વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશનના સેવાભાવી યુવાનોએ ગૌમાતા અને નંદીને આમરસ પીરસી અનોખી સેવા કરી હતી. સેવાભાવી યુવાનોએ ઠંડો અને તાજો 2001 કિલો રસ તૈયાર કરી ગૌશાળાની 9 ક્યારી ભરી દીધી હતી. આ તકે સેવાભાવી કાર્યકરોએ જણાવ્યું કે, ગૌમાતા કેરીની છાલ અને ગોટલી નહીં, પરંતુ કેરીના રસના હકદાર છે.ઘર ઘર સુધી કેરીનો રસ પહોંચે તે પહેલાં ગૌમાતા-નંદીજીની ક્યારીમાં પહોંચે તેવો અમારો સંકલ્પ હતો. વીતેલા સપ્તાહથી આ કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. સારી ક્વોલિટીની કેરી ખરીદવાથી લઇને ગૌમાતા-નંદીજી આરોગે ત્યાં સુધી કેરીનો રસ ઠંડો રહે ત્યાં સુધીના કાર્યમાં યોગદીપસિંહ જાડેજા, દીપ પરીખ તથા 20 જેટલા શ્રવણ સેવકોએ દિવસ-રાત જોયા વગર મહેનત કરી છે. સામાન્ય રીતે આપણે રસ કાઢ્યા બાદ કેરીના ગોટલા અને તેની છાલ ગૌમાતાને ધરાવીએ છીએ. પરંતુ મારું માનવું છે કે, ગૌમાતામાં 33 કોટી દેવી-દેવતાઓ વાસ કરે છે, અને તે તાજા અને ઠંડા કેરીના રસના હકદાર છે. આ મામલે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂરત છે.અમે 2,001 કિલો તાજો ઠંડો કેરીનો રસ ગૌશાળાની 9 ક્યારીમાં ઠાલવ્યો હતો. ગૌશાળામાં અંદાજિત 700 જેટલી ગૌમાતા-નંદીજી મહારાજ તથા અન્ય પશુનો વસવાટ છે, જેથી અમારી ગણતરી પ્રમાણે પ્રતિ પશુ 2.80 કિલો કેરીનો રસ જમી શકે એવું અમારું આયોજન હતું. એટલું જ નહીં, ક્યારીના જે ભાગે ગૌમાતા જલદી કેરીનો રસ સફાચટ કરી ગયા હોય ત્યાં અમે એમની હાજરીમાં જ ક્યારી ફરી ભરી આપી હતી. આવું બે-ત્રણ વખત થયું હતું.