દેશની જેલમાં 5.73 લાખ અન્ડર ટ્રાયલ કેદીઓ સુનાવણીની રાહ જુએ છે
અત્યંત ગંભીર નહી તેવા અપરાધના કાચા કામના કેદીએ જો જે તે અપરાધની મહતમ સજાના 33થી50% સજા ભોગવી લીધી હોય તો જામીન માટે જેલ સતાવાળાઓજ વિધિ કરશે: મહિલાઓને પ્રાધાન્ય
નવી દિલ્હી: દેશની જેલોમાં અન્ડરટ્રાયલ તરીકે (કાચા કામના) સબડતા લાખો કેદીઓની યાતનાઓ પર સંવેદનશીલતા દર્શાવતા સુપ્રીમકોર્ટ તમામ રાજયોના જેલ સતાવાળાઓને જામીન મેળવવા હકકદાર અને ખાસ કરીને મહિલા કેદીઓની ઓળખ કરી તેની માહિતી આપવા આદેશ આપ્યો છે.
આ માટે જે તે આરોપ હેઠળના કાચા કામના કેદીએ જેમને તે અપરાધ હેઠળ મહતમ જે સજા થઈ શકતી હોય તેની અડધી સજા પુરી કરી હોય તેને અગ્રતા આપવા જણાવ્યુ છે તથા તેઓને જામીન મળે તે માટે ખાસ કાનૂની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ઋષીકેશ રોયની ખંડપીઠે જણાવ્યું કે અમો એ કેદીઓની ચિંતા કરવા માંગીએ છીએ. જેઓ લાંબા સમયથી જેલમાં સબડે છે અને તેઓ જામીન પાત્ર હોવા છતા પણ જેલ મુક્ત થઈ શકતા નથી. અમો આ કેટેગરીમાં આવતા એક પણ કેદી જેલમાં બિનજરૂરી રહે નહી તે નિશ્ચિત કરવા માંગીએ છીએ.
આ માટે સુપ્રીમકોર્ટે જેલના સુપ્રીટેન્ડન્ટને ખાસ ડ્રાઈવ યોજીને જે તે જેલમાં સુપ્રીમની માર્ગરેખા મુજબના કેદીઓની ઓળખ કરવા આદેશ આપ્યો છે તથા તેમના જીવનની વ્યવસ્થા કરવા કાનૂની સહાય પંચ કામ કરશે. ખાસ કરીને ગરીબ તથા કાનૂની સહાયથી વંચિત કેદીઓની મોટી સંખ્યા જેલમાં સબડે છે.
ફોજદારી ધારાની કલમ 479 જેમાં જે કાચા કામના કેદી જેઓ અત્યંત ગંભીર અપરાધ સિવાયના અપરાધથી જેલમાં હોય અને ટ્રાયલ કોર્ટ તેમને જામીન આપ્યા ન હોય, અને તેઓ મહતમ સજાની અડધી સજાઓ કાપી ચૂકયા હોય તેને પ્રાથમીકતા આપવામાં આવશે અને તેમાં ત્રીજા ભાગની સજા સુધીની સ્થિતિ પણ ચકાસી શકાશે. આ ઉપરાંત ગંભીર નહી તેવા અપરાધોમાં જેઓએ પ્રથમ વખત આ પ્રકારે ગુન્હો કર્યો હોય તેઓને પણ આ મુક્તિનો લાભ મળી શકશે.
આ પ્રકારના કેદીઓની ઓળખ મેળવી તેમની જામીન અરજી તૈયાર કરીને તે જે તે ટ્રાયલ કોર્ટમાં રજુ કરવાની રહેશે અને અદાલત તેમાં આ માર્ગરેખા મુજબ નિર્ણય લેશે અને મહિલા કેદીઓની ચિંતા વધુ કરવા જણાવ્યુ છે. દેશમાં 2022ની ગણતરી મુજબ 5.73 લાખ કેદીઓમાં 4.1% એટલે કે 23772 મહિલા કેદી હતા જેમાં 18થી50 વર્ષના 80% મહિલાઓ છે.
આ ઉપરાંત અદાલતમાં જેઓ પર ગંભીર અપરાધોનું ચાર્જશીટ ફ્રેમ થયુ ન હોય અને અદાલતે હળવા અપરાધ માટે ટ્રાયલ નિશ્ચિત કરી હોય પણ જેલનો રેકોર્ડ અપડેટ થયો ના હોય તો તેવા કેદીઓના રેકોર્ડ પણ તાત્કાલીક અપડેટ કરી તેઓએ જામીન મેળવવા યોગ્યને જેલમુક્તિની પ્રક્રિયા કરવા જણાવાયુ છે.