મુંબઈઃબેંકો અને નોન-બેન્કીંગ કંપનીઓ દ્વારા આડેધડ ગોલ્ડ લોન અપાતી હોવાની રીઝર્વ બેન્કની નોંધ બાદ હવે તેમાં માસીક હપ્તાનો નવો યુગ શરૂ થવાના સંકેત છે. ગોલ્ડ લોન લીધા બાદ તુર્ત જ પુર્ન ચુકવણી માટે માસીક હપ્તાની સીસ્ટમ અમલી બનાવવાનાં ચક્રો ગતિમાન થયા છે. આ સિવાય ટર્મ લોનનો વિકલ્પ પણ વિચારવામાં આવી રહ્યો છે.
બેન્કીંગ સુત્રોએ કહ્યું કે રીઝર્વ બેન્કની સુચના સ્પષ્ટ છે. ગોલ્ડલોન પેટે જામીનગીરી તરીકે મુકાતા સોના પર નિર્ભર રહેવાના બદલે લોનધારકની નાણા ચુકવવાની ક્ષમતા ચકાસવા કહ્યું છે. ગોલ્ડ લોનની મુદત વધારી દેવા માટે રોલઓવર સીસ્ટમ સામે પણ રીઝર્વ બેન્કને વાંધો છે આ સંજોગોમાં માસીક હપ્તામાં ચુકવણીનો વિકલ્પ વિચારણામાં છે.
રીઝર્વ બેન્કે ગત સપ્ટેમ્બરમાં જ બેંકોને પાઠવેલા પરિપત્રમાં સોનાના દાગીના પર અપાતી લોનમાં ગેરરીતી સામે અંગુલી નિર્દેશ કર્યો હતો. સોનાના વેલ્યુએશન ઓકશનમાં પારદર્શીતા, સોનાની કિંમત સામે લોનની રકમ, જોખમની માત્રા સહીતના મુદાઓમાં પ્રતિ હોવા તરફ ઈશારો કર્યો હતો. ઉપરાંત ગોલ્ડ લોન રોલ ઓવર કરી દેવાની પ્રક્રિયા પણ ગેરરીતીનો એક પ્રકાર જ હોવાનું જાહેર કર્યું હતું.
ગોલ્ડ લોનમાં બેંકો-કંપનીઓ નિશ્ચિત અવધી માટે લોન આપે છે અને સમયગાળો પૂર્ણ થયા બાદ એક જ ઝાટકે સંપૂર્ણ રકમ પરત મેળવે છે માસીક હપ્તા જેવી કોઈ સીસ્ટમ નથી. અન્ય એક વિકલ્પ લોનધારક પાસે સગવડ થાય ત્યારે તબકકાવાર નાણા પરત ચુકવવાનો વિકલ્પ આપવામાં આવતો હોય છે.
આ વિકલ્પ હેઠળ લોનની કુલ મુદતમાં લોનધારક ગમે ત્યારે તબકકાવાર નાણાં પરત ચુકવી શકે છે. બેંકો તથા નોન-બેન્કીંગ ફાઈનાન્સ કંપનીઓનાં ગોલ્ડલોન પોર્ટફોલીયોમાં ટુંકાગાળામાં મોટો વધારો થતાં રિઝર્વ બેન્કનું ધ્યાન ખેંચાયું હતું. રેટીંગ એજન્સી ક્રિસીલનાં રીપોર્ટ મુજબ એપ્રિલથી ઓગસ્ટમાં સોનાના ભાવમાં મોટો વધારો છતાં સોનાના દાગીના સામે લોનમાં 37 ટકાની વૃધ્ધિ થઈ હતી.
ગોલ્ડ લોનનાં વ્યવસાયમાં જ સામેલ કંપનીઓમાં લોનનું પ્રમાણ ત્રિમાસીક ગાળામાં 11 ટકા વધ્યુ હતું. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે ગોલ્ડ લોનનું વધતુ પ્રમાણ ચિંતાજનક છે. લોન ધારકની આવક સામે નાણા પરત કરવાની ક્ષમતા શંકાજનક છે. એટલુ જ નહિં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તો જોખમ ઉભુ થઈ શકે ગીરવે રહેલા સોનાનું મુલ્ય ઘટી જાય એટલે રીપેમેન્ટમાં પડકાર સર્જાઈ શકે.આ સંજોગોમાં ગોલ્ડ લોન આપવામાં ખાસ કાળજી રાખવી પડે તેમ છે.
ગોલ્ડ જવેલરી લોનમાં 51 ટકાનો ધરખમ વધારો
30 સપ્ટેમ્બરની સ્થિતિએ બેંકોએ 1.4 લાખ કરોડની જવેલરી લોન આવી હતી. જે આગલા ત્રિમાસીક ગાળા કરતાં 51 ટકા વધુ હતી જયારે ગત વર્ષનાં સમયગાળા કરતાં 14.6 ટકાની વૃધ્ધિ સુચવતી હતી.