જેવા સાથે તેવાની નીતિ અપનાવીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના દેશોમાં 2 એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે પરંતુ હવે થોડા ઢીલા પડયા હોય તેમ એમ કહ્યું છે કે ટેરિફથી બચવા માંગતા હોય તે દેશો અલગ કરાર કરી શકે છે.
2 એપ્રિલથી રેસીપ્રોકલ ટેરિફ ઝીંકવાની ટ્રમ્પની જાહેરાતથી ભારત સહિતના દેશો મીટ માંડીને નવો વ્યુહ તૈયાર કરી રહ્યા છે તેવા સમયે ટ્રમ્પે એમ કહ્યુ હતું કે જે દેશો અમેરિકી ટેરિફથી બચવા માંગતા હોય તેઓ અલગ કરાર માટે વાટાઘાટો કરી શકે છે અને તે માટે તૈયારી છે.
તેઓએ ઉમેર્યુ કે 2 એપ્રિલથી ટેરિફ લાગુ પડયા પછી પણ અલગ કરારની વાટાઘાટો કરવા માટે વ્હાઈટ હાઉસના દરવાજા ખુલ્લા જ રહેશે. મેડીકલ ક્ષેત્ર પર પણ આકરા ટેરિફનો ગર્ભીત ઈશારો કરવા છતાં વિગતવાર ફોડ પાડયો ન હતો.
અમેરિકી પ્રમુખે કહ્યું કે ઘણા દેશો સાથે વાતચીત કરી જ છે. બ્રિટન સહિત ઘણા દેશોએ ટેરિફ ટાળવા સંપર્ક કર્યો છે. આ બધા દેશો કરાર કરવા માંગે છે. જો કે, અમેરિકાને ફાયદો થવાનો હોય તો જ કરાર થશે અને તે માટે મારી તૈયારી છે.
રેસીપ્રોકલ ટેરિફ લાગુ થવાની તારીખ 2 એપ્રિલને આડે માંડ ત્રણ દિવસ બાકી રહ્યા છે અને દુનિયાભરના દેશોના જીવ ઉચ્ચક છે તેવા સમયે ટ્રમ્પના વિધાનો સૂચક છે.