ગુજરાતમાં ટ્રાફીક ભંગ મામલે થતા આડેધડ દંડ મામલે વખતોવખત સર્જાતા ઉહાપોહ વચ્ચે રાજયમાં ચાર વર્ષમાં 33.4 લાખ ચલણ મારફત 680 કરોડનો ટ્રાફીક દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાત ચોથા સ્થાને છે દર બે મીનીટે ત્રણ ટ્રાફીક ચલણ ઈસ્યુ થયા હતા અને તેમાં રૂા.6472 રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
લોકસભામાં રજુ થયેલા રીપોર્ટ પ્રમાણે 2019 થી 2023 માં ગુજરાતમાં 33.4 લાખ ટ્રાફીક ચલણ ઈસ્યુ થયા હતા.દંડની રકમ 680 કરોડ હતી. પ્રતિ ચલણ દંડની રકમ 2042 થવા જાય છે. પ્રતિ ચલણ દંડની રકમમાં સૌથી વધુ બિહાર મોખરે છે.જયાં પ્રતિ ચલણ સૌથી વધુ 3234 નો દંડ ફટકારાયો હતો. મહારાષ્ટ્રમાં પ્રતિ ચલણ 2054 તથા રાજસ્થાનમાં પ્રતિ ચલણ દંડની રકમ 2380 થવા જતી હતી.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે વર્ષે 170 કરોડના ટ્રાફીક દંડથી રાજય સરકારનો એક નાનો પ્રોજેકટ પુરા થઈ શકે મોટાભાગનાં ટ્રાફીક ચલણ મહાનગરોમાં ઈસ્યુ થયા છે જયાં માર્ગો પર સીસીટીવી નેટવર્ક છે.
ટ્રાફીક સલાહકાર સમિતિનાં ડો.પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે, વાસ્તવમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોનો આંકડો ઘણો મોટો થાય છે.પરંતુ રેન્ડમ ધોરણે અલગ ઈસ્યુ થતા હોય છે.
સિગ્નલ ભંગ, રોંગ સાઈડ, વાહન ચલાવવા હેલ્મેટ ન પહેરવા સહીતના નિયમોનો ભંગ થતો જ રહે છે. તમામે તમામ વાહન ચાલકોને પકડવા ઈન્ફ્રાસ્ટ્રકચર કે માનવબળ પણ નથી. હકીકતમાં લોકે સ્યંમ શિસ્ત કેળવીને કાયદાનું પાલન કરતા થાય તો જ નિયમ ભંગ અટકી શકે આ લોકોની સુરક્ષાની વાત છે.
ટ્રાફીક પોલીસના સુત્રોએ કહ્યું કે, વખતોવખત ટ્રાફીક ડ્રાઈવ યોજીને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પર તવાઈ ઉતારવામાં આવતી જ હોય છે. લોકસભામાં પૂછાયેલા અન્ય એક પ્રશ્નમાં એમ કહેવાયું હતું કે, 2022 ની સરખામણીએ ટ્રાફીક ચલણ-દંડમાં 51 ટકાનો વધારો થયો હતો. ટ્રાફીક દંડની રકમ 92 કરોડથી વધીને 139 કરોડ પહોંચી હતી.