
આશિષ નમ્બીસન :
ગત અંકમાં જણાવ્યુ હતું કે, “નિફ્ટી 50ના ચાર્ટની સાથે-સાથે બાકીના ત્રણ પરિબળોને ધ્યાનમાં રાખવા જોઈએ – ટેરિફ, રિટેલ સેલ્સ, ઇન્ફલેશન. ચાર્ટના પેરામીટર્સ પર મુલવીએ તો, (1) 22700 હજુ સુધી અકબંધ છે, તેથી હાલના તબક્કે મંદી આવી ગઇ હોવાનું કે તેજી આવી જવાની હોવાનું કહેવું ઉતાવળિયું કહેવાય, કારણ કે આપણે 22700 ની ખૂબ નજીક છીએ.(2) ગયા અઠવાડિયે સપોર્ટ ઝોનની નજીક પોઝિટીવ ડાયવર્ઝન જોવા મળ્યું હતું, જેણે 5 ફેબ્રુઆરી, 2025ના રોજ 23800 સુધીનો ઉછાળો લાવવામાં નિફ્ટી 50ને મદદ કરી હતી.(3) આ અઠવાડિયે 22700 ના ટેકાની નજીક ટ્રિપલ બોટમ બન્યું છે, જે પોતાનામાં જ એક મજબૂત તેજીની પેટર્ન છે. ટૂંકમાં કહી શકાય કે 23200નો ટેકો તૂટ્યો અને 23000ની નીચે નિફ્ટીએ સારો એવો સમય પસાર કર્યો, પરંતુ ઉપરોક્ત ત્રણ પરિબળોને અવગણવા જોઈએ નહીં અને જ્યાં સુધી નિફ્ટી 22700 ની નીચે બંધ નથી આવતી ત્યાં સુધી શંકાનો લાભ બુલ્સને આપવાનો થાય. એગ્રીસિવ બુલિશ પોઝીશન માટે 22650ના ચુસ્ત સ્ટોપલોસ સાથે લાંબા ગાળાનો તેજીનો વેપાર ગોઠવી શકાય, જ્યારે અન્ય ટ્રેડર્સે નિફ્ટી 23250ની ઉપર બંધ આપે તેની રાહ જોવી જોઈએ. જ્યારે બેરિશ ટ્રેડ માટે ઉત્સુક ટ્રેડર 23250 પાસે 23650 ચુસ્ત સ્ટોપલોસથી મંદીનો વેપાર લઇ શકે છે. જ્યાં સુધી નિફ્ટી 23850 ની ઉપર બંધ ના બતાવે ત્યાં સુધી તે બુલિશ થયાનું કહી શકાય નહિ. આગલા અઠવાડિયે પણ નિફ્ટી આ જ સ્તરથી પાછી વળી હતી. બજેટના બુસ્ટર, વ્યાજદરોમાં ઘટાડા છતાં નિફ્ટી આ 23850 ની ઉપર બંધ આવી શકી નહોતી. તો સાથે-સાથે ટ્રમ્પ ટેરીફ છતાં નિફ્ટીએ 22700 નો ટેકો તોડ્યો નથી. આથી, હાલ પૂરતી આ ટેકા પાસે, એકાદ નાના સ્ટોપલોસથી તેજી કરવાની તક બને છે.” આખરે થયું શું? ઉપરમાં 23050 સુધી અને નીચેમાં 23720 સુધીની રેન્જમાં નિફ્ટી આતવાતી રહી. તેણે 22,700 નું જે સ્તર આપણે ચાર અઠવાડીયાથી જણાવી રહ્યા છીએ તે હજુસુધી તોડ્યું નથી. પણ, જે રીતે વારંવાર તેણે આ સ્તરને ટેસ્ટ કર્યું છે, તે જોતાં હવે તેનું તૂટવું નિશ્ચિત જણાઈ રહ્યું છે. પણ, પહેલાં આપણે ગ્લોબલ પરિબળોની ચર્ચા કરી લઈએ.
