વિતેલા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે ઓટોમોબાઈલ પર 25% ટેરિફ અને વેનેઝુએલા પાસેથી ખનીજતેલ ખરીદતાં દેશોના ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. 2 એપ્રિલના રોજ તેઓ વધુ જાહેરાતો કરવાના છે. તેઓ 2 એપ્રિલને અમેરિકાનો ‘લિબરેશન ડે’ કહી રહ્યા છે.

‘ટેરિફ’ શું છે?
ટેરિફ એટલે આયાત શુલ્ક (આયાત ડ્યૂટી). ઉદાહરણ તરીકે, ભારત બાંગલાદેશમાંથી આવતાં કપાસ પર 5% ડ્યૂટી લાદે, એટલે કે બાંગલાદેશમાંથી કપાસ આવે તો કસ્ટમ વિભાગને તેનાં મૂલ્યના 5% ડ્યૂટી પેટે ચૂકવવા પડે, ત્યારે ભારતે બાંગલાદેશના કપાસ પર ટેરિફ લાદયું કહેવાય.
ટેરિફ ઉપરાંત ‘ક્વોટા’ અને ‘નિયંત્રણ’ એ અન્ય હથિયારો છે જેનો ઉપયોગ કરી રાષ્ટ્રો વિદેશી હરીફાઈ સામે સ્વદેશી ઉદ્યોગોનું રક્ષણ કરે છે.
ભારત યુ.એસ.માંથી આવતાં માલ પર સરેરાશ 12% ટેરિફ લાદે છે. કેટલાક ઉત્પાદનોમાં સો ટકા દોઢસો ટકા ટેરિફ હતું, તો કેટલાક ઉત્પાદનોમાં ત્રણ-પાંચ ટકા ટેરિફ હતું. કુલ આયાત થતાં માલમાં સરેરાશ શુલ્ક 12% આસપાસ રહેતું. સામે, યુ.એસ. ભારતમાંથી આવતાં માલ પર બે-સવા બે ટકા સરેરાશ ટેરિફ લાદતું. હવે, ટ્રમ્પ બીજી તારીખે જાહેરાત કરવાના છે કે ભારતના કયા ઉત્પાદનો પર કેટલી ટેરિફ લાદશે.
કોઈ દેશ શા માટે અન્ય દેશમાંથી આયાત થતાં માલ પર ‘ટેરિફ’ લાદે?
કોઈપણ દેશ પોતાનાં હિતોની રક્ષા માટે, જેમ કે, સ્વદેશી ઉદ્યોગોને વિદેશી હરીફાઈથી રક્ષણ આપવા, પોતાનાં પર્યાવરણના જતન માટે, વિદેશી હુંડિયામણ બચાવવા માટે, સટ્ટાખોરી અટકાવવા જેવા કારણોસર અન્ય દેશ કે દેશોમાંથી આવતાં તમામ કે અમુક ઉત્પાદનો કે સેવાઓ પર આયાત શુલ્ક (ટેરિફ) લાદે છે.
‘ટેરિફ’નો ઇતિહાસ:
જ્ઞાત ઇતિહાસકાળથી લગભગ તમામ રાજ્યો, સામ્રાજ્યો વિદેશોથી આવતાં વિવિધ માલસામાન પર વેરા લાદતા રહ્યા છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળના નવાબ પાસેથી આયાત શુલ્કમાં સંપૂર્ણપણે મુક્તિ મેળવીને જ ભારતમાં પહેલા પોતાના વેપારનું અને પછી રાજસત્તાનું સામ્રાજ્ય જમાવ્યું હતું.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે યુરોપના વિકસિત દેશો બે વિશ્વયુદ્ધોથી પાયમાલ થયેલ અને થાકેલાં હતા. તેમને ઝડપભેર પોતાનો વિકાસ કરવો હતો. આથી 30 ઓક્ટોબર 1947 ના રોજ ‘જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ’ – GATT ની સ્થાપના કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રોની કોન્ફરન્સમાં સહુ પ્રથમ તેનાં પર ચર્ચા કરવામાં આવી હતી. GATT નું વડુમથક જીનીવા, સ્વીટઝરલેન્ડમાં હતું. 1947 થી 1986 સુધીમાં GATT ની સાત રાઉન્ડની ચર્ચાઓ થઈ. જેમાં જીનેવા સમ્મેલન, એન્નેસી સમ્મેલન, ટોર્કે સમ્મેલન, જીનેવા-2, ડિલ્લોન, કેનેડી અને ટોક્યો બાદ છેલ્લે ઉરુગ્વે રાઉન્ડ યોજાયો. ઉરુગ્વે રાઉન્ડમાં વિશ્વ વ્યાપાર સંગઠનના પાયા નંખાયાં.
