ગાંધીનગર
નવી કંપનીઓના રજીસ્ટ્રેશન તથા ચાલુ કંપનીઓને તાળા લાગવાના કિસ્સાઓમાં સમગ્ર દેશમાં ગુજરાતનો સાતમો ક્રમ છે. કંપની કાયદા હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં 26 જાન્યુઆરીની સ્થિતિએ ગુજરાતમાં 7992 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ છે અને સામે 968 કંપનીઓને તાળા લાગ્યા છે.
સંસદમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં 968 કંપનીઓને તાળા લાગ્યા છે. તેમાંથી 119નુ અન્ય કંપનીઓ સાથે મર્જર થયુ હતું. 75 એલએલપી (લીમીટેડ લાયાબીલીટી પાર્ટનરશીપ)માં રૂપાંતરીત થઈ હતી. 27નુ વિસર્જન થયુ હતુ. જયારે 747 રજીસ્ટ્રાર ઓફ કંપનીઝની યાદીમાંથી રદ થઈ હતી.
રાજયમાં 2022-23માં 8964 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ હતુ. 2023-24માં આ સંખ્યા 10208ની થઈ હતી. 2022-24માં 2791 તથા 2023-24માં 1029 કંપનીઓ બંધ થઈ હતી. સાંસદ પરિમલ નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં નોંધાયેલી કંપનીઓ વિશે સવાલ કર્યો હતો. કંપની કાયદા હેઠળ વધુ કંપનીઓની નોંધણીને પ્રોત્સાહન આપવા સરકારે લીધેલા પગલાની પણ વિગતો માંગી હતી.
કોર્પોરેટ બાબતોના પ્રધાન હર્ષ મલ્હોત્રાએ લેખિત જવાબમાં કહ્યું કે 63 નિયમોને ફોજદારી ગુનાની યાદીમાંથી હટાવીને સરળ કરાયા છે તેવીજ રીતે નાની કંપનીઓ માટે મૂડીના ધોરણ બે કરોડથી વધારીને 4 કરોડ કરાયા છે.
દેશમાં સૌથી વધુ 23733 કંપનીઓનું રજીસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં થયુ હતું. ઉતરપ્રદેશમાં 15150, દિલ્હીમાં 12373, કર્ણાટકમાં 10332, તામીલનાડુમાં 9636 તથા તેલંગાણામાં 9295 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ હતું. સમગ્ર દેશમાં 138027 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ હતું તે પૈકી 5.79 ટકા ગુજરાતમાં નોંધાઈ હતી.
કંપની બંધ થવામાં પણ ગુજરાત સાતમા ક્રમે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3669, દિલ્હીમાં 2746, પશ્ર્ચીમ બંગાળમાં 2082, કર્ણાટકમાં 1540, તામીલનાડુમાં 1123 તથા ઉતરપ્રદેશમાં 1003 કંપની બંધ થઈ હતી. સમગ્ર દેશમાં આ સંખ્યા 17654ની હતી.