યુ.એસ. : હોમ સેલ્સનો ડેટા અપેક્ષા કરતાં નરમ રહ્યો અને માંગ ઘટી રહી હોવાનું જોવાયું. હયાત રહેણાંક મકાનોનું વાર્ષિક વેચાણ નરમ રહી 41.30 લાખ રહેવાની અપેક્ષા હતી. તેની સામે ડેટા 40.8 લાખ આવ્યો. જે નરમીની અપેક્ષા થી પણ નીચો રહ્યો. આગલા મહિનાના વાર્ષિક ડેટા 42.90 લાખની સરખામણીએ પણ તે સારો એવો ઘટાડો દર્શાવે છે. યુ.એસ.માં મકાનોના વેચાણના આંકડા ખૂબ મહત્વ ધરાવે છે. તે અર્થતંત્રમાં માંગની સાચી પરિસ્થિતીનું નિરૂપણ કરે છે. અપેક્ષા કરતાં નીચો ડેટા યુ.એસ.ડોલરની ચાલ નરમ થવાનો સંકેત આપે છે. મકાનોના વિક્રયમાં નરમી મોર્ગેજ દરોમાં થઈ રહેલ વૃદ્ધિ, હાઉસિંગના સપ્લાયમાં ઘટાડો જેવા કેટલાક પરિબળોની અસરને કારણે યુ.એસ. હાઉસિંગ ક્ષેત્ર અને અર્થતંત્રમાં તણાવનો સંકેત આપે છે. અત્રે એ નોંધવું રહ્યું કે હાલ યુ.એસ.માં ભારે ઊથલપાથલની સ્થિતિ સર્જાઈ છે. હાઉસિંગ ડિમાન્ડમાં ઘટાડાનું એક કારણ એ પણ હોય શકે કે હાલ ગેરકાયદેસર રહેતાં અપ્રવાસીઓને સરકાર મોટાપાયે ડિપોર્ટ કરી રહી છે. તેનાં કારણે ઘણા હોમ-બાયર્સ મકાનો ખરીદવાનું ટાળી રહ્યા છે. કોઈક પરિવાર ડિપોર્ટ થાય તો તેનું મકાન સસ્તામાં મળી પણ રહે એની રાહ સહુ કોઈ જાણે કે જોઈ રહ્યા છે. આથી, હાઉસિંગ ડેટા હાલમાં વોલેટાઇલ રહેવાની અપેક્ષા છે. આમ, માત્ર હાઉસિંગ ડેટા પરથી સમગ્ર ચિત્રનો ક્યાસ કાઢી શકાય નહિ. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ PMI આંક જોઈએ તો તે 51.3 રહેવાની અપેક્ષા હતી, જેની સામે તે 51.6 રહ્યો છે. જે ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ રહી હોવાનો સંકેત આપે છે. PMI 50 થી નીચે રહે તો ઉત્પાદન પ્રવૃત્તિમાં સંકોચન થઈ રહ્યું હોવાનું અને 50 થી ઉપર રહે તો ઉત્પાદન પ્રવૃત્તિમાં ગતિ આવી હોવાનું માનવમાં આવે છે. છેલ્લા બે વખત PMI સુધરીને આવ્યો છે, જે અર્થતંત્ર પાટા પર હોવાનો સંકેત આપે છે, સાથે જ ડોલરમાં સુધારો થવાનો પણ સંકેત આપે છે.
જાપાન : સળંગ આઠમા મહિને લેબર શૉર્ટેજ અને સતત જોવાઈ રહેલ મોંઘવારીને પગલે ઉત્પાદન પ્રવૃત્તિમાં ઓટ આવતી જોવા મળી છે. મેન્યુફેક્ચરિંગ પર્ચેસર મેનેજર્સ ઇંડેક્સ (PMI) 49 ની અપેક્ષા સામે ઘટીને 48.9 રહ્યો, જે ઉત્પાદન પ્રવૃત્તિમાં સંકોચન દર્શાવે છે. જાન્યુઆરીના 48.70 કરતાં તે થોડોક ઉપર હોવા છતાં તે અપેક્ષાથી નીચો છે. આઉટપુટ અને નવા ઓર્ડર બંનેમાં ઘટાડો જોવા મળ્યો. જૂન 2020 પછીના આ સહુથી ખરાબ ડેટા કહી શકાય. બીજી તરફ જાપાનના સેવા ક્ષેત્રનો PMI 53 ની સામે 53.10 આવ્યો, જે સેવાક્ષેત્રમાં ગતિશીલતા વધી હોવાનું દર્શાવે છે. સ્થાનિક માંગમાં વૃદ્ધિ અને મજબૂત થઈ રહેલ યેનને કારણે આયાતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે અને તેનાં કારણે વિદેશ વ્યાપાર ખાધ 2.70 ટ્રિલિયન યેન (1.80 બિલિયન યુ.એસ. ડોલર) થવા પામી છે. બે મહિના પહેલાં જાપાનની વિદેશ વ્યાપાર 132.50 બિલિયન યેનની પુરાંત પર હતી તે ગયા મહિને 2.10 ટ્રિલિયન યેન થયા બાદ આ મહિને ધરખમ વધીને આવી છે. જાન્યુઆરીમાં આયાતોમાં થયેલ વધારાને પગલે વાર્ષિક ધોરણે આયાતો 16.7% વધી છે. આયાતોમાં વૃદ્ધિ માટે 9% આસપાસની ધારણા રાખવામા આવી હતી. તેનાં કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી. જ્યારે નિકસોમાં 7.9% ના વૃદ્ધિની અપેક્ષા સામે 7.2% નો વધારો થયો. નિકાસોમાં હાલની વૃદ્ધિને ઘણાં વિશ્લેષકો હંગામી માની રહ્યા છે. આગામી સમયમાં ટેરિફ લાગવાના ભયને કારણે વિદેશી ગ્રાહકો વધુ માલ મંગાવી રહ્યા હોવાનું માનવમાં આવી રહ્યું છે. બેન્ક ઓફ જાપાન વાયજદારો વધારવા તરફનો ઝોંક રાખી રહી છે અને યેનનો સુધારો આગળ ચાલવાની અપેક્ષા છે.
