Stock Today

ખનીજતેલ અને ઇંધણ નિકાસો પર સરકારે નાબૂદ કર્યો આકસ્મિક નફા વેરો

નવી દીલ્હી, ડિસેમ્બર ૨ (PTI): આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં ઘટાડાને પગલે ભારત સરકારે ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ (જેટ ફ્યુલ), પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર ત્રીસ મહિના પહેલાં લાદેલ આકસ્મિક નફા વેરો (વિન્ડફોલ ટેક્સ) નાબૂદ કર્યો છે. રાજ્ય નાણાંમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જાહેર સાહસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓ.એન.જી.સી.) અને ખાનગી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવાં સાહસો દ્વારા ઉત્પાદિત ખનીજતેલ પર ત્રીસ મહિના પહેલાં લાદવામાં આવેલ વેરો નાબૂદ કરતી અધિસૂચના રજૂ કરી છે.

આજના સ્ટોક ટુડેના અંકમાં પાના નં. ૧૪ પર ક્રૂડ ઓઇલના ઘટતાં ભાવો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત નીચા મથાળાં બનાવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેવામાં આજે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવો ઘટવાને કારણે આ કોમોડિટીમાં થતાં આકસ્મિક નફા પર લાદેલ વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ પર વિશેષ અતિરિક્ત ઉત્પાદન શૂલ્ક લાદતી જૂન ૩૦, ૨૦૨૨ ના રોજની અધિસૂચનાને આજની અધિસૂચનાથી પરત લઇ લેવામાં આવી છે.

જ્યારે ઉક્ત અધિસૂચના પહેલીવાર અમલી બની હતી ત્યારે પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલ પર રૂ.૬ પ્રતિ લીટર (પ્રતિ બેરલ ૧૨ ડોલર) અને ડીઝલ પર રૂ.૧૩ પ્રતિ લીટર (પ્રતિબેરલ ૨૬ ડોલર)નું આયાત શુલ્ક લાદવામાં આવ્યું હતું. તેની ઉપરાંત ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ પર ટન દીઠ રૂ.૨૩,૨૫૦ (૪૦ ડોલર પ્રતિ બેરલ)નો આકસ્મિક નફા વેરો લાદવામાં આવ્યો હતો.

કરવેરાના દરની પાછલાં બે પખવાડિયાની સરેરાશ ધ્યાને રાખી સમીક્ષા કરવામાં આવતી હતી, જેમાં સહુ પ્રથમ થયેલ સમીક્ષામાં જ, જુલાઇ ૨૦૨૨ માં, પેટ્રોલ પરનો આકસ્મિક વેરો ઘટાડીને શૂન્ય કર્યો હતો. જ્યારે ડીઝલ અને જેટ ફ્યુલ પર આ વેરો એપ્રિલ ૨૦૨૩ માં ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યા બાદ ઓગસ્ટ ૨૦૨૩ માં ફરી લાદવામાં આવ્યો હતો. ચાલૂ વર્ષે માર્ચ મહિના પછી જેટ ફ્યુલ અને ડીઝલ પર આ વેરો લાદવામાં આવ્યો નથી. ખનીજતેલના ભાવોની વધઘટ મુજબ આ વેરો લાદવામાં આવે છે. ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ પેટ્રોલ પર રૂ.૧૮૫૦ પ્રતિ ટન વેરો હતો, જે ત્યારબાદની પખવાડિક સમીક્ષામાં ઘટાડીને શૂન્ય કરવામાં આવેલ.

ગુજરાત સ્થિત માત્ર-નિકાસલક્ષી ખનીજતેલ પેદાશોનું ઉત્પાદન કરતી રિલાયન્સ અને રોસનેફ્ટની નાયરા એનર્જીને આ નિર્ણયનો સહુથી વધુ લાભ થવાનું નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ, સરકારે ઘરઆંગણે ઉત્પાદિત ખનીજતેલ પર વેરો નાબૂદ કર્યો હોઇ, ઓ.એન.જી.સી. અને ઓઇલ ઇન્ડિયાને તેનો વધુ લાભ થવાની શક્યતા છે.

ખનીજતેલ પેદાશો પર ૭૫ ડોલર પ્રતિ બેરલની ઉપર જે કાંઇ ઉપજ થતી તેનાં પર આકસ્મિક નફા વેરો વસૂલવામાં આવતો હતો. ભારત જે ક્રૂડ બાસ્કેટની આયાત કરે છે તેની કિંમતો નવેમ્બરમાં ૭૫.૧૨ ડોલરથી ઘટીને ૭૩.૬૯ ડોલર પ્રતિ બેરલ થઇ છે. એપ્રિલ મહિનામાં આ કિંમત ૯૦ ડોલર પ્રતિ બેરલ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top