નવી દિલ્હી: દેશમાં કોરોનાકાળ બાદ ગોલ્ડ લોનમાં થયેલા મોટા વધારા ઉપરાંત તેમાં ડિફોલ્ટનું પ્રમાણ પણ વધતા ખાનગી કંપનીઓ તથા બેન્કો દ્વારા સોનામાં લીલામી કરીને તેના ધિરાણ વસુલવામાં જે પ્રક્રિયા અપનાવવામાં આવે છે તેમાં કોઈ ગડબડ સામે આકરા પગલા લેવાની ચેતવણી સરકારે આપી છે.
લોકસભામાં ગોલ્ડ લોન ડિફોલ્ટરના સોનાની લીલામીમાં મોટાપાયે હેરાફેરી અને ગોલમાલ થતી હોવાની ચિંતા અનેક સભ્યોએ વ્યક્ત કરી હતી. જેનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારામને નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ તથા બેન્કો જે સોના સામે ધિરાણમાં જોડાયેલ છે. તેઓએ સોનાની લીલામીમાં નિશ્ચિત પ્રક્રિયાનું પાલન કરવાનું રહે છે તે તાકીદ કરી હતી.
જો કોઈ ડિફોલ્ટર તેના સોનાના ધિરાણને ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો નિયમ મુજબ તેણે ગીરવે મુકેલુ સોનુ વેચવાનો બેન્કો તથા નોનબેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને હકક છે પણ તેના માટે નિર્ધારિત પ્રક્રિયા છે. ગત વર્ષે રીઝર્વ બેન્ક દ્વારા કરાયેલા ઓડિટમાં ગોલ્ડ લોન આપનાર કંપનીઓ ગ્રાહક સાથે ગડબડી, ધોખાધડી કરી રહી હોવાનું બહાર આવ્યું હતું અને પ્રક્રિયાનું પણ પાલન થતુ નહી હોવાનું બહાર આવ્યું હતું.
સૌ પ્રથમ તો આ પ્રકારની ગોલ્ડ લોનમાં સોનું વેચવાની નોબત આવે તો તેની કિંમત નિર્ધારણ સમયે જે તે લોનીને હાજર રાખવા જરૂરી છે. ગોલ્ડલોન નિશ્ચિત કરતા સમયે વેલ્યુઅર પણ જે તે સંસ્થા સાથે ગડબડીમાં સામેલ થાય છે. ગ્રાહકની અનઉપસ્થિતિમાં સોનાનું વજન સહિતનું મુલ્યાંકન કરી શકાશે નહી.
ઉપરાંત આ પ્રકારની ગોલ્ડ લોનમાં ગ્રાહક ડિફોલ્ટ થાય તો જે લીલામી પ્રક્રિયા છે તેમાં પારદર્શકતા હોતી નથી તેની સંસદમાં પણ સ્વીકાર થયા છે. ઉપરાંત લોન-ટુ વેલ્યુ એટલે કે સોનાના પ્રમાણ, કિંમત અને તેમાં લોન રકમ આ પ્રક્રિયામાં કોઈ નિશ્ચિત માપદંડનું પાલન થતુ નથી.
નિર્મલા સીતારામને આકરા શબ્દોમાં કહ્યું કે જે ગોલ્ડ લોન કંપની અને બેન્કોમાં નિયમોમાં ગડબડી કરશે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે.