હૈદરાબાદ : જોની નામનાં 6 – 8 વર્ષનાં નર વાઘે માદા વાઘ માટે મહારાષ્ટ્રનાં નાંદેડ જિલ્લાનાં કિનવાટ તાલુકાથી તેલંગાણાના અદિલાબાદ જિલ્લાનાં ઉત્નૂર સુધી 300 કિમીથી વધુની મુસાફરી કરી જેનાથી સ્થાનિકોમાં ચિંતા ઉભી થઈ છે.
આદિલાબાદ જિલ્લા વન અધિકારી પ્રશાંત બાજીરાવ પાટીલે જીવનસાથીની શોધમાં વાઘની મુસાફરીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “નર વાઘ ઘણીવાર શિયાળામાં સમાગમની મોસમ દરમિયાન આટલી લાંબી મુસાફરી કરે છે, જ્યારે તેઓ તેમનાં પ્રદેશમાં કોઈ માદા વાઘ નથી મળતી ત્યારે જીવનસાથીની શોધમાં વાઘ આટલી લાંબી મુસાફરી કરતાં હોય છે.
જોનીએ ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં તેની મુસાફરી શરૂ કરી હતી, એમ વન અધિકારીઓએ જણાવ્યું હતું. શરૂઆતમાં આદિલાબાદના બોથ મંડલના જંગલોમાં જોવામાં આવ્યો હતો, વાઘ ઉટનૂરમાં પ્રવેશતાં પહેલાં નિર્મલ જિલ્લામાં કુન્તલા, સારંગાપુર, મમદા અને પેંબી મંડળમાંથી પસાર થયો હતો. વાઘે હૈદરાબાદ-નાગપુર નેશનલ હાઈવે 44 પાર કર્યો અને હવે તે તિર્યાની વિસ્તાર તરફ આગળ વધી રહ્યો હોવાનું વનકર્મીઓએ જણાવ્યું હતું.
વન અધિકારીઓએ સમજાવ્યું કે, નર વાઘ માદા વાઘ દ્વારા 100 કિમી દૂરથી છોડવામાં આવતી ખાસ ગંધ શોધી શકે છે, જે તેમને સંભવિત સાથીઓ માટે માર્ગદર્શન આપે છે. જોનીની સફર માત્ર પ્રેમ વિશે ન હતી. તેણે અત્યાર સુધીમાં પાંચ ઢોર માર્યા અને ગાયોનો શિકાર કરવાના ત્રણ નિષ્ફળ પ્રયાસો કર્યા હતાં.
તાજેતરમાં, તે ઉટનૂરના લાલટેકડી ગામ પાસે એક રસ્તો ક્રોસ કરતો જોવા મળ્યો હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, જીવનસાથીની શોધ કરતાં વાઘ મનુષ્યો માટે જોખમી નથી. પ્રશાંત બાજીરાવે કહ્યું, “અમે લોકોને વિનંતી કરીએ છીએ કે વાઘનો સામનો ન કરો અને ગભરાશો નહીં .”