જર્મની : ફેડરલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસે ગુરુવારે જણાવ્યુ છે કે પ્રોડ્યુસર્સ પ્રાઈસિસમાં વાર્ષિક ધોરણે જાન્યુઆરીમાં અડધા ટકાનો વધારો થયો છે. વિશ્લેષકો 1.3% ના વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા. આમ, આ વધારો અપેક્ષાથી ઓછો રહ્યો છે, જે વિકાસદર ધીમો રહ્યો હોવાનું દર્શાવે છે.
તાઇવાન : છેલ્લા અગિયાર માહિનામાં પહેલી વાર નિકાસ ઓર્ડર્સમાં ઘટાડો નોંધાયો છે. ટેકનૉલોજિ ઉત્પાદનોમાં સિઝનલ સ્લો-ડાઉન જોવાઈ રહ્યું છે. જો કે, હાલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ગ્લોબલ સ્પર્ધામાં ટેકનૉલોજિ ઉત્પાદનોની માંગ આગળ વધવાની અપેક્ષા રાખવામા આવી રહી છે. ગુરુવારે તાઇવાનના વિદેશી બાબતોના મંત્રાલયે જાહેર કર્યું છે કે વાર્ષિક ધોરણે જાન્યુઆરીમાં નિકાસ-ઓર્ડર્સમાં 3% નો, એટલે કે 46.97 બિલિયન યુ.એસ. ડોલરનો, ઘટાડો થયો છે. રોઈટર્સના ઓનલાઈન પોલમાં 1.8% ના ઘટાડાનો અભિપ્રાય વ્યક્ત થયો હતો. તેનાં કરતાં પણ આ ઘટાડો મોટો રહ્યો છે. જ્યારે ડિસેમ્બરમાં 20.8% ની વૃદ્ધિ જોવા મળી હતી.
ચીન : બુધવારે ચીનના વાણિજ્ય મંત્રાલયે આપેલ જાણકારી મુજબ સીધા વિદેશી રોકાણમાં વાર્ષિક ધોરણે 13.4% ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં FDI 13.40 બિલિયન યુ.એસ. ડોલર રહ્યું હતું.
ભારત : સોમવારે ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ ભારતની વિદેશ વ્યાપાર ખાધ, સતત વધી રહેલ ક્રૂડઓઇલના આયાત ખર્ચ અને ઘસાઈ રહેલ કરન્સીને પગલે, વધી રહી છે. બ્લૂમ્બર્ગના સર્વેમાં ભારતની વિદેશ વ્યાપાર ખાધ 21 બિલિયન યુ.એસ. ડોલર રહેવાનો મત વ્યક્ત થયો હતો. તેની સામે જાન્યુઆરીમાં તે વધીને 23 બિલિયન થઈ છે. ડિસેમ્બરમાં તે 21.94 બિલિયન યુ.એસ. ડોલર હતી. નિકાસોમાં 2.4% ઘટાડો થયો અને જાન્યુઆરીમાં તે 36.43 બિલિયન યુ.એસ. ડોલર રહી. બીજી તરફ આયાતો 10.3% વધીને 59.42 બિલિયન યુ.એસ. ડોલર પહોંચી છે. તેનાં કારણે વિદેશ વ્યાપાર ખાધ વધી રહી છે.