બ્રેટ્ટનવૂડ કોન્ફરન્સ:

યુ.એસ.ના ન્યુ હેમ્પશાયર રાજ્યના બ્રેટ્ટનવૂડ ખાતે 1944 માં 1 જુલાઇ થી 22 જુલાઇ દરમ્યાન કુલ 44 મિત્ર દેશોના (યુ.એસ., યુ.કે., ફ્રાંસની છાવણીના) 730 પ્રતિનિધિઓ એકઠાં થયા હતા. આ પ્રતિનિધિઓ ભેગાં થયા હતા, તેના બે વર્ષ પહેલાના શિયાળામાં હિટલરની નાઝી સેનાને રશિયામાંથી પીછેહઠ કરવી પડી હતી અને રશિયાનોએ મોટી સંખ્યામાં જર્મનોને બંદી બનાવ્યા હતા. ત્યારથી બીજા વિશ્વયુદ્ધમાં બાજી પલટાઈ હતી અને ટૂંક જ સમયમાં અમેરિકા સૌથી મોટી મહાસત્તા તરીકે સ્વીકૃત થવાનું હતું. આ સમયગાળામાં અમેરિકનોનો આત્મવિશ્વાસ સતત વધી રહ્યો હતો. સંયુક્ત રાજ્યો અમેરિકા એ ‘ખાનગી મિલકતના અધિકાર’ વાળી જ્હોન રાઇટની વિચારધારાની પેદાશ હતું. એટલે શરૂઆતથી જ અમેરિકા ‘આર્થિક હિતો’ બાબત ખૂબ જાગૃત રહ્યું છે. તેમની સામે એ હકીકત પણ હતી કે, પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે જર્મની પર આકારો દંડ લાદવામાં આવ્યો હતો, જેને પગલે બીજું વિશ્વયુદ્ધ ફાટી નિકળ્યું હતું. છતાંય અમેરિકનો જર્મનીના ભાગલા કરી તેનો એક ભાગ પોતાના અંકુશ હેઠળ રાખવા આગળ વધ્યા હતા. ઉપરાંત હવે તેઓ 1930 જેવી મહામંદી ક્યારેય ન આવે તેની તકેદારી રાખવા ઇચ્છતા હતા. આથી તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નિયમનો લાવી શકાય તે બાબત મંથન શરૂ કર્યું હતું.
GATT માં કેવા પગલાં લેવામાં આવ્યા?
GATTના સભ્ય દેશો વચ્ચે માલસામાન અને સેવાઓના વ્યાપાર તથા બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights) બાબતે ટેરિફ, ક્વોટા અને નિયંત્રણો જેવા અવરોધો ઘટાડવા કે નાબૂદ કરવા ચર્ચા-વિચારણા થઈ. GATT ની 1947 માં શરૂઆત થઈ ત્યારે વિદેશ વ્યાપારમાં સરેરાશ ટેરિફ 40% હતું, જે સપ્ટેમ્બર 1986માં યોજાયેલ ઉરુગ્વે રાઉન્ડના અંતે ઘટીને 5% થયું. ઉરુગ્વે રાઉન્ડમાં વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO)ની સ્થાપના કરવા અંગે સહમતી સાધવામાં આવી અને GATT તેનાં આધાર તરીકે જાળવી રાખવામા આવ્યું.

