નવી દીલ્હી(PTI): ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ટેલિકોમ ઓપરેટરોની કુલ આવક સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 10.5 ટકા વધીને રૂ.91,426 કરોડ થઈ હતી.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રિમાસિક કામગીરી સૂચક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, જેના પર સરકાર કરવેરાની ગણતરી કરે છે તે સમાયોજિત કુલ આવક એક વર્ષ અગાઉ રૂ.66,583 કરોડ હતી જે વધીને રૂ.75,310 કરોડ થઈ ગઈ છે.
જુલાઈમાં ખાનગી ટેલિકોમ ઓપરેટરો એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયાએ તેમની મોબાઇલ સેવાઓના દરમાં 11 થી 25 ટકાનો વધારો કર્યો હતો. ટેરિફમાં વધારાને પગલે કંપનીઓએ તેમની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) માં વધારો નોંધાવ્યો હતો, પરંતુ તેઓએ ગ્રાહકો પણ ગુમાવ્યા હતા.
અહેવાલ અનુસાર, મોબાઇલ સેવાઓ માટે માસિક ARPU સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.60 ટકા વધીને રૂ.172.57 થયું હતું, જે જૂન ક્વાર્ટરમાં રૂ.157.45 હતું. એટલે કે જૂન ત્રિમાસિકમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહક દીઠ રૂ.૧૫૭.૪૫ આવકરૂપે મેળવતી હતી તે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધીને રૂ. ૧૭૨.૫૭ થયા હતા.
મોબાઇલ સેવાઓ માટે માસિક ARPUમાં આ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 15.31 ટકાનો વધારો થયો છે. મોબાઇલ ફોન સેવામાં સૌથી વધુ ગ્રાહકો જે સેગમેન્ટમાં છે તે પ્રી-પેઇડ કનેક્શન માટે ARPU સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.171 જ્યારે પોસ્ટ-પેઇડ સેગમેન્ટ માટે રૂ.190.67 રહ્યુ હતું.
જુલાઈ-સપ્ટેમ્બર 2024માં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ત્રિમાસિક ધોરણે 1.68 કરોડ ઘટીને 115.37 કરોડ થઈ હતી, જે જૂન ત્રિમાસિક ગાળામાં 117 કરોડ હતી. ભારતી એરટેલની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે 24.15% વધીને રૂ.24,632.84 કરોડ રહી હતી, જ્યારે રિલાયન્સ જિયોએ 14.19% વધારા સાથે રૂ.27,652.68 કરોડ એ.જી.આર. નોંધાવી હતી.
વોડાફોન આઇડિયાની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) રૂ.7507.65 કરોડથી 4.39 ટકા વધીને રૂ.7836.98 કરોડ રહી. જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ ૧.૫૪ ટકા વધી રૂ.૧૯૯૬.૭૭ કરોડ રહી. સરકારી માલિકીની અને દેવામાં ડૂબેલી મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડની આવક આ ત્રિમાસિક ગાળામાં 9.41 ટકા ઘટીને રૂ.૧૫૨.૮૧ કરોડ થઇ, જે એક વર્ષ અગાઉ રૂ.૧૬૮.૬૯ કરોડ હતી. લાઇસન્સ ફીના રૂપમાં સરકારની વસૂલાત સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ૧૩.૦૯ ટકા વધીને રૂ.૬૦૨૩ કરોડ થઇ, જે ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ.૫૩૨૬ કરોડ હતી. સરકાર દ્વારા વસૂલાયેલ સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જ રૂ.૮૩૬ કરોડ થી વધીને રૂ.૯૪૬ કરોડ થયો કે વાર્ષિક ધોરણે ૧૩.૦૭ ટકાનો વધારો દર્શાવે છે.
ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફ-વધારો અને વેરાઓમાં તર્કસંગતા જરૂરી છેઃ અર્નેસ્ટ એન્ડ યંગ
આ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દેશમાં ટેલિકોમ ઓપરેટરોએ ડિજિટલ માળખાગત સુવિધાઓમાં કરેલા રોકાણનો લાભ મેળવવા માટે કરવેરામાં ઘટાડો અને ટેરિફમાં વધારો કરવો જરૂરી છે. ખાનગી ઓપરેટરોએ આ ક્ષેત્ર માટે 2024માં નેકસ્ટ જનરેશન 5જી સેવાઓના કવરેજને વિસ્તારવા માટે આ વર્ષે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેડિયોવેવ એસેટ્સમાં આશરે રૂ. 70,000 કરોડ રોકાણ કર્યું છે.
જોકે, 18 કરોડ 2જી ગ્રાહકોને જોડાયેલા રાખવા અને તેમને સર્વસમાવેશક વિકાસ માટે 4જી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા એ હાલ મોટો પડકાર છે.
અર્નેસ્ટ એન્ડ યંગ ઇન્ડિયા માર્કેટ્સ એન્ડ ટેલીકોમના શ્રી પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે, “ટેલિકોમ ક્ષેત્રના કરવેરાને વધુ તાર્કિક બનાવવાની જરૂર છે, ભારત કરવેરામાં સૌથી વધુ છે અને હજુ પણ ભારતમાં ટેરીફ સમગ્ર વિશ્વથી ઓછું છે. ટેરિફ માળખામાં નવીનતા લાવી શકાય તેમ છે કારણ કે વધુ વપરાશ ધરાવતા ગ્રાહકો વધુ ચૂકવણી કરી શકે છે અને પ્રવેશ સ્તરના ડેટા વપરાશકર્તાઓ હજુ પણ અગાઉના દરે જ છે.”
