાભ’ થવો જોઈએ તે થાય નહિ અને તેને ડોલર ઓર નબળો કરવાની ફરજ પડે. આ ઉપરાંત, યુ.એસ.ની માર્કેટ કેપમાં ત્રીજા ભાગથી વધુ હિસ્સો સાત મોટી આઈ.ટી. કંપનીઓનો છે. ચીને છેલ્લા સાત વર્ષથી યુ.એસ.ની આઈ.ટી. કંપનીઓમાં રોકાણ કરવાનું બંધ કર્યું છે. અગાઉ કરેલ રોકાણ હાલના ભાવે પણ સારા એવા નફામાં છે. તેથી આઈ.ટી. શેર્સમાં તબક્કાવાર ડંપિંગ કરવામાં આવે તો યુ.એસ.ની માર્કેટ કેપ તૂટે. તે જ સમયે યુ.એસ. ટ્રેઝરીમાં વેચવાલી કરવી. તેથી બજારમાં ‘ગભરાટ’ ફેલાય. જ્યાં આવો ગભરાટ તેજ બને કે તુરંત એકસામટી ખરીદી કરી બેસી જવું અને ફરી ‘હેમરિંગ’ કરવાની રાહ જોવી.
આ ઉપરાંત ચીન યુ.એસ. અને તેનાં રોકાણકારોને ઓચિંતા આંચકા આપવાંની રણનીતિ અપનાવી રહ્યું છે. રમકડાં બનાવતી કંપની રમકડાંના હેલિકોપ્ટરમાંથી ડ્રોન બનાવવા માંડી, જે ડ્રોનને હથિયારથી સજ્જ કરવામાં આવે તો દુનિયાની શ્રેષ્ઠ તાલિમબદ્ધ સેનાને ભારે પડે. ચીપ બનાવતી એન-વિડિયા જે ચીપ 100 ડોલરમાં બનાવે તે 1 ડોલરમાં બનાવી બતાવી. આમ, સંરક્ષણ અને ટેક્નોલોજી એમ બંને ક્ષેત્રે ઓચિંતા આધુનિક અને નવીન સંશોધનો રજૂ કરી યુ.એસ.ના પ્રભુત્વને પડકારવું.

1982 થી 1987 સુધી ચીનનું સુકાન સાંભળનાર ડેંગ જિયાઓપિંગ
“ક્યારેય પોતાની તાકાત પ્રદર્શન નહીં કરવું, પણ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.”