નવી દીલ્હી : (PTI ) અદાણી જૂથે જણાવ્યું છે કે તે કોલંબો પોર્ટ પ્રોજેક્ટ પોતાના ભંડોળથી આગળ ધપાવશે, આ પ્રોજેક્ટમાં પોતાના સ્ત્રોતોનો ઉપયોગ કરશે અને યુ.એસ.માંથી આ પ્રોજેક્ટ પર ફંડિંગ નહિ લે.
મંગળવારે એક્ચેન્જને આપવામાં આવેલ જાણકારીમાં અદાણી પોર્ટ એન્ડ એસ.ઈ.ઝેડ આવતાં વર્ષની શરૂઆતમાં કોલંબો પોર્ટ કામકાજ માટે ખુલ્લું મૂકવા તરફ આગળ વધી રહ્યું છે. આ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઔદ્યોગિક જૂથ પોતાની મૂડી-સંચાલકીય વ્યવસ્થાને અનુરૂપ આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાનું થતું ફંડ પોતાના સ્ત્રોતોમાંથી લાવશે.
કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, તેણે વર્ષ 2023 માં યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશનમાં આ પ્રોજેક્ટના ફંડિંગ માટે કરેલ રિકવેસ્ટ પરત ખેંચી લીધી છે. ગત નવેમ્બરમાં યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશને ડીપ -વોટર કન્ટેનર ટર્મિનલ કે જે કોલંબો પશ્ચિમ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ તરીકે બનવા જઈ રહ્યું છે તેનું બાંધકામ અને ઓપરેશન માટે 55.3 કરોડ યુ.એસ. ડોલરનું ભંડોળ ઉપલબ્ધ બનાવવા સહમતી આપી છે.
કોલંબો પશ્ચિમ આંતરાષ્ટ્રીય ટર્મિનલ શ્રીલંકાના ખાનગી માલિકીના ઉદ્યોગ સમૂહ જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ પી.એલ.સી., શ્રીલંકા પોર્ટ ઓથોરિટી અને અદાણી પોર્ટની ભાગીદારીથી ઉભો થનારો પ્રોજેક્ટ છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનનો પ્રભાવ ઘટાડવા અને તેની સામેના વ્યૂહાત્મક પગલાંના ભાગરૂપે યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન મારફત કોલંબો પોર્ટ પ્રોજેક્ટનો વિકાસ કરવાનો હતો અને તે કામ માટે અદાણીની આગેવાની હેઠળ તૈયાર થઇ રહેલ પ્રોજેક્ટને ફંડિંગ કરવાની યુ.એસ.ની તૈયારીને અદાણી જૂથની પોર્ટ પ્રોજેક્ટના સંચાલનમાં કુશળતા હોવાની વૈશ્વિક સ્વીકૃતિ તરીકે જોવામાં આવે છે.
જયારે યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશને માંગ કરી કે અદાણી અને શ્રીલંકા પોર્ટ ઓથોરિટી વચ્ચે થયેલ સમજૂતીની શરતોમાં કોર્પોરેશનના કહ્યા મુજબ ફેરફારો કરવામાં આવે, ત્યારે શ્રીલંકાના એટર્ની જનરલે આ સમજૂતી સમીક્ષા પર લીધી હતી અને તેના પગલે ધિરાણ કાર્યવાહી અવરોધાઈ હતી. પરંતુ, હવે જયારે સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થવાને આરે છે, અને અદાણી પોર્ટ તેમાં 51 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે અદાણી સમૂહે આ પ્રોજેક્ટ માટે યુ.એસ. કોર્પોરેશનમાંથી ધિરાણ લેવાનું પડતું મૂકી, પોતાના ભંડોળનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
યુ.એસ.ની ઉદ્યોગ ધિરાણ સંસ્થાએ જણાવ્યું છે કે, તેઓ અદાણી સમૂહના કર્તાહર્તાઓ સામે યુ.એસ.માં થયેલ લાંચ આપવાના આક્ષેપોની સંભવિત અસરો બાબત સક્રિયપણે મૂલવણી કરી રહ્યા છે અને અત્યાર સુધી તેમણે પોર્ટ, ઉર્જા જેવા ક્ષેત્રોમાં કાર્યરત સમૂહના કોઈ પ્રોજેક્ટ માટે નાણાં આપ્યા નથી. ગયા મહિને યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અદાણી સમૂહના સ્થાપક અને ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને અન્ય સાત વ્યક્તિઓ સામે ભારતીય અધિકારીઓને 26.5 કરોડ અમેરિકન ડોલરની લાંચ આપ્યાની તહોમત લગાવી છે. તથાક્થીત લાંચ 20 વર્ષમાં 20 બિલિયન યુ.એસ. ડોલરનો નફો કરી શકે તે પ્રોજેક્ટમાં તેમની તરફેણના નિર્ણયો લેવા માટે આપવામાં આવી હોવાનું તહોમત છે. અદાણી સમૂહે આ તમામ તહોમતોને પાયાવિહોણી કહી છે અને તેને તમામ સ્તરે કાયદેસર વિકલ્પોના પ્રયોજનથી પડકારવાની કટીબદ્દતા જણાવી છે.