ટેકનિકલ પેરમીટર્સ: વિતેલા અઠવાડિયે નિફ્ટીમાં વધારો નોંધાવામાં હિન્દાલ્કોએ 2.31%, ટાટા સ્ટીલે 1.97% અને SBI લાઇફે 1.74% સુધારો દર્શાવ્યો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 5.99%, ભારત પેટ્રોલિયમ 2.82% અને અદાણી પોર્ટ 2.56% તૂટ્યા. ટાટા મોટર્સ 2.41% ઘટી નવા 52 અઠવાડીયા લો પર પહોંચ્યો. બજારના મુખ્ય શેર્સમાં 2304 ઘટનાર શેર્સ અને 1652 વધનાર શેર્સ રહ્યા. નિફ્ટી વોલેટિલિટી ઇંડેક્સ ઘટીને 14.53 થયો. હાલ, નિફ્ટી ઇન્ડેક્સ ચાર્ટ પર ‘ડેથ ક્રોસ પેટર્ન’ બનાવી રહ્યો છે, જે આગળ વધુ નરમીનો સંકેત આપી રહ્યો છે. હાલ ઇન્ડેક્સ પેલા 22,700 ના ટેકા આસપાસ ઝળૂંબી રહ્યો છે અને તે વર્ષના નિમ્ન સ્તરે છે. દૈનિક ચાર્ટ પર જણાય છે કે 2024માં નિફ્ટી 50 માં 26277 ની ટોચ બની ગઈ અને ત્યારબાદ MACD અને RSI ઘટતા રહી પોઝિટિવ ડાયવર્જન્સ બનાવતા રહ્યા, જે ખરાબ સંકેત આપે છે. 22,700 ના જે ટેકાની આપણે આ કૉલમમાં ચાર અઠવાડીયાથી ચર્ચા કરી રહ્યા છીએ, તેને વારંવાર પડકારવામાં આવ્યો છે અને હવે તે નબળો પડી ગયો છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે ગિફ્ટ-નિફ્ટી 175 પોઈન્ટના ઘટાડા સાથે 22617 નો આંક દર્શાવી રહ્યો છે. સાથે જ નિફ્ટી50 એ ‘ફોલિંગ વેજ’ પેટર્ન બનાવી છે, જે બુલિશ પેટર્ન છે. છતાં નિફ્ટી આંક દબાણ હેઠળ રહેવાનુ અનુમાન છે.
નિષ્કર્ષ : અત્યાર સુધી આપણે જોયું છે કે 22,700 નું લેવલ બુલ્સ માટે એક ઢાલ તરીકે કામ કરી રહ્યું હતું. પરંતુ, મધ્યયુગમાં જેમ મોંગોલો મધ્યએશિયાને ધમરોળતા ત્યારે વારંવાર હુમલા કરી પહેલા ડિફેન્સ નબળો પાડી દેતાં અને પછી મોટો હુમલો કરી કિલ્લાઓનો ખુડદો બોલાવી દેતાં, તેમ સપોર્ટનું પણ એવું જ રહે છે. જો કે, એક આશાસ્પદ બાબત એ છે કે હાલ બજાર ફોલિંગ વેજમાં છે. પરંતુ તે પૂરતું નથી. બજારે સુધારો દર્શાવવા માટે કોઈક મોટી ચાલ બતાવવી પડે. ત્યાં સુધી 23060 – 23150 ની રેન્જ સુધીના દરેક ઉછાળે વેચવાલ પોઝિશનો બનતી જોવા મળે, જેમાં 23450 નો સ્ટોપલોસ રાખી શકાય. જ્યાં સુધી નિફ્ટી50 23,550 ની નીચે રહે છે, ત્યાં સુધી વેચવાલનો હાથ ઉપર છે. 22,700 નો ટેકો તૂટવાની સાથે-સાથે ફોલિંગ વેજની નીચેનું બ્રેક-ડાઉન જોવા મળ્યું તો નિફ્ટી50 માં 21280 સુધીનો ઘટાડો જોવાઈ શકે. ઘટાડાની તીવ્રતા મુજબ 22450 – 22250 કે 22000 સુધીના શરૂઆતી ઘટાડા જોવાઈ શકે. સિવાય કે સોમવાર – મંગળવારે 23060 ની ઉપર બંધ જોવા મળે, હાલ આપણાં 22,700 ના ટેકાનું બચવું મુશ્કેલ છે.