
વોશિંગ્ટન : ગત બુધવારે આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઈકલ માર્ટિને યુ.એસ.ની મુલાકાત લીધી. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યાલય ‘ઓવલ ઓફિસ’માં પ્રધાનમંત્રી માર્ટિન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને સંબોધ્યા હતા. આ પ્રેસ-વાર્તા દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે આયર્લેન્ડની નીતિઓ અંગે પ્રધાનમંત્રી માઈકલ માર્ટિનને રીતસર તતડાવ્યા હતા. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે આયર્લેન્ડ સતત યુ.એસ.નો ગેરલાભ ઉઠાવતું રહ્યું છે. સામે માઈકલ માર્ટિને જણાવ્યુ હતું કે, ટ્રમ્પ અન્ય પાસાંઓની અવગણના કરી રહ્યા છે અને આયર્લેન્ડ બોઈંગ વિમાનો જેવાં યુ.એસ.ના અત્યંત મોંઘાં ઉત્પાદનોનો મોટો ખરીદદાર હોવાનું યાદ અપાવ્યું હતું.
ટ્રમ્પની ડંફાશો:
મારા પહેલાંના રાષ્ટ્રપતિઓ મૂર્ખ હતા.
આયર્લેન્ડ અન્ય યુરોપીયન દેશોની જેમ સતત યુ.એસ.નો ગેરલાભ ઉઠાવતું રહ્યું છે.
તમે અમારાં ત્યાંથી બધી ફાર્મા કંપનીઓને લલચાવી-ફોસલાવી તમારા દેશમાં લઈ ગયા અને એ જ ફાર્મા કંપનીઓ યુ.એસ.માં દવાઓની નિકાસ કરે છે.
તમે અમારાં માલ પર આયાત ડ્યૂટી લાદો છો, તો અમે પણ સામે 100% – 200% ડ્યૂટી લાદી શકીએ છીએ.
ટ્રમ્પ કો કોમેડિયનો સે ગુસ્સા ક્યોં આતા હૈ?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદાયમીર ઝેલેન્સકી રાજનીતિમાં આવ્યાં પહેલાં એક કોમેડિયન હતાં. તેમની છેલ્લી યુ.એસ. મુલાકાત વખતે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમની અને યુ.એસ.ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમજ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે રીતસર બોલાચાલી થઈ હતી. ટ્રમ્પે ઝેલેન્સકીના ચાળા પાડતા હોય તેવા અંદાજમાં કહ્યું, “આઈ ડોન્ટ વોન્ટ સીઝ ફાયર.. આઈ ડોન્ટ વોન્ટ ધીઝ ..” તેમણે ઝેલેન્સકીને ‘એક મધ્યમ દરજ્જાના કોમેડિયન’ કહ્યા હતાં.
આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઈકલ માર્ટિન સાથેની પ્રેસવાર્તા દરમ્યાન એક પત્રકારે સ્ટેન્ડ અપ કોમેડિયન રોઝી ઓ ડોનેલ પર પ્રશ્ન પૂછ્યો હતો. નોંધનીય છે કે પચીસ વર્ષથી વધુ સમય સ્ટેન્ડ અપ કોમેડિયન, ટોક શો વિગેરેથી પ્રખ્યાત બનેલ રોઝી ઓ ડોનેલ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની નીતિઓની આલોચના કરતાં રહ્યા હતાં અને છેલ્લે જાન્યુઆરીમાં તેઓ આયર્લેન્ડ ચાલ્યા ગયા હતાં. સુશ્રી ઓ ડોનેલે તેમની સોશ્યલ મીડિયા પોસ્ટમાં યુ.એસ.ના લોકોને સંબોધીને જણાવ્યુ હતું કે, “હું એટલું જ કહી શકું કે “તમારી બુદ્ધિગમ્યતાને સાચવી રાખો; જેટલું બની શકે તેટલું તમારી બુદ્ધિને સાચવી રાખો અને, જો શક્ય હોય તો, ધાંધલ-ધમાલના પ્રવાહમાં તણાઇ જવાથી બચો, પરંતુ, મને ખબર છે કે જ્યારે તમે એવા પ્રવાહની મધ્યે હોવ ત્યારે તે લગભગ અશક્ય છે.” રોઝી ઓ ડોનેલ હાલ યુ.એસ.ના લોકોની ટ્રમ્પ પ્રત્યે ઘેલછા બાબત આલોચના કરતાં રહે છે.