વિશ્વ વ્યાપાર સંગઠન:
વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપનાનો કરાર મુખ્ય છ ભાગોમાં વહેચાયેલો છે. (1) સ્થાપના અંગેની સમજૂતી, (2) ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ (TRIMS) અને માલસામાનના વેપારનો બહુપક્ષીય કરાર, (3) જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ (GATS), (4) એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ ઓફ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (TRIPS), (5) વિવાદ સમાધાન, (6) સરકારોની નીતિઓની સમીક્ષા
વિશ્વ વ્યાપાર સંગઠનના ઉપરોક્ત મુદ્દાઓ તેના સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કેટલાક ધોરણોનું અનુસરણ કરવાની હિમાયત કરે છે. જેમકે, તેમણે વિદેશ વ્યાપારને પ્રોત્સાહન આપતી અને જરૂરી હોય તેવી માળખાગત સવલતો જેવા કે બંદરગાહો, જેટીઓ વિગેરેના નિર્માણનું કામ હાથ ધરવું, તેના માટે જરૂરી રોકાણ કરવું. આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા ધારાધોરણોનું અનુસરણ કરવું, પોતાના દેશમાં કાયદા અને તેની અમલવારીનું એવું માળખું ઘડવું કે જેથી આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું જતન થાય. સરકારોએ પોતાના ઉદ્યોગોને આપવામાં આવતી સબસિડીઓનું પ્રમાણ ઘટાડવું, ટેકાના ભાવે થતી વિવિધ ખરીદીઓ બંધ કરવી, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આવતાં કેટલાક અવરોધો સભ્ય દેશો એ અનિવાર્યપણે દૂર કરવા.
1996 માં સિંગાપોરમાં યોજાયેલ મંત્રી પરિષદમાં જે મુદ્દાઓ સામે રાખવામા આવ્યા તે સિંગાપોર ઇશ્યૂ કહેવાય છે.
(1) સરકારી (ટેકાના ભાવે) ખરીદીમાં પારદર્શિતા
(2) ટ્રેડ ફેસિલિટેસન (કસ્ટમ્સ સંબંધિત પ્રશ્નો – આયાત શુલ્ક)
(3) વ્યાપાર અને રોકાણ
(4) વ્યાપાર અને સ્પર્ધા
1999 માં યોજાયેલ સીએટલ સમ્મેલનમાં ભારતનો તરખાટ:
ભારતને એટલું સમજમાં આવી ગયું હતું કે વિકસિત દેશો મુક્ત અર્થતંત્ર અને વિકાસની વાતો કરીને મૂળરૂપે પોતાનો માલ વેચવા માટે બજારોની શોધમાં છે. પરંતુ સાથે જ ભારતને પોતાનો વિકાસદર જાળવી રાખવા વિકસિત દેશોની ટેક્નોલોજીની જરૂર હતી. આથી ભારતે વિકાસશીલ અને અવિકસિત દેશોની આગેવાની લીધી અને ભારતના તત્કાલીન વાણિજ્ય મંત્રી શ્રી મુરાસોલી મારને સીએટલ કોન્ફરન્સમાં ધમાકેદાર ભાષણ કર્યું હતું. ભારતની આગેવાની હેઠળ તમામ વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો એકત્ર થયા અને પોતાનાં બજારો ખુલ્લાં મૂકવાની સામે વિકસિત દેશો પાસેથી ટેક્નોલોજી મેળવવા અને તેમનાં માલસામાન પર વિવિધ દરે આયાત-શુલ્ક લાદી શકવાની શરતો મંજૂર કરાવી. વિશ્વ વ્યાપાર સંગઠને વિવિધ ઉત્પાદનો માટે બ્લૂ બોક્સ, અંબર બોક્સ જેવાં વિવિધ ધોરણો ગ્રાહ્ય રાખ્યા.
