
વોશિંગ્ટન : શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદાયમીર ઝેલેન્સકી અને યુ.એસ.ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં ઓવેલ ઓફિસમાં મળ્યા. ટ્રમ્પ યુક્રેનને ખનીજ-ખનનના કરારો પર સહી કરવા દબાણ કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે મુલાકાત બાદ તેમણે પત્રકારો સમક્ષ આ મુલાકાત અંગે વાર્તાલાપ કર્યો, જેમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી રીતસર એકબીજા સાથે બાખડ્યા. આ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન વારંવાર યુ.એસ.ના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ વાન્સે દરમ્યાનગીરી કરવી પડી. તેના કેટલાંક અંશોનું ભાષાંતર અહી રજૂ કર્યું છે.
ઝેલેન્સકી : તેણે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, તેણે અમારાં લોકોની હત્યા કરી, તેણે બંદી બનાવેલ અમારાં લોકો અમને પાછાં સુપરત કર્યા નહિ, અમે યુદ્ધકેદીઓની આપ લે પર સહી કરી છે, છતાંય તેણે એમ કર્યું નહિ. તમે કયા પ્રકારના રાજદ્વારી સંબંધોની વાત કરો છો?
વાન્સ: હું એ રાજદ્વારી સંબંધોની વાત કરી રહ્યો છુ જે તમારા દેશમાં થઈ રહેલ તબાહીનો અંત લાવશે.
ઝેલેન્સકી : હા, પણ જો તમે એમ કહો છો કે… (ઝેલેંસ્કીને અધવચ્ચે અટકાવતાં)
વાન્સ: રાષ્ટ્રપતિ શ્રી, મને લાગે છે કે તે અપમાનજનક છે કે તમે ઓવેલ ઓફિસ આવો છો અને અમેરિકન મીડિયાની સામે અમને વિલન તરીકે ચિતરો છો. તમારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રત્યે આભાર પ્રકટ કરવો જોઈએ કે તેઓ આ (યુદ્ધ)નો અંત લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.
ઝેલેન્સકી: શું તમે ક્યારેય યુક્રેન આવ્યા છો? તમને ખબર છે કે અમે કઈ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યા છીએ.
વાન્સ : મેં ખરેખર …
ઝેલેન્સકી : તો પછી એકવાર આવો અને જુઓ.
વાન્સ: મેં તે સ્ટોરીસ જોઈ છે કે તમે કઈ રીતે લોકોને એક પ્રોપગેંડા પર્યટન પર યુક્રેન લઈ જાઓ છો. શું તમે એમ નથી માનતા કે તમને તમારા લોકોને લશ્કરમાં ભરતી કરવામાં હાલ તકલીફ પડી રહી છે? શું તમને એ અપમાનજનક નથી લાગતું કે તમે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની ઓવેલ ઓફિસ પર આવો છો અને જે રાષ્ટ્રપતિ તમારા દેશમાં થઈ રહેલ વિનાશને અટકાવવા પ્રયત્ન કરે છે તેમની પ્રત્યે અનાદર દાખવો છો!
ઝેલેન્સકી : બહુ બધા પ્રશ્નો (તમે) મૂકી દીધા. આપણે શરૂથી શરૂઆત કરીએ.
વાન્સ : જરૂર.
ઝેલેન્સકી : સહુ પહેલા તો યુદ્ધ દરમ્યાન દરેકને મુશ્કેલીઓ પડતી હોય છે. હાલ તમે સંપન્ન છો, પરંતુ તમને પણ સમસ્યાઓ હોય, ભગવાન કરે… (તેમને અટકાવતાં ટ્રમ્પ વચ્ચે બોલવા માંડ્યા)
ટ્રમ્પ : તમને કાશી ખબર નથી. તમે અમને ના કહો કે અમને શું લાગવું જોઈએ. અમે અહી (તમારો) પ્રશ્ન ઉકેલી રહ્યા છીએ. અમને ના કહો કે અમારે શું લગાડવાનું હોય. તમે કોઈપણ જાતની સૂચના આપવાની સ્થિતિમાં નથી. તમે કોઈપણ સૂચના આપવાની સ્થિતિમાં નથી.
ઝેલેન્સકી: હું એ કહું છુ જે મને લાગે છે. (તેમને બોલવા દેવાનો પણ મોકો આપ્યા સિવાય, ટ્રમ્પે આગળ કહ્યું)
ટ્રમ્પ : અમે ખૂબ મઝામાં છીએ અમે ખૂબ મજબૂત છીએ. તમે સારી હાલતમાં નથી. તમે આ બધુ શરૂ થવા દીધું અને ચાલવા દીધું.
