અમદાવાદઃખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોનાં આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યાં છે. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે, દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે, તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ અમારા રડારમાં હતા જ. પુરાવા મળતાં ગઈરાત્રે મિલાપ પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી છે. બીજા બે કર્મચારીની પૂછતાછ ચાલુ છે. સંભવત: સાંજ સુધીમાં તેમની ધરપકડ થઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મિલાપ પટેલ કોન્ટ્રાક્ટ આધારે આરોગ્ય વિભાગમાં 2017થી નોકરી કરતો હતો. મિલાપ આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો. મિલાપ પટેલે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. તેને કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આયુષ્યમાન કાર્ડ ખોટી રીતે કાઢી આપીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. પોલીસને શંકા છે કે, મોટાં કૌભાંડો કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓ જ કર્યા છે પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો હતો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડાં કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક પટેલ (અમદાવાદ), ચિરાગ રાજપૂત (અમદાવાદ), નિમેશ ડોડિયા (અમદાવાદ) મોહમ્મદ ફઝલ શેખ (અમદાવાદ), મોહમ્મદ અશફાક શેખ (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર), ઈમ્તિયાઝ (ભાવનગર) રાશિદ (બિહાર) ઈમરાન જાબીર હુસૈન કારીગર (સુરત) અને નિખિલ પારેખ (અમદાવાદ)નો સમાવેશ થાય છે.