Stock Today

ચીન+૧ સ્ટ્રેટેજીનો લાભ લેવામાં ભારતની સીમિત સફળતા: નીતિ આયોગ; ‘ટ્રમ્પ ટેરિફ’ ભારત માટે એક તક: સુબ્રમણ્યમ

નવી દિલ્હી, ડિસેમ્બર ૪: નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીન+૧ સ્ટ્રેટેજીનો લાભ લેવામાં ભારતની સફળતા અત્યાર સુધી મર્યાદિત રહી છે. તેની સામે વિયેટનામ, થાઇલેન્ડ, કંબોડિયા અને મલેશિયાને વધુ લાભ થયો છે. હરીફ દેશોમાં સસ્તા માનવશ્રમ અને સરળ કર-કાનૂનોને આ અહેવાલમાં રેખાંકિત કરવામાં આવ્યા છે.

મેન્યુફેકચરિંગ કે આખર પેદાશો માટે એકલાં ચીન પર નિર્ભર રહેવાના બદલે વિકસિત દેશો, ખનીજતેલ ઉત્પાદક દેશો તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓ તુર્કી, ભારત, વિયેટનામ, કંબોડિયા, મલેશિયા જેવાં અન્ય દેશોમાં પણ પોતાના ઉત્પાદન એકમો ઊભા કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલમાં જણાયું છે કે, આ સ્પર્ધામાં ભારત કરતાં અન્ય દેશોને વધુ લાભ થયો છે.

સસ્તો માનવશ્રમ, સરળ કરવેરા કાયદાઓ, નીચાં કરદરો અને મુક્ત વ્યાપાર કરાર કરવામાં શીઘ્ર પહેલના કારણે મલેશિયા, વિયેટનામ, કંબોડિયા, તુર્કી વધુ લાભ મેળવી શક્યા છે. ચીનની ઉત્પાદન અને ટેકનોલોજીમાં આગેકૂચ અટકાવવાના આશયથી યુ.એસ.એ ચીનના ઉત્પાદનો પર કડક અંકુશો લાદ્યા છે. તેનાથી ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઇ રહી હતી અને પરિણામે બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના એકમો અન્ય દેશોમાં સ્થાપવા લાગી હતી.

‘ટ્રેડ વોચ ક્વોટરલી’ મથાળા હેઠળ રજૂ થયેલ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી ભારતની આ મામલે સફળતા સીમિત રહી છે. માનવશ્રમ આધારિત ઉદ્યોગોના ક્ષેત્રમાં વિશ્વ વ્યાપારમાં ભારનો હિસ્સો ઘટ્યો છે. ઘણાંબધા ચાવીરૂપ ઉત્પાદનોમાં ચીન પ્રબળ હરીફ રહ્યું છે. તેની સામે ભારતની યુ.એસ. તેમજ યુરોપીયન બજારમાં સારી પકડ છે. તે જોતાં ભારત આ સ્થિતિનો વધુ લાભ લઇ શકે તેમ છે. સાથે જ અન્ય વિકસતાં બજારોમાં પણ તકોની શોધ કરવાની રહે છે.

સાથે જ આ અહેવાલમાં જણાવવમાં આવ્યું છે કે, યુરોપીયન દેશોની કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મીકેનીઝમ (કાર્બન વેરો)થી આફ્રિકા અને એશિયન દેશો સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે. જાન્યુઆરી ૨૦૨૬ થી અમલમાં આવનાર કાર્બન વેરાથી સિમેન્ટ, આયર્ન એન્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રીસીટી અને હાયડ્રોજન ક્ષેત્રોની નિકાસોને સૌથી વધુ અસર થશે. આ ક્ષેત્રો દ્વારા થતી નિકાસો વખતે જે તે આખર-પેદાશના ઉત્પાદનમાં કેટલું કાર્બન ઉત્સર્જન થયું તે અંગેનું સી-બામ સર્ટિફિકેટ જોડવાનું રહેશે.

ભારતની યુરોપીયન યુનિયનમાં થતી કુલ નિકાસોમાં આયર્ન એન્ડ સ્ટીલ ૨૩.૫ ટકા છે. આથી, આ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થવાની ભીતિ છે. ભારતીય કંપનીઓએ ૨૦ થી ૩૫ ટકા વધારાનું શુલ્ક ચુકવવાનું થશે, જેનાથી તેમની પડતર ઊંચી જશે, તેમની સ્પર્ધાત્મકતા ઘટશે અને ભારતીય પેદાશોની યુરોપીયન બજારમાં માંગ ઘટશે. સાથે જ ઉત્સર્જન અહેવાલની વિગતવાર જાણકારી રાખવા તેમજ તેની વિગતો જરૂર પડ્યે ઉપલબ્ધ બનાવવા પાછળ કોમ્પલાયન્સ ખર્ચ વધશે. યુરોપીયન યુનિયન ભારતનો બીજો સૌથી મોટો વિદેશ વ્યાપાર સહભાગી છે અને ૨૦૨૩-૨૪ માં ભારતના કુલ વિદેશ વ્યાપારમાં તેનો હિસ્સો ૧૭.૪ ટકા (૭૬ બિલિયન યુ.એસ. ડોલર) રહ્યો હતો.

