Stock Today

ખ્યાતિ કાંડ : દર્દીઓને ચીરી નાખવા ગેંગ જેવુ નેટવર્ક

ફરાર આરોપીઓ પોલીસથી બચવા રશિયન – ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા, પરંતુ પોલીસે એક ડગલુ આગળ વધીને પગેરૂ મેળવી લીધુ

અમદાવાદઃનાણાં ખંખેરવા માટે દર્દીઓની બીનજરૂરી સર્જરી-સ્ટેન્ટ મુકવાના તથા સરકારની આરોગ્ય યોજનાના ગેરલાભ લેવામાં ઝપટે ચડેલી અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલકાંડમાં ફરાર પાંચ આરોપી ઝડપાતા નવા-નવા ખુલાસા થવા લાગ્યા છે. રાજકોટના ડો. સંજય પટોલીયા સહિતના અન્ય આરોપીઓને પકડવા જાળ બીછાવવામાં આવી છે.

ફરાર આરોપીઓ પોલીસથી બચવા માટે રશિયન-ચાઈનીઝ એપથી એકબીજાના સંપર્કમાં હતા પરંતુ પોલીસ એક ડગલુ આગળ હોય તેમ સાઈબર નિષ્ણાંતોની મદદ લઈને આરોપીઓના સગડ મેળવી લીધા હતા. દર્દીઓને માટે કેમ્પ ગોઠવવા તથા તેમાંથી સ્ટેન્ટ બેસાડવા દર્દીને સમજાવવા-ડરાવવા જેવી કામગીરીનો વ્યવસ્થિત પ્લાન હોવાનુ પ્રાથમીક પુછપરછમાં બહાર આવ્યુ છે.

આ ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પિટલમાં એડમીન/માર્કેટિંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટિંગની જવાબદારી સંભાળે છે.

જેનો માસિક પગાર રૂપિયા 7,00,000/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મૂકાવતો. તેમજ ડોકટરને પણ તેની સૂચનાનુ પાલન કરવુ પડતુ હતુ. હોસ્પિટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો.

ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાઈ ગયો હતો. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.

આરોપી મિલીન્દ પટેલ સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરી હતી. જે બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને 2010 થી નિધી હોસ્પિટલ, નવરંગપુરા ખાતે માર્કેટિંગ એકસીકયુટીવ તરીકે જોડાયો હતો. 2017માં સાલ હોસ્પિટલ વસ્ત્રાપુર ખાતે જોડાયો, જયાં ચિરાગ રાજપૂત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટિંગ એકઝી. તરીકે 2020 સુધી નોકરી કરી હતી.

2020માં ચિરાગ રાજપૂતના કહેવાથી એશિયન બેરીયાટ્રીકસ હોસ્પિટલમાં નોકરી પર લાગ્યો હતો. જ્યાં માર્કેટિંગ એકસીકયુટીવ તરીકે 2020 સુધી રહ્યો હતો.

આ સમય દરમ્યાન તેને શેર બજારમાં નુકશાન થતા ઘર/પરીવારથી અલગ થયેલ તેના વિરૂધ્ધ નેગો. એકટ કલમ 138 મુજબના કેસ થયેલ. જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલ. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એકઝીકયુટીવ તરીકે જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ. 40,000/- ના પગારથી નોકરી કરે છે.

ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી. ડોકટરને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે.

આરોપી રાહુલ જૈન હોસ્પિટલમાં સી.ઇ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પિટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો.

ઓડીટમાં કોઇ ભૂલ હોય તો ડાયરેકટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા (4) તથા (5) પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહી મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા, વિગેરે તમામ કાર્યવાહી કરતા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top