ભારત અને અન્ય વિકાસશીલ દેશોનો પક્ષ:
હાલના વિકસિત દેશો અનેક દેશોના સંસાધનો પર રાજ કરીને તેમનાં ભોગે વિકસિત થયા છે. બીજું કે આ વિકસિત દેશો પોતાના ઉદ્યોગો, ખેડૂતોને અગાઉ મસમોટી સબસીડીઓ આપતાં. તેના જોરે આ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર મજબૂત થયા છે. આજે પણ વિકસિત દેશોના ઉદ્યોગોને સારી માળખાગત સુવિધાઓ , નહેરો, સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી, વીજળી વિગેરે સુવિધાઓ રૂપે ધરખમ સબસિડી મળે જ છે. તેની સામે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોના ઉદ્યોગો અને કૃષિ વીજળી, પાણી, પરિવહન, મોંઘવારી જેવી મૂળભૂત સમસ્યાઓથી ગ્રસ્ત છે. તેવામાં તેમને કોઈપણ આધાર વગર વૈશ્વિક હરીફો સામે ખુલ્લાં મૂકી દેવામાં આવે તો તે બરાબરીની (ઇક્વિટી) સ્પર્ધા ન કહેવાય. જો વિકાસશીલ દેશોના બજારો વિકસિત દેશો માટે સાવ ખુલ્લાં મૂકી દેવામાં આવે તો તેઓ વિકસિત દેશોના ‘બજારો માત્ર’ બનીને રહી જાય. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આમ જ કર્યું હતું. બંગાળ (આજનું બિહાર, ઝારખંડ, બંગાળ અને બાંગ્લાદેશ)ને કંપની માટે ગળી ઉગાડનાર અને ઈંગ્લેન્ડના કાપડનું બજાર બનીને રહી ગયું હતું, જેના પાગલે આખરે ગરીબી અને ગુલામી આવ્યા હતા.
ચીનનું આગમન અને પ્રભુત્વ:
ચીને પંદર વર્ષ સુધી માત્ર વાટાઘાટો કર્યે રાખી અને જ્યારે તેનું પોતાનું અર્થતંત્ર તમામ સ્પર્ધાઓ માટે તૈયાર થઈ ગયું, જ્યારે તેણે ધરખમ ઉત્પાદનક્ષમતા હાંસલ કરી લીધી, ત્યારે વર્ષ 2001 માં દોહા સમ્મેલન થી તે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાયું. પછીના એક દાયકામાં તેણે સમગ્ર વિશ્વના બજારો સર કર્યા. પહેલો દશક તેણે બલ્કમાં ઉત્પાદન કરવા પર ફોકસ કર્યું અને બીજો દશક તેણે ગુણવત્તા સુધારવા પર તેમજ હાઇ-એન્ડ પ્રોડક્ટસ બનાવવા પર ફોકસ કર્યું. આજે તે વૈશ્વિક ઉત્પાદન શૃંખલાનું અનન્ય પરિબળ બની ગયું છે, જેનો કોઈપણ મહાસત્તા છેદ ઉડાડી શકે તેમ નથી.
ટ્રમ્પની દાદાગીરી:
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની બીજી ટર્મ માટેના ચૂંટણી પ્રચારમાં જ અન્ય દેશોમાંથી આયાત થતાં માલ પર ટેરિફ લાદવાની અને વિકાસશીલ અને અલ્પવિકસિત દેશો પાછળ યુ.એસ. ખોટો ખર્ચ કરી રહ્યો હોવાનો પ્રચાર કરતાં હતા. સત્તામાં આવ્યાના તુરંત બાદ તેમણે યુ.એસ.