ભારતે 12 વર્ષ બાદ ફરી પાછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામ કરી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ઉમદા બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગે ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેસ્ટ ફિલ્ડર્સ પૈકી એક જાડેજાને ફાઈનલમાં વિજયી બન્યા બાદ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચના મેડલથી નવાજવામાં આવ્યો હતો. ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલિપની યાદમાં અપાતો આ મેડલ મેચમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ બદલ આપવામાં આવે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં જાડેજા ફિલ્ડ પર છવાયો હતો. રન બચાવવામાં, કેચ કરવામાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી ન્યૂઝીલેન્ડના બેટર્સ પર પ્રેશર સર્જવામાં સફળ રહ્યો હતો. ફિલ્ડિંગમાં તેના શ્રેષ્ઠ યોગદાનથી ન્યૂઝીલેન્ડ ભારત માટે મોટો ટાર્ગેટ સર્જી શકી નહીં. તે 251 રન જ બનાવી શકી.
‘હું ક્યારેક હીરો તો ક્યારેક ઝીરો બનું છું’
રવીન્દ્ર જાડેજાએ ભારતની જીત બાદ કહ્યું કે, ‘મારો બેટિંગ નંબર જ એવો છે કે, હું ક્યારેક હીરો તો ક્યારેક ઝીરો બનું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ સારી ભાગીદારી કરી હતી. પહેલી બેટિંગ માટે આ વિકેટ સારી ન હતી. આ એક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે.’