ઝેલેન્સકી : યુધ્ધ શરૂ થયું ત્યારનો હું …. (તેમને ત્યાં જ અટકાવતાં)
ટ્રમ્પ : તમે સારી હાલતમાં નથી. હાલ તમારી પાસે પત્તાં નથી.
ઝેલેન્સકી : હું પત્તાં નથી રમી રહ્યો.
ટ્રમ્પ : અમે આવીશું તો તમારી પાસે પત્તાં હશે.
ઝેલેન્સકી : હું પત્તાં નથી રમી રહ્યો.
ટ્રમ્પ : તમે જુગાર રમી રહ્યા છો. તમે લાખો લોકોના જીવનો જુગાર રમી રહ્યા છો. તમે ત્રીજા વિશ્વયુદ્ધનો જુગાર રમી રહ્યા છો. તમે ત્રીજા વિશ્વયુદ્ધનો જુગાર રમી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો તે એક દેશ માટે, આ દેશ માટે અપમાનજનક છે.
વાન્સ : તમે આ આખી મિટિંગ દરમ્યાન ‘થેન્ક યુ’ કહ્યું?
ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ વાન્સે એ બાબતે પણ ઝેલેન્સકીને ટોકયા કે તેઓ બાયડનનો પ્રચાર કરવાં ગયા હતા અને તેમણે ટ્રમ્પનો આભાર માનવો જોઈએ કે ટ્રમ્પના વિરોધી માટે તેમણે ચૂંટણીપ્રચાર કર્યો હોવા છતાં ટ્રમ્પ તેમના માટે કાંઇક કરી રહ્યા છે. આ ઉપરાંત, એક પત્રકારે ઝેલેન્સકીએ સુટ નહિ પહેર્યો હોવા અંગે ટિપ્પણી કરી ત્યારે ઝેલેન્સકીએ એને સુનાવી દીધું કે હાલ મારો દેશ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યો છે. યુદ્ધ પૂરું થશે ત્યારે કદાચ હું સૂટ પહેરું જે કદાચ તમારા જેટલો મોંઘો નહીં હોય. વિવિધ સમાચાર સંસ્થાઓ દ્વારા સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ આ વિડીયોમાં ટ્રમ્પની નીતિઓ રીતસર ઉઘાડી પડી ગઈ છે. જ્યારે કોઈ દેશ તકલીફ હોય ત્યારે તેના પર ‘ડીલ’ થોપવાની ટ્રમ્પની દાદાગીરી જગજાહેર થઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પના સમર્થકો તેમને આખાબોલા નેતા તરીકે બિરદાવી રહ્યા છે. તો તેમની આલોચના કરનારાઓ કહે છે કે, ટ્રમ્પ જેવુ વર્તન યુ.કે., ભારત, ફ્રાંસ જેવા મિત્ર દેશોના વડાઓ સમક્ષ કરી રહ્યા છે, તેવું ચીનના શી ઝિંગપિંગ કે રશિયાના પુટીન સમક્ષ કેમ નથી કરતાં? નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદીની સામે ટ્રમ્પે જાહેર કર્યું હતું કે, અમેરિકાને સામેલ કર્યા વિના ભારત જે BRICS ની આગેવાની કરી રહ્યું છે, તે હવે મૃત સંગઠન છે. આ ઉપરાંત, તેઓ માત્ર ભારતીયોને બેડીઓમાં જકડી, સૈન્ય વિમાનોમાં ડિપોર્ટ કરી રહ્યા છે. ગેરકાયદેસર વસતાં ચીની નાગરિકોની સાથે આમ નથી થઈ રહ્યું. જ્યારે બ્રિટનના વડાપ્રધાન તેમને મળ્યા ત્યારે તેમને પણ સુનાવી દીધું કે અમારા વિના તમે કોઈ યુદ્ધ લડવાને લાયક નથી. ફ્રાંસના મેક્રોને તેમને અધવચ્ચે ટપારવા પડ્યા હતા. યુરોપીયન યુનિયનના અધ્યક્ષ યુ.એસ.ની મુલાકાતે આવ્યા તો એમને ટ્રમ્પે તતડાવ્યા કે તમે તો અમારી નાકમાં નકેલ કસવા જ યુરોપીયન યુનિયન બનાવ્યું હતું. ગનીમત છે કે આપણાં આખાબોલા વડાપ્રધાનશ્રીએ ભારે સંયમ દાખવ્યો હતો. બાકી એ પણ સંભળાવી જ શકતાં હતા કે તમારા દેશે અમારા પાડોશી શત્રુને વર્ષોવર્ષ કરોડો ડોલર આપ્યે રાખ્યા તો ય એણે તમારા દુશ્મન નં. 1 લાદેનને કેવો સંતાડી રાખ્યો હતો!