નવી દીલ્હી (PTI): છેલ્લા ચાર વર્ષમાં ભારતની ટોચની 100 કંપનીઓના મેનેજમેંટ બોર્ડમાં મહિલાઓની ભૂમિકામાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે પ્રકાશિત થયેલ અહેવાલમાં જણાયું છે કે, માર્ચ 2024 ની સ્થિતિએ ભારતની ટોચની 100 કંપનીઓ માંથી માત્ર પાંચ કંપનીઓ એવી હતી કે જેમાં ઈંડિપેંડેંટ ડિરેક્ટર તરીકે કોઈ મહિલા નહોતા.
સેવા નિવૃત્ત IAS અધિકારી શ્રી એમ. દમોદરન, કે જેઓ સેબીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, તેમની સંસ્થા એક્સેલેન્સ એનેબ્લર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ 100 ટોચની કંપનીઓની વેબસાઇટસ અને તેમના વાર્ષિક અહેવાલના આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તે “ધી ફિફ્થ એન્યુઅલ કોર્પોરેટ ગવર્નન્સ સર્વે” ના શીર્ષકથી પ્રકાશિત કરવાં આવ્યો છે.
31 માર્ચ 2024 ની સ્થિતિએ ચાર જાહેર સાહસ કંપનીઓ અને એક રાષ્ટ્રીયકૃત બેન્કમાં એક પણ મહિલા ઈંડિપેંડેંટ ડાયરેક્ટ તરીકે કંપનીના સંચાલન મંડળમાં નહોતી. નાણાં વર્ષ 2021 માં આવી સ્થિતિ 21 કંપનીઓમાં હતી. તેની સરખામણીએ હાલનો અહેવાલ સ્થિતિમાં સુધારો દર્શાવે છે. પરંતુ સાથે જ કેટલીક કંપનીઓમાં સતત જોવાઈ રહેલ લેપ્સ જોગવાઈઓના કડક અમલીકરણની જરૂર હોવાનું છતું કરે છે.
કંપની અધિનિયમ, 2013 ની કલમ 149 અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેંટ્સ) રેગ્યુલેશન્સ, 2015 નો નિયમન 17(1)(a) સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓ માટે તેમના સંચાલન મંડળમાં સ્વતંત્ર નિયામક તરીકે મહિલા હોવાની અનિવાર્યતા લાધે છે. આ સર્વેમાં તે બાબત પણ રેખાંકિત કરવામાં આવી છે કે, ઉપરોક્ત નિયમનો કે કંપની અધિનિયમમાં એવી કોઈ જોગવાઈ નથી કે જે કંપનીઓ માટે તે પણ ફરજિયાત બનાવે કે એક્ઝિક્યુટિવ તરીકે કંપનીમાં કાર્યરત મહિલાને કંપની સંચાલન મંડળ સુધી પહોંચવાની સુગમ્યતા તૈયાર કરે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, આ જોગવાઈઓનો વાસ્તવિક અમલ ત્યારે જ શક્ય બને જ્યારે મોટી સંખ્યામાં એવી મહિલાઓની ઓળખ કરવામાં આવે કે જે એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત હોય અને તેમને પોતાની કારકિર્દીના ઉત્થાન માટે સુગમ્યતા ઉપલબ્ધ કરવવામાં આવે.
કંપનીઓના ટોચના સંચાલનમાં મહિલાઓની ભાગીદારી નીચી હોવા છતાં તેમાં નોંધપાત્ર સુધારો થયાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે. નેતૃત્વની ભૂમિકા, બોર્ડમાં પ્રતિનિધાન અને સરકારી નિયમનોની આપૂર્તિ સબબ હજુ ઘણાં પડકારો હોવાનું પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. નાણાં વર્ષ 2021 અને 2022 માં જેના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મહિલા હોય તેવી કંપનીઓની સંખ્યા 2 હતી, તે નાણાં વર્ષ 2023 અને 2024 માં વધીને પાંચ થઈ છે. જો કે, આમાંથી માત્ર ત્રણ કંપનીઓ જ એવી હતી કે જેમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મહિલા સળંગ બે વર્ષ રહ્યા હોય.
કંપનીના ચેરમેન તરીકે મહિલા હોય તેવી કંપનીઓ ની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું સર્વેમાં જણાવાયું છે. નાણાંવર્ષ 2021 માં આવી કંપનીઓ બે હતી, તે નાણાંવર્ષ 2024 માં વધીને પાંચ થઈ. જો કે, માત્ર બે કંપનીઓ જ એવી હતી કે જ્યાં ચેરમેન તરીકે મહિલા સળંગ ચાર વર્ષ રહ્યા હોય. છેલ્લા ત્રણ નાણાંવર્ષોમાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે પણ મહિલાઓની ભૂમિકામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
ચાર કંપનીઓમાં ઓડિટ કમિટીના અધ્યક્ષ, 13 કંપનીઓમાં નોમિનેશન એન્ડ રેમ્યુંરેશન કમિટીના અધ્યક્ષ, 15 કંપનીઓમાં સ્ટેકહોલ્ડર્સ રિલેશ્ન્સ કમિટીના અધ્યક્ષ, 10 કંપનીઓમાં રિસ્ક મેનેજમેંટ કમિટીના અધ્યક્ષ અને 15 કંપનીઓમાં કોર્પોરેશ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી કમિટીના અધ્યક્ષ તરીકે મહિલાઓ રહ્યા. તે દર્શાવે છે કે, બહુઆયમી પરિપેક્ષમાં મહિલાઓની ભાગીદારી નીચી રહી હોવા છતાં સંવેદનશીલ ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આ સર્વેમાં જણાવ્યા મુજબ 15 કંપનીઓ એવી રહી છે કે જેમાં સળંગ ચાર વર્ષ મહિલાઓ ચાવીરૂપ સંચાલનની ભૂમિકામાં રહી છે.
ભવિષ્યમાં બોર્ડ મેમ્બર્સ તરીકે મહિલાને તૈયાર કરવા માટે જરૂરી છે કે, હાલ એક્ઝિક્યુટિવ સ્તરે કાર્યરત મહિલાઓને આગામી કૌશલ્યો માટે તૈયાર કરવામાં આવે અને ઉપલા સ્તરોએ મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવે.
આ સર્વેમાં કંપનીમાં ઉચ્ચ કોર્પોરેટ ગવર્નન્સ માટે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટની જવાબદારીઓ અલગ કરી તેનું નિર્વહન અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થવું એ પારદર્શિતા અને જવાબદેહી માટે જરૂરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. કંપનીમાં ચેરમેન સંચાલન મંડળના વડા હોય છે, જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર કંપનીનું કામકાજ સાંભળે છે. આ બંને જવાબદારીઓ એક જ વ્યક્તિ પાસે હોવાના કિસ્સામાં વહીવટી બોર્ડ સમક્ષ મેનેજિંગ ડાયરેક્ટરની જવાબદેહી ઘટી જાય છે અને તમામ સત્તાઓ તેનામાં કેન્દ્રિત રહે છે. આ બાબત અત્યંત મહત્વની હોવા છતાં તેનું ફરજિયાતપણું નથી.
સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ખાનગી માલિકીની 9 કંપનીઓ એવી હતી કે જેમાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અલગ અલગ વ્યક્તિઓ નહોતા. જો કે, 2021 માં આવી કંપનીઓની સંખ્યા 10 હતી જે હાલ ઘટીને 9 થઈ છે તેને એક સારું પાસું માની શકાય.