ગુલામીની માનસિકતા છોડીને સૌએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અર્થાત ભારતકુળને અપનાવવું જોઈએ તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં જણાવ્યું હતું. ગુજરાત મીડિયા ક્લબ (જીએમસી)ના સહયોગથી ભારતકુળ સંસ્થા દ્વારા આયોજિત ચાર દિવસના સમારંભનું ઉદ્દઘાટન મુખ્યપ્રધાને કર્યું હતું.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ, રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ અને રાજ્યની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં આવાં આયોજનો દેશના યુવાનોને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવામાં મહત્વનું યોગદાન આપે છે.
સંસ્કૃતિ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જીવંત રાખવી જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે યુવા પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળત: મૂલ્યોનો પરિચય થાય તે પણ અત્યંત જરૂરી છે. જેમ ઘટાદાર વૃક્ષ માટે ઊંડા અને મજબૂત મૂળ હોવા જરૂરી છે તેમ સંસ્કૃતિ સંસ્કાર અને વિરાસતના જતન સંવર્ધનને સંગીન બનાવવા તેની સાથે યુવા શક્તિનું જોડાણ પણ આવશ્યક છે.
મીડિયાની કામગીરીને બિરદાવતા રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું કે મીડિયાનો ‘ભાવ’ સમાજ માટે સારું કરવાનો હોય છે માટે માધ્યમોની સાચી ટીકાઓને વિશાળ લોકહિતમાં ધ્યાને લઈ આપણે કાર્ય કરવું જોઈએ કારણ કે, સરકાર અને માધ્યમો- બંનેનો હેતુ આખરે તો લોકકલ્યાણનો જ છે.
મુખ્યમંત્રીએ સૌને સાથે મળીને આપણી સંસ્કૃતિ અને વિરાસતને જીવંત રાખીને વડાપ્રધાનના ‘વિકસિત ભારત‘ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.