તેમણે કહ્યું હતું કે, ભારતમાં હજુ પણ 18 કરોડથી વધુ 2જી ગ્રાહકો છે, જેમણે 2025માં 4જી નેટવર્ક તરફ આગળ વધવાની જરૂર છે.
ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ રોકાણ ડિજિટલ અર્થતંત્રની કરોડરજ્જુ છે જેનાથી સમગ્ર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને ફાયદો થયો છે અને આ ક્ષેત્ર માટે કરવેરાને તર્કસંગત બનાવીને અને ટેરિફમાં વધારો કરીને રોકાણ પર વળતર મેળવવાનો સમય આવી ગયો છે.
ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ વારંવાર વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU) રૂ. 300 સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જુલાઈમાં ટેરિફમાં વધારો થયા પછી વોડાફોન આઇડિયાની ARPU ક્વાર્ટર-દર-ક્વાર્ટર ધોરણે 7.8 ટકા વધીને રૂ.૧૬૬ થઇ હતી, જે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં રૂ.૧૫૪ હતી. ભારતી એરટેલનું ARPU એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં રૂ.૨૧૧ હતું તે વધીને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ.૨૩૩ થયું, જ્યારે જીઓની વપરાશકર્તાદીઠ સરેરાશ આવક રૂ.૧૮૧.૭ થી વધી રૂ.૧૯૫.૧૦ થઇ.
જોકે, જુલાઈમાં ખાનગી ટેલિકોમ ઓપરેટરો દ્વારા ટેરિફ-વધારાનું અવળું પરિણામ પણ આવ્યું હતું અને બે કરોડ જેટલાં વપરાશકારોએ પોતાનું કનેક્શન બંધ કરાવ્યું હતું. ૧૦ થી ૨૬ ટકાના ભાવવધારાને પગલે રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ સંયુક્ત રીતે 2.60 કરોડ ગ્રાહકો ગુમાવ્યા હતા. ભાવ નહિ વધારનાર બી.એસ.એન.એલ.માં કેટલાંક ગ્રાહકો ઉમેરાયા હતા. ખોટમાં ચાલી રહેલ જાહેર સાહસ ભારત સંચાર નિગમ હજુ પણ 3જી સેવા પૂરી પાડે છે અને દેશવ્યાપી 4જી નેટવર્ક શરૂ કરવાનું હજુ પ્રગતિ પર છે.
ભારતી એરટેલ નેટવર્ક પર ગ્રાહકોની વૃદ્ધિએ આ ક્ષેત્ર માટે થોડી આશા પેદા કરી હતી કારણ કે કેટલાક વિશ્લેષકોએ આ વૃદ્ધિ માટે ભારત સંચાર નિગમની સેવા પૂરી પાડવામાં અસમર્થતાને કારણે આ વૃદ્ધિ જોવાઇ હોવાનું જણાવ્યું હતું. ભારતી એરટેલે મહિના દરમિયાન 19.28 લાખ વપરાશકર્તાઓ ઉમેર્યા હતા અને ઓક્ટોબરમાં તેનો સક્રિય ગ્રાહક વર્ગ લગભગ 27.23 લાખ વધ્યો હતો. વોડાફોન આઇડિયાએ 19.77 લાખ ગ્રાહકો ગુમાવ્યા અને તેના સક્રિય ગ્રાહકોની સંખ્યામાં લગભગ 7.23 લાખ વપરાશકર્તાઓનો ઘટાડો થયો. એકંદરે, જ્યાં સુધી મુખ્ય આંકડાઓની વાત છે તેમાં, રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબરમાં ઘટીને 46 કરોડ થઈ ગઈ છે, જે સપ્ટેમ્બરમાં લગભગ 46.37 કરોડ હતી, જોકે તેનો સક્રિય વપરાશકર્તા બેઝ (ટેલિકોમ કંપનીઓ માટે ચાવીરૂપ માપદંડ) મજબૂત થયો છે.
મોર્ગન સ્ટેનલીના અહેવાલ અનુસાર, ભારતી એરટેલે ગ્રામીણ વિસ્તારોમાં મોટો ઉમેરો જોયો હતો જ્યારે ઓક્ટોબરમાં તેણે શહેરી વિસ્તારોમાં ગ્રાહકો ગુમાવ્યા હતા. રિલાયન્સ જીઓએ મહાનગરો અને મોટા ટેલિકોમ સર્કલ્સમાં ગ્રાહકો મેળવ્યા હતા જ્યારે તેણે નાના સર્કલ્સમાં ગ્રાહકો ગુમાવ્યા હતા.
ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશન (DIPA) ના ડિરેક્ટર જનરલ મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર 5જી ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા રૂ. 92,100 કરોડ થી રૂ. 1 લાખ 41 હજાર કરોડનું સંચિત રોકાણ કરવા ઇચ્છુક છે.
ભારતી એરટેલના બીજા ત્રિમાસિકની કામગીરી પર જે.એમ. ફાઇનાન્શિયલના એક અહેવાલ મુજબ, આ ક્ષેત્રમાં એકીકૃત થઇ રહેલ માળખું અને જીઓના આઇ.પી.ઓ.ને ધ્યાને લેતાં 5જીમાં કેપેક્સ વધારવા જીઓ પણ ઊંચી ARPU માટે પ્રયત્નો કરી શકે અને તેનાં પગલે ભારતના મોબાઇલ કોમ્યુનિકેશન બજારમાં ભાવવધારા થતા રહે.