અમદાવાદ
શેરબજારમાં સળંગ પાંચ માસની મંદીથી ઈન્વેસ્ટરોના કરોડો-અબજો રૂપિયાનું ધોવાણ થયુ છે ત્યારે રોકાણકારો હવે માર્કેટથી મોઢુ ફેરવવા લાગ્યા હોય તેમ ગુજરાતમાં એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે.
જાન્યુઆરીમાં ગુજરાતના ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 1.6 લાખ કરોડ હતું જે ડીસેમ્બરની સરખામણીએ 11.50 ટકા ઓછુ હતું દેશના અન્ય રાજયોની સરખામણીએ સૌથી વધુ ઘટાડો હતો.
નેશનલ સ્ટોક એકસચેંજના રીપોર્ટ મુજબ ઈન્વેસ્ટરોની ભાગીદારી-સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. મહિનામાં ઓછામાં ઓછો એક વખત સોદો કરનારાની સંખ્યામાં 24.6 ટકાનો ઘટાડો છે. માર્કેટની મંદી તથા ભારે વોલાટીલીટી-વધઘટ તે પાછળનું કારણ ગણવામાં આવે છે.
શેરબજારનાં જાણકારોના કહેવા પ્રમાણે કોવીડકાળ બાદ શેરબજારમાં નવા-યુવા ઈન્વેસ્ટરોનો મોટો પ્રમાણમાં પ્રવેશ થયો હતો. પ્રથમ વખત માર્કેટમાં દાખલ થયા હતા. તેઓએ કયારેય મંદીનો અનુભવ કર્યો ન હતો ત્યારે વર્તમાન સળંગ મંદીથી આઘાત પામે તે સ્વાભાવિક છે.
સેન્સેકસ-નિફટી ભલે 17-18 ટકા ઘટયા હોય પરંતુ મીડકેપ-સ્મોલકેપ ક્ષેત્રમાં 60 ટકા સુધીનું ધોવાણ છે અને તેમાં નાના ઈન્વેસ્ટરો ફસાઈ ગયા છે. ભલે ભારતની લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરી અકબંધ છે ત્યારે નાસીપાસ થવાના બદલે રોકાણકારોએ લાંબા ગાળાનાં રોકાણના ધોરણે લાર્જકેપ તથા ફંડામેન્ટલ મજબુત હોય તેવી મીડકેપ કંપનીઓનાં શેરોમાં રોકાણ કરવુ જોઈએ.
જાન્યુઆરીમાં કેશ માર્કેટમાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતા રાજયોમાં ગુજરાત તથા મહારાષ્ટ્રનો દબદબો હતો. મહારાષ્ટ્રનાં ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 2.7 લાખ કરોડ તથા ગુજરાતનું 1.6 લાખ કરોડ હતું. સૌથી વધુ માસીક ટર્નઓવર ધરાવતા ટોપ-10 રાજયોમાંથી કર્ણાટક સિવાયના તમામ રાજયોનાં ટર્નઓવરમાં ઘટાડા છે. સૌથી વધુ 11.5 ટકા ગુજરાતનું ઘટયુ છે.
રાજસ્થાન બીજા ક્રમે છે. રાજસ્થાનનાં ઈન્વેસ્ટરોનું ટર્નઓવરમાં 11.4 ટકાનો ઘટાડો છે. મહારાષ્ટ્ર તથા ગુજરાતનું સંયુકત ટર્નઓવર 30 ટકા થવા જાય છે. તેમાં મહારાષ્ટ્રનું 18.9 ટકા તથા ગુજરાતનું 10.8 ટકા હોય છે.ત્રીજા ક્રમે ઉતર પ્રદેશનું 7.6 ટકા, કર્ણાટકનું 6.7 ટકા તથા દિલ્હીનું 6.6 ટકા રહે છે.
દેશભરમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની ભાગીદારીમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં 24.1 લાખ વ્યકિતગત ઈન્વેસ્ટરો (17.9) ટકા ઘટયા છે. ગુજરાતમાં 16 લાખ તથા ઉતર પ્રદેશમાં આ સંખ્યા 13.1 લાખની છે.ગુજરાતમાં એકટીવ ટ્રેડરોની સંખ્યામાં સૌથી વધુ 24.6 ટકાનો ઘટાડો થયો છે.