ને ઘણાંખરા વૈશ્વિક કરારોમાંથી ‘બહાર’ હોવાનું જાહેર કરી દીધું. તેઓ સતત યુરોપીયન યુનિયન, ભારત, કેનેડા અને મેક્સિકોનું નામ લેતાં રહે છે. ક્યારેક ક્યારેક ચીનનું નામ પણ લે છે. પરંતુ ‘રશિયા’નું નામ લેવાનું સતત ટાળતા રહ્યા છે. તેમનાં આવા વલણને કારણે આજે રશિયાનો આત્મવિશ્વાસ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયા આર્કટિક ક્ષેત્ર કે જે સમગ્ર ઉત્તર ગોળાર્ધની આબોહવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેનું બેફામ દોહન કરી રહ્યું છે. ટ્રમ્પ રશિયાની આવી બેરોકટોક પ્રવૃત્તિ અટકાવવાને બદલે તેમાં ભાગીદાર થવા થનગનાટ કરી રહ્યા છે. વિતેલા અઠવાડિયે યુ.એસ.ના ઉપરાષ્ટ્રપતિ વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે ગયા. હવે, ટ્રમ્પ ગ્રીનલેન્ડને યુ.એસ.નો ભાગ બનાવવા મથામણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ટ્રમ્પ પોતાની મનમાની કેનેડા, યુરોપીયન સંઘ, મેક્સિકો અને ભારત જેવાં દેશો સામે ચલાવી રહ્યા છે, જે વર્ષોથી સારાં મિત્રો તરીકે રહ્યા, જેમણે દરેક સારાં-નરસા સમયે યુ.એસ.નો સાથ આપ્યો. આજે યુ.એસ.ની જે માર્કેટકેપ 33-35 ટ્રિલિયન ડોલર છે, તેમાથી 15-17 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ માત્ર સાત મોટી ટેક કંપનીઓની છે. આ ટેક કંપનીઓ ભારતીય કર્મચારીઓના કૌશલ્યને જોરે આગળ વધી છે. એટલે જ તો જ્યારે ટ્રમ્પે ટેક કંપનીઓને ભારતમાંથી કર્મચારીઓ નિયુક્ત કરવા અને તેમને વિઝા આપવા અંગે આલોચના કરી ત્યારે ઇલોન મસ્કે પણ તેનો વિરોધ કર્યો છે. તેમને અત્યંત પ્રતિભાવાન ભારતીય માનવશ્રમ જોઈએ છે, પણ મજૂરીકામ કરતાં ભારતીયો જો યુ.એસ.માં આવવા પ્રયત્ન કરે તો તેને તેઓ ‘જીવાત’ અને દૂષણ કહે છે.
ગયા અઠવાડિયે ટ્રમ્પની બે જાહેરાતો:
(1) યુ.એસ.માં આયાત થતાં ઓટોમોબાઈલ અને તેનાં કમ્પોનેંટ્સ પર હવે 25% ટેરિફ
(2) જે દેશો વેનેઝુએલાથી ક્રૂડની આયાત કરે તેમની યુ.એસ.માં નિકાસો પર 25% ટેરિફ
કોને કેટલી અસર?
કેનેડા પોતાની ઓટોમોબાઇલ નિકાસોના 90% યુ.એસ.માં નિકાસ કરે છે. મેક્સિકોમાં યુ.એસ.ના મોટરકાર ઉત્પાદકોએ પોતપોતાની ફેક્ટરીઓ સ્થાપી છે. તેથી મેક્સિકોમાં બનતી લગભગ 90% મોટરકારોની યુ.એસ.માં નિકાસ થાય છે. આમ, ટ્રમ્પની આ જાહેરાતે તેનાં બંને પાડોશીઓના અર્થતંત્રોને મોટો ફટકો માર્યો છે. આ બે દેશો ઉપરાંત દક્ષિણ કોરિયા, જાપાન, યુરોપીયન દેશો અને ભારત યુ.એસ.માં ઓટોમોબાઈલની નિકાસ કરે છે. દક્ષિણ કોરિયાની અડધોઅડધ મોટરકારો યુ.એસ.માં નિકાસ થાય છે. BMW, મર્સિડિઝ, ફોક્સ વેગન, સ્કોડા જેવી યુરોપીયન બ્રાન્ડ્સ યુ.એસ.માં ધરખમ વેચાણ કરે છે. જ્યારે ભારતની ટાટા મોર્ટ્સ કે જેની જેગુઆર બ્રાન્ડ યુ.એસ.માં વેચાય છે તેને મોટો ફટકો પડશે. આ સિવાય ભારત ફોર્જ જેવા ઓટોપાર્ટસ નિર્માતાઓ કે જેઓ યુ.એસ.માં નિકાસ કરે છે, તેમને અસર થઈ શકે છે.
