નવી દિલ્હી, (પીટીઆઇ): નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેંટની વૈશ્વિક કરવેરા સમજૂતીમાંથી ખસી જવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયની ભારત પર કોઈ અસર થશે નહીં, પરંતુ વૈશ્વિક લઘુતમ કરવેરા પર આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ સુધી પહોંચવામાં અત્યાર સુધીની પ્રગતિને ગંભીર અસર થશે.
કાર્યભાર સંભાળ્યા પછી તરત જ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિના મેમોરેન્ડમમાં કહ્યું હતું કે “ગ્લોબલ ટેક્સ ડીલની યુનાઇટેડ સ્ટેટ્સની અંદર કોઈ અમલવારી કે અસર નથી”, આમ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) દ્વારા 140 દેશોને બહુરાષ્ટ્રીય કંપનીઓના નફા પર ઓછામાં ઓછો 15 ટકા કર લાદવા માટે એક જ મંચ પર લાવવા માટે અત્યાર સુધી કરવામાં આવેલી પ્રગતિને ટ્રમ્પે હડસેલી દીધી હતી.
નાંગિયા એન્ડ કંપની એલ.એલ.પી.ના મેનેજિંગ પાર્ટનર રાકેશ નાંગિયાએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ટેક્સ ડીલમાંથી અમેરિકાના બહાર નીકળવાની અસર વૈશ્વિક કરવેરાના પરિદ્રશ્ય પર નોંધપાત્ર અસર કરશે, ખાસ કરીને એવા દેશો/સત્તામંડળો કે જેમણે વૈશ્વિક એન્ટિ-બેઝ ઇરોઝન મોડલ અથવા GloBE નિયમો (સ્તંભ 2) ના અમલીકરણ માટે તેમના સ્થાનિક કાયદામાં નિયમો પહેલેથી જ અપનાવ્યા છે/ઘડ્યાં છે.
લગભગ 50 સત્તામંડળોએ પહેલેથી જ GloBE નિયમો અપનાવવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે અથવા અપનાવ્યા છે. આ સત્તામંડળોએ હવે નવી વાસ્તવિકતાઓને અનુરૂપ માર્ગ સુધારણા હાથ ધરવી પડશે.
“બીજી બાજુ, ભારતે હંમેશા GloBE નિયમો અપનાવવા પર ‘થોભો અને રાહ જુઓ’ નીતિ અપનાવી છે અને હજુ સુધી આ દિશામાં કોઈ નોંધપાત્ર કાયદાકીય ફેરફાર રજૂ કર્યો નથી.
વધુમાં, કેન્દ્રીય બજેટ 2024માં, ભારતે 2 ટકાની સમાન વસૂલાત પણ નાબૂદ કરી હતી (જે એકતરફી કાર્યવાહી હોવાથી, અમેરિકા માટે વિવાદનું મૂળ હતું).
“આમ, ગ્લોબલ ટેક્સ ડીલમાંથી અમેરિકાનું બહાર નીકળવું સંપૂર્ણપણે કરવેરા વસૂલાતના દૃષ્ટિકોણથી ભારત પર વધુ અસર કરશે નહીં, જો કે, આ નિર્ણય આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ સુધી પહોંચવામાં અત્યાર સુધીની પ્રગતિને ગંભીર રીતે અસર કરશે અને સંભવિત રીતે ઓ.ઇ.સી.ડી.ને જ્યાંથી શરૂ થયા હતા ત્યાં પરત થવાની પણ ફરજ પાડી શકે છે”, એમ નાંગિયાએ જણાવ્યું હતું.
2021માં લગભગ 140 દેશોએ ઓ.ઇ.સી.ડી.ના ગ્લોબલ ટેક્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. દ્વિ-સ્તંભ ઉકેલનો ઉદ્દેશ વૈશ્વિક કરવેરા સ્પર્ધાના “નીચા વેરાં રાખવા માટેની દોડ” ના અભિગમને સંબોધિત કરવાનો અને કંપનીઓ દ્વારા સરહદ પાર કરચોરીને નિરુત્સાહિત કરવાનો છે. સ્તંભ 1 નો ઉદ્દેશ મોટા બહુરાષ્ટ્રીય કંપનીઓના બાકી રહેલા નફાને તેમના વતન દેશોમાંથી તે દેશોમાં પુનઃવિતરિત કરવાનો છે જ્યાં તેઓ આવક પેદા કરે છે, અને સ્તંભ 2 15 ટકા વૈશ્વિક લઘુતમ કોર્પોરેટ કરને સ્થાપિત કરે છે.
“ટ્રમ્પ અને અન્ય રિપબ્લિકન સાંસદોની અગાઉની ટિપ્પણીઓએ ઓઇસીડીના ગ્લોબલ ટેક્સ ડીલ પર યુ.એસ. ની સ્થિતિ વિશે કોઈ શંકા છોડી નહોતી, તે ક્યારેય ‘જો’ નો પ્રશ્ન નહોતો પરંતુ ‘ક્યારે!’નો મામલો હતો,” નાંગિયાએ કહ્યું.
કરવેરા અને સલાહકાર પેઢી એ.કે.એમ. ગ્લોબલ, કરવેરા બજારોના વડા, યેશુ સહગલે જણાવ્યું હતું કે ઓ.ઇ.સી.ડી.ની પિલર 2 પહેલ તેના પર હસ્તાક્ષર કરનાર દરેક દેશ માટે લઘુતમ કરવેરાનો દર 15 ટકા નિયત કરે છે. આનાથી યુ. એસ. માટે ઘણી ચિંતાઓ સર્જાઈ છે કારણ કે તેમના વર્તમાન કરવેરાના નિયમો આ નવા વૈશ્વિક લઘુતમ કરવેરા સાથે વિરોધાભાસી હોઈ શકે છે.
એક ચિંતા એ છે કે કેટલીક અમેરિકી કંપનીઓને એક જ આવક પર બે વાર કર ચૂકવવો પડી શકે છે. બીજો મુદ્દો એ છે કે નવા નિયમો કરવેરાની ગણતરીની રીતમાં ફેરફારોની ફરજ પાડી શકે છે, જે સંભવિત રીતે અન્ય દેશોમાં કામગીરી કરતી અમેરિકી કંપનીઓ પર બોજ વધારી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
“બીજી તરફ ભારતે થોભો અને રાહ જુઓ અભિગમ અપનાવ્યો છે. તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા આ મુદ્દાઓ કેવી રીતે કામ કરે છે તે જોવા માટે નજીકથી જોઈ રહ્યા છે. તેઓ તેમના સ્થાનિક કરવેરા કાયદામાં અમલ કરતા પહેલા ખાતરી કરવા માંગે છે કે નવા નિયમો સ્પષ્ટ હોય”, સહગલે કહ્યું.