મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત : 45 દિવસમાં કમિટીનો રીપોર્ટ આવશે : રીવ્યુ બાદ કાનૂન બનાવવાની પ્રક્રિયા હાથ ધરાશે
દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની મોદી સરકારના આયોજનના ભાગરૂપે પહેલા ઉત્તરાખંડમાં યુનિફોર્મ સીવીલ કોર્ટ લાગુ કરાયા બાદ હવે ગુજરાતમાં પણ ટૂંક સમયમાં જ આ ધારો લાગુ કરવામાં આવશે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા જણાવ્યું રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક્ક અને અધિકાર મળે તે માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સીવીલ કોર્ટ અથવા તો યુનિફોર્મ સીવીલ કોર્ટ લાગુ કરવા માટે શક્યતાઓ ચકાસવા સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ રંજના દેસાઇના અધ્યક્ષતામાં કમીટી રચવા નિર્ણય લેવાયો છે.
જે 45 દિવસમાં તેનો રીપોર્ટ રાજ્ય સરકારને આપી દેશે અને તે બાદ રાજ્ય સરકાર તે જાહેર જનતાના અભિપ્રાય અર્થે મુકશે અને બાદમાં તેના પરથી એક સમાન ધારો અમલમાં આવી જશે આ માટે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખરડો આવે તેવી શક્યતા છે.
સરકારે આજે આ માટે કમીટીના અધ્યક્ષ પદે રંજના દેસાઇ કે જેઓ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ છે તે ઉપરાંત વરિષ્ઠ આઇએસ અધિકારી સી.એલ. મીનાને સભ્ય સચિવ બનાવાયા છે. જ્યારે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેસ ઠાકર તથા સામાજીક કાર્યકર ગીતાબેન શ્રોફ તેના સભ્ય રહેશે. ઉત્તરાખંડમાં આ કાનૂન લાગુ થઇ ગયો છે અને હવે ગુજરાત તે લાગુ કરનાર બીજુ રાજ્ય બનશે.
આ પત્રકાર પરિષદમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 45 દિવસમાં કમિટી દ્વારા જે રીપોર્ટ અપાશે તેનો રીવ્યુ કરવામાં આવશે અને અભિપ્રાયો પણ માંગવામાં આવશે અને બાદમાં સરકાર યોગ્ય નિર્ણય લેશે તેમજ કોઇ જ્ઞાતિ-જાતિ કે સમાજને નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખશે.
ખાસ કરીને અદિવાસ સમાજની ચિંતા સરકાર કરશે. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ કાયદો કોઇ એક સમુદાયને ધ્યાનમાં રાખીને લવાયો નથી અને સરકાર તેનો અમલ પણ તટસ્થ રીતે કરશે.
યુસીસી કમિટિના અધ્યક્ષ અને સભ્યો
► રંજના દેસાઇ, સુપ્રિમ કોર્ટના નિવૃત્તિ ન્યાયધિશ (અધ્યક્ષ)
► વરિષ્ઠ નિવૃત્તિ આઇએએસ અધિકારી સી.એલ. મીના (સભ્ય)
► એડવોકેટ આર.સી. કોડેકર (સભ્ય)
► ભૂતપૂર્વ વી.સી. દક્ષેસ ઠાકર-(સભ્ય)
► સામાજીક કાર્યકર ગીતાબેન શ્રોફ-(સભ્ય)
કમિટીમાં મૌલાના-ઉલેમાઓનો સમાવેશ કરો- ઈમરાન ખેડાવાલા
અમદાવાદના ખાડીયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ યુસીસીની કમિટી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, યુસીસી માટે કમિટી બનાવી છે. ડ્રાફ્ટ શું છે તેની વધારે મને જાણકારી નથી. હું વાંચુ પછી ખબર પડે કે સરકાર શું કરવા માગે છે? સરકાર મુસ્લિમ સમાજના મૌલાના-ઉલેમાને સામેલ કરવા જોઈએ. જેથી શરિયતમાં ઈસ્લામ ધર્મ શું કહે છે તેનો ખ્યાલ આવી જાય. ખાસ કરીને યુસીસીનો અમલ કરવાની વાત છે તો સમગ્ર દેશમાં અમલ કરો તેવું બંધારણમાં છે. સમાન સિવિલ કોડ સમગ્ર દેશ માટે હોય, પણ ઉત્તરાખંડ પછી ગુજરાતમાં થઈ રહ્યો છે. મુસદા પછી સરકાર શું કરવા માગે છે તેની ખબર પડશે. બેકારી, મોંઘવારીનો મુદ્દો છે તેની પણ ચિંતા કરવી જોઈએ. અત્યારે લાગે છે કે સરકાર મુસ્લિમોની ચિંતા કરે છે અને આવા કાયદા બનાવી રહી હોય એવું લાગે છે.
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું?
દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.
પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.