ગામડા કરતા શહેરોના પુરૂષ-મહિલાઓ વધુ કામ કરે છે: મનોરંજન-રમતગમત માટે સમય ફાળવણી ઓછી
► આજીવિકા માટે 23 ટકા તથા અન્ય પ્રવૃતિઓ માત્ર 11 ટકાનો સમય ચિંતાજનક
ભારતમાં કર્મચારીઓના કામના કલાકો વિશે કોર્પોરેટ માંધાતાઓનાં અલગ અલગ વિરોધાભાસી અભિપ્રાયો વચ્ચે એવુ બહાર આવ્યું છે કે ગુજરાતીઓ દરરોજ 449 મીનીટ અર્થાત 7.50 કલાક કામ કરે છે.નેશનલ સેમ્પલ સર્વેનાં ટાઈમ યુથ સર્વેના રીપોર્ટમાં આ તારણ દર્શાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતીઓ સાડા સાત કલાક નોકરી-રોજગારી કે તેના સંલગ્ન કામમાં ગાળે છે.
ભારતમાં સૌથી વધુ કામ કરતાં રાજયોનાં લોકોમાં ગુજરાતીઓનો પાંચમો નંબર છે. દેશમાં સૌથી વધુ 8 કલાકનું દૈનિક કામ હરિયાણાના લોકો કરે છે.મહારાષ્ટ્રનાં લોકો 7.8 કલાક તથા આંધ્રપ્રદેશ-પંજાબમાં લોકો દરરોજ સરેરાશ 7.7 કલાક કામ કરે છે. રાષ્ટ્રીય સ્તરે ભારતીયો પ્રતિદિન સરેરાશ 7.3 કલાક (440 મીનીટ) કામ કરે છે.
સર્વેમાં કેટલાંક રસપ્રદ-તારણો પણ દર્શાવાયા છે.જે અંતર્ગત ગામડા કરતાં શહેરોનાં મહિલા-પુરૂષો વધુ કામ કરે છે. શહેરી પુરૂષો સરેરાશ 536 મીનીટ-8.9 કલાક કામ કરે છે. જયારે ગ્રામ્ય વિસ્તારનાં પુરૂષો 459 મીનીટ-7.7 કલાક કામ કરે છે. શહેરી મહિલાઓ સરેરાશ 6.2 કલાક તથા ગ્રામ્ય મહિલાઓ પ્રતિદિન 5.3 કલાક કામ કરે છે.
કમાણી સિવાયનાં ઘરકામ, શિક્ષણ-સામાજીક અને મનોરંજક જેવી પ્રવૃતિઓને પણ આ સર્વેમાં આવરી લેવામાં આવી હતી તેમાં એવુ ચોંકાવનારૂ આશ્ર્ચર્યજનક તારણ એવુ નિકળ્યુ હતું કે રાજયભરની મહિલાઓ (શહેરી-ગ્રામ્ય) 5.1 કલાક આવા કામ-પ્રવૃતિઓ પાછળ ગાળે છે. અભ્યાસ પાછળ સરેરાશ 410 મીનીટનો સમય પસાર કરે છે.
કામકાજ તથા પરિવાર સાથેનું સંતુલન કેવી રીતે કરવામાં આવે છે તે વિશે પણ એવું તારણ નિકળ્યુ હતું કે ગુજરાતીઓ સરેરાશ 149 મીનીટ-અઢી કલાક સામાજીક કામો પાછળ ગાળે છે.જયારે 158 મીનીટ-2.6 કલાક સાંસ્કૃતિક-મનોરંજક-સોશ્યલ મીડીયા પ્રવૃતિમાં વાપરે છે.
સામાજીક પ્રવૃતિને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાતીઓનો ટોપ-ફાઈવ રાજયોમાં સમાવેશ થાય છે. નાગાલેન્ડના લોકો 163 મીનીટ તથા કેરળના લોકો 160 મીનીટ જેવા સૌથી વધુ સમય આ પ્રવૃતિમાં ગાળે છે. ગુજરાતના લોકો 149 મીનીટ આ પ્રકારની પ્રવૃતિમાં વાપરે છે.
જાણકારોનાં કહેવા પ્રમાણે ચોકકસ સમાજ પોતપોતાનાં મહત્વના કામો-પ્રવૃતિમાં વધુ સમય આપતો હોય છે વર્ષ 2000 માં ટાઈમ યુઝ સર્વેમાં જ ગુજરાતીઓ દૈનિક 8 કલાક કામ કરતા હોવાનું તારણ નિકળ્યુ હતું તે દ્રષ્ટ્રિએ પ્રતિદિન કામના સરેરાશ કલાકોમાં ઘટાડો છે.
જોકે, કામ પદ્ધતિમાં ઘણા બદલાવ આવી ગયા હોવાથી તેની સીધી સરખામણી કરવાનું યોગ્ય નહિં ગણાય.હવે મહિલાઓની રોજગારી-કામકાજનું પ્રમાણ વધ્યુ છે. શહેરી-ગ્રામ્ય અંતર પણ ઓછુ થયુ છે.
સાંસ્કૃતિક-મનોરંજન તથા રમત ગમતમાં ઘટતો સમય લાલબતી સમાન છે.આ ક્ષેત્રમાં પણ યોગ્ય માત્રામાં સમય ફાળવવાની જરૂર છે.ગુજરાતીઓ તેમાં 158 મીનીટ ગાળે છે.જયારે ઉતરાખંડ-કેરળના લોકો 196 મીનીટ અને હિમાચલ-તામીલનાડૂના લોકો 194 મીનીટ ગાળે છે.