ન્યૂયોર્કની અદાલતે નવ-ચયનિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘ચુપકીદી-દામ’ મામલામાં રાષ્ટ્રપતિ તરીકે મળવાપાત્ર પ્રતિરક્ષા આપવાનો ઇન્કાર કર્યો છે.
વર્ષ ૨૦૧૬ માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને સ્ટોમી ડેનિયલ નામની મહિલાને ‘ચુપ રહેવા’ બદલ એક લાખ ત્રીસ હજાર અમેરિકન ડોલર ચૂકવ્યા હતા. ટ્રમ્પ સામે એવો આરોપ છે કે તેમણે આ ટ્રાન્ઝેક્શનને અલગ પોતાના વહીખાતાંઓમાં ખોટી રીતે દર્શાવ્યું છે અને તેની સાચી વિગતો જણાવી નથી. નોંધનીય છે કે, યુ.એસ. માં ‘એકાઉન્ટ ફ્રોડ’ને ઘણી ગંભીરતાથી લેવામાં આવે છે. ચુપકીદી દામ મામલે ડોનાલ્ડ સામે ૩૪ ફેલોની કાઉન્ટ સબબ તહોમત ફરમાવવામાં આવ્યું છે. યુ.એસ.માં ગંભીર અપરાધોનો ચાર્જ ‘ફેલોની કાઉન્ટ’ અને ઓછા ગંભીર અપરાધનો ચાર્જ ‘મિસડેમેનોર કાઉન્ટ’ કહેવાય છે. આ મામલે ટ્રમ્પ સામે ૩૪ ફેલોની કાઉન્ટ ફરમાવવામાં આવ્યા છે, જેનો ટ્રાયલ ચાલવા પર છે.
ગત જુલાઇમાં યુ.એસ.ની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે, રાષ્ટ્રપતિ સામે તેમના આધિકારિક કૃત્યો (ફરજના ભાગરૂપે કરેલ કાર્યો) બદલ અભિયોજન (પ્રોસીક્યુશન) ચલાવી શકાય નહિ. આ ચુકાદાની સાથે યુ.એસ.ની સુપ્રિમ કોર્ટે રાષ્ટ્રપતિને અભિયોજન સામે પ્રતિરક્ષા મળતી હોવાનું પણ પ્રસ્થાપિત કર્યું છે. નોંધવું રહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું બંધારણ ‘દાર્શનિક’ છે અને તેનાં ફરમાનોનું અર્થઘટન, વ્યાપનું નિર્ધારણ સર્વોચ્ચ ન્યાયાલય કરે છે. તેની સામે ભારત, ઓસ્ટ્ેલિયા જેવા દેશો, ‘કોમન લૉ’ની જેમ, શાબ્દિક (વિસ્તૃત રીતે શબ્દોથી છણાંવટ કરેલ) વિધિકરણનું અનુસરણ કરે છે. યુ.એસ. સુપ્રિમ કોર્ટના ચુકાદાને ટાંકી, ડોનાલ્ડ ટ્રમ્પના વકીલે જ્યારે ન્યૂયોર્કની એક અદાલતમાં ટ્રમ્પ સામે પડતર મામલામાં રાષ્ટ્રપતિ તરીકે તેમને ઉપલબ્ધ પ્રતિરક્ષાની રાહત માંગી અને અભિયોજન મોકૂફ રાખવાની અરજ કરી, ત્યારે ન્યાયાલયે તે ફગાવતાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ તરીકે તેમને મળતી પ્રતિરક્ષા માત્ર તેમના હોદ્દાની રૂએ કરેલ કાર્યો (આધિકારિક રીતે કરેલ કાર્યો) પૂરતી સિમીત છે અને નહિ કે તેમનાં વ્યક્તિગત કૃત્યો બદલ.