વેનેઝુએલામાંથી ક્રૂડ ખરીદતા દેશો બાબતની જાહેરાત મુખ્યત્વે ભારત અને યુરોપીયન દેશો લક્ષી છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતાં યુ.એસ.એ તેનાં પર પ્રતિબંધો લાદયા હતા. તેનો સાથ આપી, યુરોપીયન દેશોએ પણ રશિયા પર પ્રતિબંધો લાદયા અને તેની પાસેથી ક્રૂડ તેમજ નેચરલ ગેસ લેવાનું બંધ કર્યું. ત્યારે ભારતની કેટલીક બેનામી શિપિંગ કંપનીઓ રશિયાથી ક્રૂડ અને નેચરલ ગેસ ભારત અને વિશ્વના અન્ય દેશોમાં પહોંચાડતી હતી. તેને પરિણામે જ ભારત છેલ્લા બે વર્ષોમાં ક્રૂડની નિકાસ કરતો દેશ બની ગયો હતો. રિલાયન્સ અને આઈ.ઓ.સી. આ રશિયન ક્રૂડની પ્રોસેસિંગ કામગીરી કરતાં હતા. ટ્રમ્પના ટેરિફની આશંકાએ ભારત સહિત યુરોપીયન દેશો વેનેઝુએલાથી ક્રૂડ ખરીદવા માંડ્યા હતા. હવે ટ્રમ્પે જાહેરાત કરી છે કે જે દેશો વેનેઝુએલાથી ક્રૂડ લેશે તેનાં યુ.એસ.માં નિકાસ થતાં માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે.
શેરબજાર પર કેવી અસર થાય:
ભારતના વિવિધ સમાચાર માધ્યમોના અહેવાલો જણાવે છે કે “ટેરિફની ભારત પર કોઈ ખાસ અસર નહીં થાય”. ટેરિફની જાહેરાતની નિયત તારીખના એક અઠવાડીયા પહેલાં ભારતીય શેરબજારમાં મોટો ઉછાળો જોવાયો અને નિફ્ટી આંકમાં ચાર ટકાથી વધુનો સાપ્તાહિક ઉછાળો જોવાયો હતો. ત્યારબાદ વિતેલા અઠવાડિયે નિફ્ટી પોણા ટકાના સુધારે સ્થિર રહી. ઇન્ટરનેટ પર સર્ચ કરતાં ભારતના વિવિધ સમાચાર માધ્યમોએ અગાઉ કરેલ વિવિધ અહેવાલો જોવા મળે છે. “ટ્રમ્પ અને મોદીની દોસ્તીની 20 સાચાં કિસ્સા” ઇન્ટરનેટ પર શોધીએ તો વિવિધ અહેવાલો જોવા મળે છે. અગાઉના આ અહેવાલો જોતાં શું એમ માની શકાય કે ટ્રમ્પ ભારત-વિરોધી વલણ નહીં અપનાવે ? ?? કદાચ અન્ય દેશોની સાથે-સાથે ભારત માટે પ્રતિકૂળ કોઈ જાહેરાત કરે અને બજારને કોઈ પ્રતિકૂળ અસર થાય, તો પણ એક અઠવાડીયા અગાઉ બજારમાં મોટી તેજી થઈ હોઇ, બે-ચાર ટકાના ઘટાડો આવે તો પણ બજાર ટકેલું રહ્યું જ કહેવાય કે કેમ? ? આવા તમામ પ્રશ્નોના જવાબ આવતાં અઠવાડિયે વધુ સ્પષ્ટ થાય.