બીજી તરફ નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમે બુધવારે જણાવ્યું હતું કે ચીન, મેક્સિકો અને કેનેડા પર ટ્રમ્પે લાદેલી ટેરિફ ભારતને એક સારી તક પૂરી પાડે છે. યુ.એસ. ભારતનો સૌથી મોટો વિદેશ વ્યાપાર સહભાગી છે અને ગયા વર્ષે ભારતે યુ.એસ.માં ૭૭.૫૧ બિલિયન યુ.એસ. ડોલરની નિકાસો કરી હતી.

શ્રી સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “નવચયનિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ વિદેશ વ્યાપાર સહભાગીઓ પર ઊંચી આયાત શુલ્ક લગાવવાની બાંહેધરી આપી છે. ભારતે તેને એક અવસર સમજી, ભારતીય ઉદ્યોગ જગતે તેનો મહત્તમ લાભ લેવા તૈયાર રહેવું જોઇએ.” ગયા અઠવાડિયે ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી થતી આયાતો પર ૨૫ ટકા અને ચીન પર હાલની આયાત ડ્યુટી ઉપરાંત વધારાની ૧૦ ટકા આયાત ડ્યુટી લાદવાનું જણાવ્યું હતું.

શ્રી સુબ્રમણ્યમે ક્રિકેટના ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે, “આપણે પ્રથમ સ્લીપમાં ઊભા છીએ અને બોલ આપણી તરફ આવી રહ્યો છે. હવે તે આપણે જોવાનું છે કે આપણે આ કેચ પકડીએ છીએ કે તેને છૂટી જવા દઇએ છીએ.” શ્રી સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આવાં વધુ પગલાં જોવા મળવાના છે.

એ નોંધનીય છે કે આયાત બાબતે પણ યુ.એસ. ભારતનું મોટું સહભાગી છે અને ભારતે ગયા વર્ષે યુ.એસ. માંથી ૪૨.૨ બિલિયન યુ.એસ. ડોલરની આયાતો કરી છે. ભારતના માહિતી પ્રૌદ્યોગિકી ઉદ્યોગની કુલ નિકાસોમાંથી ૭૦ નિકાસો યુ.એસ.ને થાય છે.

શ્રી સુબ્રમણ્યમે એમ પણ જણાવ્યું છે કે, “ભારત-યુ.એસ. સંબંધો માત્ર વ્યાપરિક સંબંધો જ નથી. પરંતુ તે બહુઆયામી સંબંધો છે અને ઘણાં બધા પાસાંઓ પર આધારિત છે. આ બે દેશો વચ્ચે ગાઢ સંબંધો છે અને તે હંમેશા નજર સમક્ષ રહેશે.” અત્રે એ પણ નોંધનીય છે કે, પોતાના ચુંટણી પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ‘ગેરલાભ લેનાર’ કહ્યું હતું. અગાઉ પણ, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે, ૨૦૨૦ માં તેમણે ભારતને ‘ટેરિફ કિંગ’ કહ્યું હતું. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિક્સ દેશોને ડોલર-ઇત્તર ચલણી નાણાં તરફ વળવા સામે ચેતવણી આપતાં રહ્યા છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત નવ દેશોના સમૂહ બ્રિક્સે ડોલરના સ્થાને અન્ય કરન્સીમાં વ્યવહાર માટે મંથન હાથ ધર્યું છે.

નિષ્ણાંતોના મતે, યુરોપીયન યુનિયનની જેમ કોમન-કરન્સી માટે ભારતનો જ પ્રતિસાદ મોળો રહે છે. કેમકે, ભારત કોઇપણ સંજોગોમાં પોતાની સંપ્રભુતા સાથે બાંધછોડ માટે તૈયાર થતું નથી. પોતાનાં ચલણી નાણાંના સ્થાને અન્ય ચલણી નાણું હોય જેના પર અન્ય દેશોમાં થતી ઉથલપાથલ પણ અસર કરતી હોય, તો તે ભારતના હિતમાં નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top