કોલંબો હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કાર્યરત રહેતું સૌથી મોટું બંદર છે અને 2021 થી તે સતત પોતાની ક્ષમતાના 90 ટકા જેટલું કાર્યરત રહ્યું છે. જે દર્શાવે છે કે આ બંદરના વિસ્તરણની જરૂરિયાત ઉભી થઇ છે.
માલદીવ્સમાં ચીનની પકડ મજબૂત બન્યા બાદ, શ્રીલંકામાં હંબનટોટા બંદર મારફત ચીન પ્રભુત્વ ધરાવવા પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે કોલંબો પોર્ટ કે જે ચીનનો સૌથી પ્રખ્યાત પોર્ટ છે, તેમાં યુ.એસ. કે ભારતનો હિસ્સો હોય તે આંતરાષ્ટ્રીય વ્યાપાર તેમજ રાજકીય વ્યૂહરચના માટે પણ મહત્વનું છે. આ બંદરનો ફેઝ-1 વર્ષ 2025 ના પહેલા ત્રિમાસિકમાં કાર્યરત થવાનો છે.
વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ પર શ્રીલંકા સ્થિત છે. સૌથી વધુ શિપિંગ ટ્રાફિક આ રુટ પર રહે છે. અગ્નિ એશિયા, અખાતી દેશો અને એશિયાના ત્રિકોણ મધ્યેનો આ પોર્ટ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સપ્ટેમ્બર 2021 માં અદાણી પોર્ટ, શ્રીલંકાના ઉદ્યોગ જૂથ જ્હોન કિલ્સ હોલ્ડિંગ્સ અને શ્રીલંકા પોર્ટ ઓથોરિટી વચ્ચે આ બંદરના વિકાસ માટે 70 કરોડ યુ.એસ. ડોલર ખર્ચ કરવાની સમજૂતી થઇ હતી.
કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ શ્રીલંકાનું સૌથી મોટું અને સૌથી વધુ દરિયાઈ ઊંડાઈ ધરાવતું પોર્ટ ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. 20 મીટરની ઊંડાઈ અને 1400 મીટરની બારાની લંબાઈ ધરાવતું ટર્મિનલ તૈયાર થતાં વિશ્વના સૌથી વધુ વિકસી રહ્યા બજારો મધ્યે એક મોટું બંદર તૈયાર થઇ જશે. ટવેન્ટી ફિટ ઇકવીવેલેન્ટ (TEU) એ શિપિંગ થઇ રહેલ માલસામાન માટેનો માપદંડ છે. જયારે આ ટર્મિનલ તૈયાર થશે, ત્યારે તેની ક્ષમતા 24000 ટી.ઈ.યુ. વાળા અલ્ટ્રા લાર્જ કોન્ટેનર વેસલ્સ માટેની બનશે અને તે વાર્ષિક 32 લાખ ટી.ઈ.યુ. માલસામાનનું પરિવહન સાંભળી શકશે.