2013 માં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી ડૉ. મનમોહન સિંઘ ઉપર પડી હતી પસ્તાળ:

વિશ્વ વ્યાપાર સંગઠનની નવમી મંત્રીય પરિષદ કે જે 2013 માં ઇંડોનેશિયાના બાલી ખાતે યોજાઇ હતી, તેમાં ભારતે પોતાનો પક્ષ રાખતાં એવું વલણ અપનાવ્યું હતું કે ભારતની સંસદે અન્ન સુરક્ષા કાયદો બનાવ્યો છે, જેના હેઠળ આહાર મેળવવો એ દરેક નાગરિકનો હક્ક બન્યો છે. આ કાયદો પસાર થયો હોઈ, હવે દરેક સરકારે નાગરિકોને, ગમે તે પરિસ્થિતી હોય, અન્ન ઉપલબ્ધ કરી આપવું પડશે. વિશ્વમાં ભૂખમરો નાબૂદ કરવા લક્ષી આ પહેલ હોઈ ભારતને વિશ્વ વ્યાપાર સંગઠનોના કેટલાક ધારાધોરણોમાં છૂટછાટ આપવામાં આવે. તેથી ભારત પોતાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે અથવા મોટા પ્રમાણમાં જાહેર વિતરણ માટે અન્નનો ભંડાર જાળવી રાખે તો તેનાં આવા પગલાં ભાવોમાં સરકારી દખલગીરી માનવા નહીં. ઉપરાંત ભારતની અનાજ, માંસ અને માછલાંની નિકાસો પર આવી દાખલગીરીના નામે કોઈ ટેરિફ લાદવા નહીં. સામે ભારતે પોતાના બજારો મોટી ઇ-કોમર્સ કંપનીઓ તેમજ અન્ય લક્ઝરી વસ્તુઓના ઉત્પાદકો માટે ખુલ્લાં કર્યા હતા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી આંતરરાષ્ટ્રીય દબાણ સામે ‘ઝૂકી ગયા’ હોવાનો હોબાળો મચ્યો હતો. બાલ્યાવસ્થામાં વિભાજન વખતે ભારત આવેલ ડો. સિંઘ રાહત શિબિરોમાં રહ્યા, દારુણ ગરીબી જોઈ, પોતાને ઉચ્ચ સ્તરે શિક્ષિત કર્યા, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેન્ક જેની પાસે સલાહ માટે આવતાં એવા નિષ્ણાત અર્થશાસ્ત્રી બન્યા, જેમનાં કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ શ્રી સિંઘે ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવો આરોપ સુદ્ધાં નહોતાં લગાવી શકતા, તેવા તત્કાલીન પ્રધાનમંત્રી પર તે સમયે, ઢીલું વલણ અપનાવવા બદલ ખૂબ જોક્સ અને મીમ્સ બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમનાં છેલ્લા શબ્દો હતા – “ઇતિહાસ કદાચ મારા પ્રત્યે વધારે દયાળુ રહેશે.”
પ્રધાનમંત્રી મોદીની વ્યુહરચના પર વિશ્વની નજર:

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજનીતિશાસ્ત્રના નિષ્ણાત છે. ઈઝ ઓફ બિઝનેસ અને ઉત્પાદન ક્રાંતિ થકી ગરીબી નાબૂદી અને સાર્વત્રિક – સર્વ સમાવેશી વિકાસમાં તેમની મહારત છે. આજે વિશ્વના અનેક ટોચના નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીને પોતાના માર્ગદર્શક તરીકે જુએ છે, તેમની પાસેથી માર્ગદર્શન મેળવે છે. ભારતના અનેક મીડિયા હાઉસ આ અંગે વિસ્તૃત અહેવાલો પ્રકાશિત કરી ચૂક્યા છે. અત્યાર સુધી પ્રધાનમંત્રી મોદી ‘ટેરિફ’ મુદ્દે મૌન રહ્યા છે. બીજી તરફ ભારતના વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલે ભારતીય ઉદ્યોગજગતને તે અંગે શોધ કરવા જણાવ્યુ હતું કે એવાં કયા-કયા ઉત્પાદનો છે કે જે ભારત ચીનમાંથી આયાત કરતું હોય અને એવાં જ ઉત્પાદનો યુ.એસ.માં પણ ઉપલબ્ધ હોય. સાથે જ, ભારતે યુ.એસ.ને આશ્વાસન આપ્યું છે કે યુ.એસ.માંથી આયાત થતાં માલસામાન પર ટેરિફ ઘટાડવામાં આવશે. ગત બજેટમાં હાર્લી ડેવિડસન જેવી મોંઘી મોટરબાઇક પરની આયાતશુલ્ક સવા સો ટકાથી ઘટાડીને પંદર ટકા કરવામાં આવી. આ ઉપરાંત ઇલેક્ટ્રીક મોટરકાર પર પણ આયાત ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. ભારતના આશ્વાસન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઉતાવળે જાહેરાત કરી દીધી હતી કે તેમણે ભારતને તમામ ડ્યૂટી ઘટાડવા માનવી લીધું છે. પરંતુ, ભારતે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. આમ, ભારતની વ્યુહરચના “ઉતાવળિયો નિર્ણય ટાળવાની” અને “થોભો અને રાહ જુઓ”ની હોવાનું જણાઈ રહ્યું છે.