ન્યાયાલયના આ ચુકાદા પછી ડોનાલ્ડ ટ્રમ્પ માટે વ્હાઇટ હાઉસમાં બીજી ઇનિંગ માટે ‘બેદાગ’ જવાનો દરવાજો બંધ થયો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
નોંધવું રહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે કુલ ચાર ‘ઇન્ડાયક્ટમેન્ટ’ (તહોમત) ફરમાવવામાં આવી છે. (૧) ધંધાના રેકોર્ડમાં બોગસ દસ્તાવેજો ઊભાં કરવાના મામલે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટ (ન્યૂયોર્ક રાજ્યની અદાલત) દ્વારા ૩૦ માર્ચ ૨૦૨૩ ના રોજ તહોમત ફરમાવવામાં આવી હતી. આ જ મામલાને ‘હશમની (ચુપકીદી દામ)’ તરીકે ઓળખવામાં આવે છે. (૨) રાષ્ટ્રીય સુરક્ષાને લગતાં દસ્તાવેજો આડાંઅવળાં કરવાના મામલે ફ્લોરિડા રાજ્યના દક્ષિણ જીલ્લાની જીલ્લા અદાલત દ્વારા ૮ જૂન ૨૦૨૩ ના રોજ તહોમત ફરમાવવામાં આવ્યું હતું. આ મામલે અભિયોજક જેક સ્મિથે ટ્રમ્પનું નામ પ્રતિવાદીઓમાંથી કમી કરવાની માંગ કરી હતી, જે ઇલેવન્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૨૪ (ટ્રમ્પના હાલના વિજય પછી) મંજૂર કરવામાં આવી છે. આમ, આ તહોમતમાંથી ડોનાલ્ડ ટ્રમ્પનો છૂટકારો થયો છે. (૩) ૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ કોલંબિયાની જીલ્લા અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પ સામે ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચુંટણીનું પરિણામ બદલવાનો પ્રયત્ન કરવા સબબ તહોમત ફરમાવ્યું હતું. હાલમાં ટ્રમ્પના વિજય બાદ આ તહોમત રદ કરવામાં આવ્યું છે. (૪) ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ફૂલ્ટન કાઉન્ટીની ઉપલી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ૨૦ વ્યક્તિઓ સામે ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચુંટણીમાં ‘મેળાપીપણાંયુક્ત ધાંધલ’ (રેકેટિયરિંગ) કરવા સબબ આઠ ચાર્જ ફરમાવ્યા છે.
ઉપરોક્ત માંથી ચોથા કિસ્સા (ફુલર્ટન કાઉન્ટી કેસ)માં ચાર અભિયુક્તોએ અમુક ચાર્જીસ કબૂલી લીધા હતા. તેમને જ્યોર્જીયા રાજ્યના આ અંગેના કાયદા હેઠળ હળવી શિક્ષાઓ પણ થઇ હતી. નોંધવું રહ્યું કે, આ મામલામાં ટ્રમ્પ સામે એક તહોમત એવું ફરમાવવામાં આવ્યું હતું કે તેમણે જ્યોર્જીયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રેડ રેફરસ્પેન્જરને ફોન કરી ૧૧૭૮૦ વોટ શોધી આપવાનું જણાવ્યું હતું. ટ્રમ્પના હાલના વિજય બાદ, હમણાં ૧૯ ડિસેમ્બરના રોજ, આ મામલાના જ્યુરીને ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે તે ફેંસલ કરવાનું રહેશે કે શું ચુંટાયેલ રાષ્ટ્રપતિ સામે અભિયોજન ચલાવી શકાય કે નહિ.
હશમની એટલે કે ચુપકીદી દામ મામલે ટ્રમ્પને તમામ ૩૪ ફેલોની ચાર્જીસ સબબ અદાલતે ૩૦ મે ૨૦૨૪ ના રોજ ‘તકસીરવાન’ ઠેરવ્યા છે. આમ, ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ.ના પહેલાં એવાં રાષ્ટ્રપતિ બન્યા છે કે જેમને ફેલોની એટલે કે ગંભીર અપરાધ સબબ તકસીરવાન ઠેરવવામાં આવ્યા હોય. નવેમ્બરમાં ચુંટણીમાં તેમની જીત પછી તેમની સજા મોકૂફી પર રાખવામાં આવી છે.